Thu Mar 12 2026

Logo

AI ફિલ્મ: દીદાર દમદાર... દિલ દરિદ્ર

1 week ago
Author: Mumbaisamachar Team
Article Image




 

 

 

પચીસ વર્ષ પહેલાં આવેલી સ્પીલબર્ગની ફિલ્મનું નામ AI. હતું અને આ વર્ષે હોલિવૂડની પ્રથમ ફુલ લેન્થ AI ફિલ્મ રિલીઝ થવાની છે

 

કવર સ્ટોરી - હેમા શાસ્ત્રી

 

કાન ફેસ્ટિવલમાં રજૂ થનારી ‘ક્રીટર્ઝ’

 

ધૂમ્રપાનની લત માટે ઘરમાંથી સોનું ચોરી પૈસા ઉપજાવ્યા હતા એ વાતની કબૂલાત કરી મોહનદાસ કરમચંદ ગાંધી નામના 15 વર્ષના કિશોરે સત્યનો આગ્રહ રાખ્યો હતો. ત્યારે એમને તો શું કોઈને સપને પણ ખ્યાલ નહીં હોય કે એ સત્યનો આગ્રહ સત્યાગ્રહ બની જીવનમાં એવો વણાઈ જશે કે 58 વર્ષની ઉંમરે મહાત્મા ગાંધી ‘સત્યના પ્રયોગો’ નામની આત્મકથા લખશે,  જેનો વિશ્વની વીસેક ભાષામાં અનુવાદ થશે અને એની 18 લાખથી વધુ નકલ છપાશે.

 

1975માં  Jaws ફિલ્મથી ખ્યાતિ મેળવનારા સ્ટીવન સ્પીલબર્ગ નામના ફિલ્મમેકરે પચીસ વર્ષ પહેલા - 2001માં A.I. Artificial Intelligence (or simply A.I.) ટાઈટલ ધરાવતી સાયન્સ ફિક્શન ડ્રામા ફિલ્મ બનાવી હતી. એ સમયે એમને પણ કલ્પના નહીં હોય કે 2026માં આંતરરાષ્ટ્રીય ચિત્રપટ મહોત્સવ - કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી તૈયાર થયેલી હોલિવૂડની પ્રથમ ફુલ લેન્થ ફિલ્મ દર્શાવવામાં આવશે...! 

 

જી હા, તાજેતરમાં નવી દિલ્હીમાં આયોજિત India AI Impact Summit 2026 વખતે હાજર રહેલા મહાનુભાવો પૈકી એક સેમ ઑલ્ટમેન જેના સીઈઓ છે એ OpenAI સંસ્થા (ચેટ જીપીટીની અનોખી ભેટ આપનારી કંપની)નું સમર્થન, અનુમોદન મેળવી CRITTERZ નામની ફિલ્મ આ વર્ષના કાન ફિલ્મ ફેસ્ટિવલથી દુનિયા સમક્ષ રજૂ થશે.

 

વેલકમ ટુ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ -AI  માધ્યમથી નિર્માણ થનારી નવી દુનિયામાં તમારું સ્વાગત છે. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ કઈ ઝડપથી માનવ જીવનમાં પગપેસારો કરવા કેવી થનગની રહી છે એ દિલ્હીમાં 19 - 20 ફેબ્રુઆરીએ આયોજિત સંમેલન પછી ઈન્ટરનેશનલ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ કોન્ફરન્સના વધારે નહીં, આજથી ગણી આગામી સાત દિવસ (27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી)ના કેલેન્ડર પર નજર નાખતા સમજાઈ જશે. આ સાત દિવસનું ચીન, નાઈજીરિયા, યુક્રેન, નેપાળ, સમોઆ, કતાર, યુએસએ સહિત અનેક દેશના વિવિધ શહેરમાં સિત્તેર - 70 ઈન્ટરનેશનલ કોન્ફરન્સના આયોજનનું ટાઈમટેબલ તૈયાર છે. એક તરફ ભારત, ચીન અને અમેરિકા છે તો બીજી તરફ માત્ર બે લાખ દસ હજારની વસતિ ધરાવતો ટચૂકડો સમોઆ દેશ છે તો 40 ટકા લોકો ગરીબી હેઠળ જીવી રહ્યા છે એ પશ્ર્ચિમ આફ્રિકાનો દેશ નાઈજીરિયા પણ છે. ટૂંકમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સને અપનાવ્યા વિના છૂટકો નથી એવું ચિત્ર ઊપસી રહ્યું છે તો પછી ફિલ્મ ઉદ્યોગ એના આગમનથી કેમ બાકાત રહી શકે? અલબત્ત, આપણે ત્યાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન AI   ફિલ્મોના છૂટાછવાયા અખતરા (જુઓ,  ફ્લેશબેક કોલમ)થયા છે ખરા. અન્ય દેશો પણ પા પા પગલી માંડી રહ્યા છે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાંCRITTERZ ફિલ્મના પ્રદર્શન પછી એમાં વેગ આવશે એવું માનવામાં આવી રહ્યું છે.

 

આ ફિલ્મ 2023માં આવેલી એ જ નામની શોર્ટ ફિલ્મનો વિસ્તાર છે. આ ફિલ્મની સૌથી વિશેષ ખાસિયત એ છે કે એ માત્ર નવ મહિનામાં તૈયાર થઈ છે અને એ પણ 30 મિલિયન ડૉલર (આશરે બે અબજ 70 કરોડ રૂપિયા)ના બજેટમાં. હોલિવૂડ ફિલ્મોના અભ્યાસુઓના કહેવા અનુસાર પરંપરાગત એનિમેટેડ ફિલ્મો બને છે એના કરતાં  ઘણા ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં આ ફિલ્મ બની છે. સામાન્યપણે હોલિવૂડની એનિમેટેડ ફિલ્મ તૈયાર થતા ત્રણથી ચાર વર્ષનો સમય લાગે છે અને એનું સરાસરી બજેટ 125 મિલિયન ડૉલરનું હોય છે.

 

બીજી તરફ, CRITTERZ ફિલ્મના નિર્માણમાં મનુષ્યબળની હાજરી છે અને વોઇસ એક્ટર્સનો સુધ્ધાં ઉપયોગ થયો છે, પણ મેકિંગમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો ખાસ્સો ઉપયોગ થયો છે. ટેકનોલોજી અને ક્રિયેટિવિટી હાથમાં હાથ મિલાવી કેવું પરિણામ આપી શકે છે એ જોવા મળશે પણ સાથે સાથે ફિલ્મ નિર્માણમાં સમય અને સંપત્તિની ખાસ્સી બચતનો મુદ્દો ખાસ્સો ગાજશે. અને હા, ફિલ્મમેકિંગના ભાવિમા AI ની ભૂમિકા કેવી અને કેટલી હશે કે હોવી જોઈએ એની પણ ખાસ્સી ચર્ચા થશે. એક વાત નક્કી છે કે આ ફિલ્મ કેવળ ઈતિહાસ નહીં સર્જે, એનિમેશન ફિલ્મો બનાવવા પ્રત્યેના હોલિવૂડના હાલના અભિગમનાં મૂળિયાં સુધ્ધાં હચમચાવી નાખવાની કોશિશ કરશે.

 

આટલું વાંચી ‘મુંબઈ સમાચાર’ના વાચકોને થયેલી હેરતમાં ઉમેરો કરીએ તો ટેક્નોલોજી ક્ષેત્રમાં ધમાલ મચાવી દેનાર ચીનની આર્ટિફિશ્યલ એજન્સીએ હોલિવૂડના બે ટોપ સ્ટાર ટોમ ક્રૂઝ અને બ્રાડ પિટનો ‘દે ધનાધન’ કરતો વીડિયો વાઇરલ થતા હોલિવૂડ હચમચી ગયું છે.1994નીInterview with the Vampire પછી ક્યારેય આ બન્ને સ્ટાર એક ફિલ્મમાં નજરે નથી પડ્યા. તો આ ફાઇટનો વીડિયો કઈ બલા છે? ચાઈનીઝ કંપનીના આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના એક ઉપકરણની મદદથી એક બિલ્ડિંગની અગાસી પર બંને કલાકાર એકબીજાને ફેંટ મારી રહ્યા છે, લાતાલાતી એવી રીતે કરી રહ્યા છે જાણે કે આજ કાં તો હું નહીં કાં તુ નહીં. બંનેના શરીર પરથી લોહીનું એક ટીપું પણ નથી પડતું.

 

ટેક્નોલોજીની આ કમાલ જોયા પછી તીવ્ર પ્રતિક્રિયાઓ ઊમટી છે. હોલિવૂડના અગ્રણી સ્ટુડિયો તરફથી આ વીડિયો બનાવનારી ચીની કંપનીને સણસણતા પત્ર મોકલી ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીના ગેરકાયદે ઉપયોગ સામે લાલ આંખ કરવામાં આવી છે. જોકે, આ ક્લિપ જોયા પછી Deadpool  Wolverine, Zombieland જેવી પ્રખ્યાત ફિલ્મોના સહ લેખક રેટ રિસની દલીલ છે કે ‘જમ ઘર ભાળી ગયો છે. એ સમય દૂર નથી કે સ્ટુડિયો - લોકેશન અને અન્ય અનેક બાબતની મદદથી બનાવે એવી જ ફિલ્મ કોઈ એક વ્યક્તિ કમ્પ્યુટરની સામે બેસી બનાવી નાખશે અને આપણે જોતા રહી જાશું.’

 

આ બધા વચ્ચે વધુ એક આંચકો, વધુ તીવ્રતાવાળો. જર્મનીના બર્લિન શહેરની AI વીડિયો પ્રોડક્શન કંપની The Dor Brothers દ્વારા બનાવવામાં આવેલી ત્રણ મિનિટની AI ફિલ્મ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની મદદ લઈ માત્ર એક જ દિવસમાં આ વીડિયો તૈયાર કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સામાન્યપણે બને છે એ રીતે જો આ ફિલ્મ બનાવાય તો કેટલાક મહિના લાગે અને તોતિંગ બજેટ ફાળવવું પડે એ છોગામાં.

 

એકંદરે એવું સમીકરણ ઊપસે છે કે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની મદદથી બનતી ફિલ્મથી સમય અને પૈસામાં બહુ મોટો ફરક પડી શકે છે. રૂપિયાનું કામ ચાર આનામાં થઈ જાય અને મહિનાઓની બદલે વાત દિવસોમાં પૂરી થઈ જાય. સારી વાત છે. રોકાણ ઓછું તો નફો વધે અને ચિત્રપટ શું કોઈપણ બિઝનેસ માટે આ આવકારદાયક વાત છે, પણ...

 

પણ... હ્યુમન ઇમોશન્સ યાને કે માનવી લાગણીનું શું? હસતી આંખો, રડમસ કે ગુસ્સાથી લાલપીળો ચહેરો કે પ્રિય પાત્રની રાહ જોતી બેચેની... એ બધું AI કેરેક્ટર્સ નથી દાખવી શકતા એનું શું? ગયા વર્ષે આપણે ત્યાં બનેલી AI ફિલ્મ ‘લવ યુ’નો રિવ્યુ બધું સ્પષ્ટ કરી દે છે. રિવ્યુમાં ફિલ્મ વિઝ્યુઅલી ઉત્કૃષ્ટ દર્શાવાઈ હતી. કોસ્ચ્યુમ્સની ડિઝાઈન અને સંગીતની પણ તારીફ કરવામાં આવી હતી. જોકે, ફિલ્મના એક્ટરોનો અભિનય કે એના ઈમોશન્સ વિશે બે સારા શબ્દ પણ નહોતા લખવામાં આવ્યા. ઉલટાનું એમ જણાવાયું હતું કે ‘AI ની મદદથી તૈયાર કરવામાં આવેલા ચહેરા ટેકનિકલી પ્રભાવી હતા, પણ એ ચહેરા ભાવશૂન્ય હતા. આનંદ કે આક્રંદ દર્શાવવામાં મોળા પડતા હતા. દર્શકોને એ પાત્રો કે એમની મન:સ્થિતિ પોતીકી નહોતી લાગી.’

 

ટૂંકમાં શરીર મજબૂત અને સુંદર પણ આત્મા ખોખલો કે એનો અભાવ જેવી વાત છે.