Sat Mar 07 2026

Logo

Holi 2026: ભારત જ નહીં, દુનિયાના વિવિધ દેશોમાં ઉજવાય છે હોળી અને આ દેશમાં તો પૂરા 7 દિવસ ઉજવાય છે રંગોત્સવ...

1 week ago
Author: Darshana Visaria
Article Image


રંગોના ઉત્સવ એટલે કે હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં ઠેકઠેકાણે રંગબેરંગી સુંદર પિચકારીઓ, જાત જાતના કલરની રોનક જોવા મળી રહી છે. પરંતુ હોળી એટલે માત્ર રંગોનો તહેવાર નહીં, પણ પ્રેમ, એકતા અને અનિષ્ટ પર ઇષ્ટના વિજયનું પ્રતિક સમાન છે. તમને જાણીને નવાઈ લાગશે કે રંગોત્સવ એટલે કે હોળી ભારત પૂરતો મર્યાદિત તહેવાર રહ્યો નથી. સાત સમંદર પાર પણ હોળીનો તહેવાર એટલા જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દુનિયાનો એક દેશ તો એવો પણ છે કે જ્યાં હોળીનો તહેવાર સાત દિવસ સુધી ઉજવાય છે. ચાલો તમને આ અનોખા દેશ વિશે જણાવીએ...

નેપાળમાં સાત દિવસ દિવસ સુધી ઉજવાય છે હોળી
ફાગણ પૂર્ણિમાએ હોલિકા દહન સાથે શરૂ થતો આ ઉત્સવ હવે માત્ર ભારત પૂરતો મર્યાદિત રહ્યો નથી. ભારતીય સમુદાય અને આ તહેવારની વધતી લોકપ્રિયતાને કારણે આજે વિશ્વના ખૂણેખૂણે ગુલાલની ડમરીઓ ઊડતી જોવા મળે છે. ક્યાંક તેને 'ફાગુ પૂર્ણિમા' કહેવામાં આવે છે તો ક્યાંક 'ફગવા' તરીકે ઓળખવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશ કે અમે અહીં જે દેશની વાત કરી રહ્યા છીએ એ ભારતનો પડોશી દેશ છે. અહં... ભારતનો પડોશી દેશ એટલે પાકિસ્તાન કે ચીન નહીં પણ અહીં નેપાળની વાત થઈ રહ્યા છે.

કઈ રીતે વાત થાય છે નેપાળમાં સેલિબ્રેશન?
ભારતના પાડોશી દેશ નેપાળ હોળીની ઉજવણીમાં સૌથી આગળ છે. અહીં હોળીને 'ફાગુ પૂર્ણિમા' કહેવામાં આવે છે અને નેપાળમાં હોળીનો ઉત્સવ પૂરા 7 દિવસ સુધી ચાલે છે. વાત કરીએ અહીંના સેલિબ્રેશનની તો અહીં વાંસની લાકડી (ચીર) રોપીને તહેવારની શરૂઆત કરવામાં આવે છે. પહાડી વિસ્તારો અને તરાઈ ક્ષેત્રોમાં અલગ-અલગ દિવસે ઉત્સાહપૂર્વક રંગો અને સંગીત સાથે હોળી રમવામાં આવે છે.

અન્ય દેશોમાં હોળીની રોનક
ભારતના પડોશી દેશ નેપાળના પડોશી દેશ સિવાય દુનિયાના દેશોમાં હોળીની ઉજવણીની વાત કરીએ તો દુનિયાના વિવિધ દેશોમાં હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ચાલો નજર કરીએ ક્યા દેશમાં કઈ કઈ રીતે ઉજવાય છે હોળીનો તહેવાર...

બાંગ્લાદેશ:અહીં હોળીને 'ડોલ પૂર્ણિમા' કે 'વસંત ઉત્સવ' તરીકે ઉજવવામાં આવે છે. રાધા-કૃષ્ણની શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેમાં લોકો ઉત્સાહ અને ઉમંગથી ભાગ લે છે.

પાકિસ્તાન:ભારતના પડોશી દેશ એવા પાકિસ્તાનના મુખ્યત્વે સિંધ પ્રાંતમાં હિન્દુ સમુદાય પરંપરાગત રીતે મંદિરોમાં હોળીની ઉજવણી કરે છે.

મોરેશિયસ:મોરેશિયસમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં હોળીને રાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવે છે. હોલિકા દહન અને પરંપરાગત 'ફાગ' ગીતો અહીંના મુખ્ય આકર્ષણ છે.
ફિજી, ગયાના અને સુરીનામ:આ દેશોમાં હોળી 'ફગવા' તરીકે ઓળખાય છે. ઇન્ડો-ફિજીયન સમુદાય ઢોલક અને ચૌતાલ ગીતો સાથે રંગોની રમઝટ બોલાવે છે.

અમેરિકા અને બ્રિટન: અમેરિકાના ઉટાહ (સ્પાનિશ ફોર્ક) સ્થિત હરે કૃષ્ણ મંદિરમાં ભવ્ય હોળી રમાય છે. ન્યૂયોર્ક, લંડન અને લેસ્ટર જેવા શહેરોમાં 'કલર રન' અને ભારતીય ફૂડ ફેસ્ટિવલ સાથે હોળી ઉજવાય છે.

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા: સિડની, મેલબોર્ન અને ડરબન જેવા શહેરોમાં ભારતીય પ્રવાસીઓ મોટા પાયે હોળીના કાર્યક્રમોનું આયોજન કરે છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્ર અને પરિવારના સભ્યો સાથે પણ શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ કામની બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

 

 

વધુ જુઓ...