બટેટાં એ આપણે ત્યાં તમામ શાકભાજીમાં ખૂબ જ સરળતાથી મિક્સ થઈ જાય છે. પરંતુ શું તમને ખબર છે કે દુનિયામાં એક દેશ એવો પણ છે કે જ્યાંના નાગરિકોએ એક સમય બટેટાંનો વિરોધ કર્યો હતો? આ દેશ એટલે ફ્રાન્સ. આજે ભલે બટેટાં વિના ફ્રેન્ચ રસોઈની કલ્પના કરવી પણ અશક્ય છે, પરંતુ ફ્રાન્સના ઈતિહાસમાં એક એવો સમય હતો જ્યારે બટેટાં ઉગાડવા એ ગુનો ગણાતો હતો. 1748થી 1772 દરમિયાન ફ્રાન્સે સત્તાવાર રીતે બટેટાંની ખેતી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
આઈ નો આઈ નો હવે તમને એક પણ સવાલ સતાવી રહ્યો હશે કે તમામ શાકભાજીમાં સરળતાથી મિક્સ થઈ જતાં બટેટાંએ ફ્રાન્સના લોકોનું એવું તે શું બગાડ્યું હતું કે ત્યાં લોકોએ આનો વિરોધ કર્યો અને એટલું જ નહીં પણ ત્યાં એની ખેતી કરવો એ પણ ગુનો ગણાતો હતો. તમારા આ તમામ સવાલોના જવાબ તમને આ સ્ટોરી પૂરી થતાં સુધીમાં મળી જશે.
વાત જાણે એમ છે કે જ્યારે 16મી સદીમાં અમેરિકાથી બટેટાં યુરોપમાં આવ્યા, ત્યારે ફ્રાન્સના લોકો તેને શંકાની નજરે જોતા હતા. જોકે આ માટે કેટલાક કારણો જવાબદાર છે. જેમાંથી સૌથી પહેલું અને મહત્ત્વનું કારણ એટલે કે એ સમયે લોકો એવું માનતા હતાં કે બટેટાં ખાવાથી કોઢ થાય છે અને લોકો જમીનની નીચે ઉગતી આ બટેટાંને લોકો ગંદકી સાથે જોડતા હતા.
આ ઉપરાંત બાઈબલમાં બટેટાંનો પણ કોઈ ઉલ્લેખ જોવા મળતો નહોતો અને એટલે જ એ સમયના પાદરીઓએ એવો તર્ક આપ્યો હતું કે આ ખ્રિસ્તીઓ માટે યોગ્ય ભોજન નથી. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ બટેટાં જમીનની અંદર ઉગતાં હોવાને કારણે તેને ગંદો અને શેતાનનું ભોજન માનવામાં આવતો હતો અને એ સમયે બટેટાં માત્ર પ્રાણીઓને ખવડાવવા માટે જ વપરાતા હતા.
નાગરિકોમાં ફેલાયેલી ભ્રામક માહિતીને કારણે ફ્રાન્સ સરકારે તેના પર સત્તાવાર પ્રતિબંધ મૂક્યો હતો. આ બધામાં નવાઈની વાત તો એ છે કે, આ એવો સમય હતો જ્યારે સમગ્ર યુરોપ વારંવાર અકાળ અને ભૂખમરો સહન કરી રહ્યું હતું, છતાં બટેટાં જેવા પોષક પાકની ખેતી કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
હવે તમને એવો સવાલ થઈ રહ્યો હશે કે જો બટેટાંને લઈને ફ્રાન્સના નાગરિકોમાં બટેટાંને લઈને આટલી બધી માન્યતાઓ ફેલાયેલી હતી તો આવી સ્થિતિમાં આખરે આજે બટેટાં ફ્રેન્ચ ડિશનો મહત્ત્વનો હિસ્સો કઈ રીતે બની ગયા? ફ્રાન્સના લોકોની માન્યતા બદલવાનું કામ કર્યું ફ્રેન્ચ ફાર્માસિસ્ટ એન્ટિનો ઓગસ્ટિન પારમેન્ટિયરે. તેમણે જ જેલમાં રહીને બટેટાંની ક્ષમતા પારખી હતી. તેમણે લોકો સાથે દલીલ કરવાને બદલે સાઈકોલોજીનો ઉપયોગ કર્યો.
તેમણે બટેટાંના ખેતરની આસપાસ શાહી સૈનિકોનો પહેરો ગોઠવ્યો હતો અને એને કારણે લોકોમાં એવી છાપ ઊભી થઈ કે બટેટાં ખૂબ જ કીમતી વસ્તુ છે. રાત્રે તેમણે જાણીજોઈને સુરક્ષા હટાવી લીધી, જેથી ઉત્સુક ગ્રામજનોએ બટેટાંની ચોરી કરીને પોતાના ખેતરમાં ઉગાડવાનું શરૂ કર્યું. બસ, આ જ રીતે જે બટેટાંને ક્યારેક ધિક્કારવામાં આવતા હતા, તે આજે ફ્રાન્સની સૌથી મનપસંદ વાનગીઓ જેવી કે ફ્રેન્ચ ફ્રાઈસ અને મૅશ્ડ પોટેટોનો મુખ્ય હિસ્સો બની ગયા છે.
છે ને એકદમ કમાલની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે સેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...