Thu May 28 2026

Logo

દૂધ, ચોખા અને કુદરતી બરફ! 3000 વર્ષ પહેલાં ચીનની ગુફાઓમાં કેવી રીતે અજાણતા જ બની ગઈ દુનિયાની પહેલી આઈસક્રીમ?

2026-05-28 19:36:09
Author: Darshana Visaria
Article Image

ઉનાળાની અસહ્ય ગરમી અને હીટવેવ વચ્ચે જો કોઈ એક વસ્તુ આપણને સૌથી વધુ શાતા આપે છે, તો તે છે ઠંડી-ઠંડી મલાઈદાર 'આઈસક્રીમ' (Ice Cream). આજે ભલે આઈસક્રીમ આપણને આધુનિક જમાનાની શોધ લાગતી હોય, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. આઈસક્રીમની શોધનો શ્રેય કોઈ એક વ્યક્તિને નથી જતો, પરંતુ સમય સાથે અલગ-અલગ સંસ્કૃતિઓએ તેમાં પોતાનો અનોખો અંદાજ ઉમેર્યો છે.

ચીનના રાજાઓથી લઈને ભારતના મુઘલ સામ્રાજ્ય અને આધુનિક બ્રાન્ડ્સ સુધીની આઈસક્રીમનો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ છે. ઈતિહાસકારોના મતે, આઈસક્રીમના શરૂઆતના સ્વરૂપની શોધ ઈસુ ખ્રિસ્તના જન્મના આશરે 3000 વર્ષ પહેલાં પ્રાચીન ચીનમાં થઈ હોવાના પુરાવા મળે છે.

ચીન અને ઈરાન સાથે જોડાયેલા ફ્રોઝન ડેઝર્ટના મૂળિયા 

પ્રાચીન ચીનમાં રાજા-મહારાજાઓ માટે દૂધ અને ચોખાના મિશ્રણને કુદરતી બરફની મદદથી જમાવવામાં આવતું હતું. તે આજની આઇસક્રીમ જેવી મલાઈદાર નહોતી, પરંતુ તેણે ફ્રોઝન ડેઝર્ટનો પાયો જરૂર નાખ્યો હતો. જ્યારે લગભગ 500 ઈસા પૂર્વમાં ઈરાન એટલે કે પર્શિયાના લોકોએ એક અદભુત ટેકનિક શોધી કાઢી હતી. તેઓ બરફને 'યાખચાલ' નામની ખાસ ભોંયતળિયા વાળી જગ્યાએ જમા કરી રાખતા હતા. ત્યારબાદ તે બરફ પર દ્રાક્ષનો રસ, કેસર અને ગુલાબજળ ઉમેરીને એક ડેઝર્ટ બનાવતા, જે આજની તારીખમાં આપણા 'ફાલુદા'ને મળતું આવે છે.

યુરોપમાં એન્ટ્રી અને મશીનની શોધ

મશહૂર મુસાફર માર્કો પોલો 13મી સદીમાં ચીનથી આઈસક્રીમ બનાવવાની આ અનોખી રીત પોતાની સાથે ઇટાલી લઈ ગયો હતો. ત્યાંથી આ આઈડિયા આખા યુરોપમાં ફેલાયો હતો. વાત કરીએ સૌથી મોટા આવેલા ટર્નિંગ પોઇન્ટની તો વર્ષ 1843માં આઈસક્રીમના ઈતિહાસમાં સૌથી મોટો વળાંક આવ્યો, જ્યારે નેન્સી જોહ્ન્સન નામની મહિલાએ હાથથી ચાલતા આઈસક્રીમ મશીનની શોધ કરી અને તેની પેટન્ટ કરાવી. આના લીધે આઇસક્રીમ સામાન્ય લોકો સુધી પહોંચી શકી.

ભારતનું પહેલું ફ્રોઝન ડેઝર્ટ: 'શાહી કુલ્ફી'

આધુનિક આઇસક્રીમ બ્રાન્ડ્સ ભારતમાં આવી તેના સદીઓ પહેલાં આપણી પાસે આપણું દેશી સુપરહિટ ફ્રોઝન ડેઝર્ટ હાજર હતું, જેને આપણે 'કુલ્ફી' (Kulfi) કહીએ છીએ. 16મી સદીમાં મુઘલ કાળ દરમિયાન કુલ્ફી ભારે લોકપ્રિય બની હતી. સમ્રાટ અકબરના શાસનકાળમાં હિન્દુ કુશ પર્વતોમાંથી ખાસ બરફ મુંબઈ અને દિલ્હી સુધી મંગાવવામાં આવતો હતો. આ બરફનો ઉપયોગ કાજુ, બદામ, પિસ્તા અને કેસરથી ઉકાળેલા ઘટ્ટ દૂધને ધાતુના શંકુ આકારના બીબામાં જમાવવા માટે થતો હતો. આમ, કુલ્ફી આપણી સત્તાવાર દેશી આઇસક્રીમ બની.

ભારતમાં આધુનિક આઈસક્રીમ અને નેચરલ ક્રાંતિ

ક્વોલિટીની શરૂઆત: ભારતમાં કમર્શિયલ એટલે કે વ્યાપારી ધોરણે આઇસક્રીમ બનાવવાની શરૂઆત 1940ના દાયકામાં સતીશ સોનાએ કરી હતી. તેમણે 'ક્વોલિટી' બ્રાન્ડ અંતર્ગત ભારતીયોને વેનીલા અને સ્ટ્રોબેરી જેવા પશ્ચિમી ફ્લેવર્સનો સ્વાદ ચખાડ્યો, જે સુપરહિટ સાબિત થયો અને આજે વર્ષો બાદ પણ આ સ્વાદ લોકોની જીભ પર એવોને એવો જ જળવાઈ રહ્યો છે.

નેચરલ્સની ક્રાંતિ: પાછળથી આ આઈસ્ક્રીમની ઇન્ડસ્ટ્રીમાં રઘુનાથન કામથ નામના વ્યક્તિએ રીતસરની ક્રાંતિ લાવી દીધી. તેમણે આર્ટિફિશિયલ ફ્લેવર્સ અને કલર વાપરવાને બદલે અસલી તાજા ફળો જેમ કે સીતાફળ, કેરી, કાજુ-દ્રાક્ષનો પલ્પ વાપરીને આઈસક્રીમ બનાવવાનું શરૂ કર્યું. તેમની બ્રાન્ડ 'નેચરલ આઈસક્રીમ' આજે પણ ફ્રુટ લવર્સની પહેલી પસંદ છે.

વધુ જુઓ...