હેન્રી શાસ્ત્રી
ત્રણ એક અનોખી સંખ્યા છે. આપણી સંસ્કૃતિમાં ત્રિદેવ- બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું અનન્ય સ્થાન છે. પૃથ્વી સૂર્યથી ત્રીજા સ્થાને આવેલો ગ્રહ છે. પતિ-પત્ની (દંપતી)ની જોડીમાં ત્રીજું ઉમેરાય એટલે પરિવાર બને છે. ત્રિકોણ સૌથી નાની સંપૂર્ણ આકૃતિ ગણાય છે.
શિવજીના ત્રીજા નેત્રનું સામર્થ્ય જાણીતું છે. ગાંધીજીના ત્રણ બંદરની વાત ખરાબ બોલવું નહીં, ખરાબ જોવું નહીં અને ખરાબ સાંભળવું નહીં જાણીતી છે... ત્રણનો મહિમા અનંત છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ત્રણનો કરિશ્મા જોવા મળ્યો છે. દિલીપ-રાજ-દેવ ફેમસ ત્રિપુટી અને ત્યારબાદ ખાન ત્રિપુટી (આમિર, સલમાન અને શાહરુખ) ગાજી. ગીત, સંગીત અને નૃત્ય એ ત્રણ ઘટક વિના ભાગ્યે જ હિન્દી ફિલ્મો બની છે. મંગેશકર બહેનો પણ ત્રણ, લતા-આશા અને ઉષા. હિન્દી ફિલ્મના ગીત- સંગીતની વાત કરીએ તો અહીં જોડીનો મહિમા વધુ જોવા મળ્યો છે. હશ્નલાલ-ભગતરામ, કલ્યાણજી-આનંદજીથી અજય-અતુલ અને સચિન-જીગર સંગીતકાર જોડી તરીકે મશહૂર છે.
જોકે ત્રણ સંગીતકારોએ મળી એક ફિલ્મ માટે ગીત કમ્પોઝ કર્યા છે એની જાણકારી લગભગ નહીં હોય. ત્રણ ગાયક-ગાયિકાએ ગાયેલા ગીત વિશે પણ બહુ ઝાઝી ખબર નહીં હોય. આજે આપણે હિન્દી ફિલ્મ સંગીતના અનોખા ત્રિદેવથી વાકેફ થઈએ.
બંને ખાન, રેવાશંકર મારવાડી અને ગંગાપ્રસાદ પાઠક, ફિલ્મ : ‘ચાલાક ચોર’ ગીતકાર : નારાયણ પ્રસાદ ‘બેતાબ’.
ચંદુલાલ શાહની ‘રણજિત મૂવિટોન કંપની’ એ ફિલ્મ વ્યવસાયમાં અનેક નવોદિતોને તક આપી અને અનેક અખતરા પણ કર્યા. આ બૅનર હેઠળ 1936માં ‘ચાલાક ચોર’ (ઈશ્વરલાલ, નૂર મોહમ્મદ ચાર્લી, દીક્ષિત અને ઘોરી મુખ્ય કલાકાર હતા) નામની ફિલ્મ બની હતી. ફિલ્મમાં 10 ગીત હતાં જે એકમાત્ર ગીતકાર નારાયણ પ્રસાદ ‘બેતાબ’એ લખ્યાં હતાં પણ આ ગીતોનું સ્વરાંકન બંને ખાન, રેવાશંકર મારવાડી અને ગંગાપ્રસાદ પાઠક ત્રિપુટીએ કર્યું હોવાની નોંધ છે.
ત્રણ સંગીતકારના ઉપયોગનો સંભવત: પહેલી વાર થયો હતો. આ ત્રિપુટીએ 1930ના દાયકામાં ‘ચાલાક ચોર’ ઉપરાંત ‘દિલ કા ડાકુ’માં પણ સહિયારું સ્વરાંકન કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે બંને ખાને રેવાશંકર મારવાડી સાથે જોડીમાં 10 ફિલ્મોમાં અને ગંગાપ્રસાદ પાઠક સાથે બે ફિલ્મમાં સંગીત દિગ્દર્શક તરીકે આજે આપણે એક જ અભિનેતા/અભિનેત્રી માટે એક જ ફિલ્મમાં ત્રણ અથવા વધુ અલગ અલગ ગાયક/ગાયિકાએ પાર્શ્વગાયન કર્યું હોય એવાં અનોખાં ઉદાહરણ જોઈએ.
ગીતા દત્ત, લલિતા દેઉળકર અને સુરિન્દર કૌર, ફિલ્મ શહીદ, સંગીતકાર: ગુલામ હૈદર, અભિનેત્રી: કામિની કૌશલ.
કામિની કૌશલ પર ફિલ્માવાયેલું રોમેન્ટિક પિયાનો સોંગ ‘બચપન કી યાદ ધીરે ધીરે પ્યાર બન ગયી’ લલિતા દેઉળકર (‘જ્યોતિ કલશ છલકે’ જેવાં અવિસ્મરણીય ગીતો સ્વરબદ્ધ કરનારા સંગીત દિગ્દર્શક-ગાયક સુધીર ફડકેનાં પત્ની)એ ગાયું છે, જ્યારે ‘આ જા બેદર્દી બાલમા કોઈ રો રો પુકારે’ સેડ સોન્ગ ગીતા દત્તના સ્વરમાં છે. ફિલ્મનું સૌથી લોકપ્રિય ગીત ‘બદનામ ના હો જાએ મોહબ્બત કા ફસાના’ એ સમયની નવોદિત ગાયિકા સુરિન્દર કૌરે ગાયું છે. આ ઉપરાંત કામિનીજી પર ફિલ્માવાયેલાં અન્ય બે ગીત ‘હમ કહાં ઔર તુમ’ તેમ જ ‘આના હૈ તો આ જાઓ’માં પ્લેબેક સુરિન્દર કૌરનું જ છે.
શમશાદ બેગમ, ગીતા દત્ત અને લલિતા દેઉળકર, ફિલ્મ શબનમ, સંગીતકાર એસ. ડી. બર્મન, અભિનેત્રી: કામિની કૌશલ.
કામિની કૌશલ પર ફિલ્માવાયેલું રમતિયાળ ગીત ‘મેરા દિલ તડપા કર કહાં ચલા’ ગીતા દત્તના સ્વરમાં છે અને દિલીપ કુમાર - કામિની કૌશલ પર ફિલ્માવાયેલું યુગલ ગીત ‘કિસ્મત મેં બિછડના થા’માં પણ ગીતા દત્તનો જ અવાજ છે. જોકે, ફિલ્મનું સૌથી લોકપ્રિય ગીત જેમાં હિન્દી ઉપરાંત બંગાળી, ગુજરાતી, મરાઠી, મદ્રાસી (એ સમયમાં મદ્રાસી શબ્દ લોકપ્રિય હતો) અને પંજાબી પંક્તિઓ છે એમાં શમશાદ બેગમનું પ્લેબેક છે. ગીતમાં શમશાદ બેગમે ગુજરાતી, મરાઠી, બંગાળી શબ્દોના શુદ્ધ ઉચ્ચારમાં ચીવટ રાખી છે. કામિનીજી પર પિક્ચરાઈઝ થયેલું ‘હમ કિસકો સુનાએ હાલ’માં લલિતાજીનો અવાજ છે.
રફી, તલત અને મુકેશ, ફિલ્મ : એક ફૂલ ચાર કાંટે, સંગીતકાર: શંકર જયકિશન, અભિનેતા: સુનીલ દત્ત
દિલીપ-દેવ-રાજની જેમ સુનીલ દત્ત માટે કોઈ એક ચોક્કસ ગાયક નિશ્ર્ચિત ક્યારેય ન થયો. એટલે જ એમના માટે ત્રણ ગાયકનો ઉપયોગ જાણી ચોંકી નથી જવાતું. આ મજેદાર ફિલ્મમાં વહિદા રેહમાનના ચાર કાકાને પ્રભાવિત કરવાના આશય સાથે સુનીલ દત્ત અલગ અલગ પાત્રમાં જોવા મળે છે. દરેક પાત્ર નોખું તરી આવે એ માટે સંગીતકારે ત્રણ ગાયકનો આગ્રહ રાખ્યો હોવો જોઈએ અને એ યોગ્ય સુધ્ધાં છે. અહીં એક વાતનું અચરજ થાય છે કે ‘ઓ મેરી બેબી ડોલ’ જેવું રોક એન્ડ રોલ સોંગ રફીએ ગાયું છે જ્યારે ફિલ્મનું સુપરહિટ શાસ્ત્રીય શૈલીનું ગીત ‘મતવાલી નાર ઠુમક ઠુમક ચલી જાય’ મુકેશના સ્વરમાં છે અને રોમેન્ટિક યુગલ ગીતમાં તલત મેહમૂદનું પ્લેબેક છે.
હેમંત કુમાર, રફી, મુકેશ અને શમશાદ બેગમ, ફિલ્મ : ‘બ્લફ માસ્ટર’, સંગીતકાર: કલ્યાણજી - આણંદજી, અભિનેતા: શમ્મી કપૂર
આ લેખનું અત્યંત અલાયદા અને અચરજ પમાડે એવા આ ગીતમાં શમ્મી કપૂરને પ્લેબેક આપનારા ગાયકોમાં ત્રણ પુરુષ ગાયક સાથે એક મહિલા ગાયકની હાજરી ચોંકાવનારી લાગે એ સ્વાભાવિક કહેવાય. મનમોહન દેસાઈ દિગ્દર્શિત આ ફિલ્મના સૌથી પહેલા વિચિત્ર લાગતા ગીત વિશે જાણીએ. ‘ચલી ચલી કૈસી હવા યે ચલી’ યુગલ ગીત છે જેને પ્લેબેક આપ્યું છે શમશાદ બેગમ અને ઉષા મંગેશકરે. ગીતની સિચ્યુએશનમાં શમ્મી કપૂર સ્ત્રી તરીકે સ્ટેજ પર સાયરાબાનુ સાથે ગીત ગાય છે.
આ કારણસર શમશાદ બેગમના અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શમશાદજીએ પણ આ ગીત તેમના નિયમિત અંદાજ કરતાં થોડું અલગ રીતે ગાયું છે. ફિલ્મનાં લોકપ્રિય ગીતો ‘ગોવિંદા આલા રે આલા’ (રફી), લતાજી સાથેનું યુગલ ગીત ‘હુસ્ન ચલા કુછ ઐસી ચાલ’ (રફી), ‘સોચા થા પ્યાર હમ ના કરેંગે’ (મુકેશ) અને ‘અય દિલ અબ કહીં લે જા’ (હેમંત કુમાર) વિવિધ ગાયકોના સ્વરમાં રજૂ થયાં છે.
આવાં બીજાં પણ કેટલાંક રસપ્રદ ઉદાહરણ છે, પણ સ્થળ સંકોચને કારણે આ વખતે વધુ વિગતોનો સમાવેશ શક્ય નથી. એ વિશે વાત કરીશું ફરી કયારેક્...