હેમા શાસ્ત્રી
‘આ દેખેં જરા કિસમેં કિતના હૈ દમ’ કેવળ આનંદ બક્ષી લિખિત ગીતની પંક્તિ નથી, રિલીઝ થતી નવી હિન્દી ફિલ્મો વચ્ચે પ્રસંગોપાત જોવા મળતી બોક્સઓફિસ ટક્કરનો હિસાબકિતાબ એમાં ધરબાયેલો હોય છે.
છેક 1949થી આ સિલસિલો ચાલી રહ્યો છે જ્યારે હિન્દી ચિત્રપટ સૃષ્ટિના બે યુવાન એક્ટરની ફિલ્મ વચ્ચે બોક્સ ઓફિસ પર ટક્કર જોવા મળી હતી. 77 વર્ષ પછી પણ રૂપેરી પડદા પર બે અગ્રણી અભિનેતા કે પછી નામાંકિત ફિલ્મમેકરોના ચિત્રપટ બોક્સઓફિસ પર ટક્કર લે એ જિજ્ઞાસાનો વિષય જરૂર બને છે.
1949માં દિલીપ કુમારની ‘અંદાજ’ (18 માર્ચ, 1949 જેમાં રાજ કપૂર પણ હતા) અને રાજ કપૂરનું પોતાનું નિર્માણ ‘બરસાત’ (21 એપ્રિલ,1949) વચ્ચે બોક્સઓફિસ પર ટક્કર થઈ હતી. 2026માં પણ ત્રણ મજેદાર ટક્કર જોવા મળવાની છે. એક ટક્કર છે આવતા મહિને વરુણ ધવન (હૈ જવાની તો ઈશ્ક હોના હૈ) અને જ્હાન્વી કપૂર (પેડી) વચ્ચે. બીજી વધુ મજબૂત ટક્કર છે જુલાઈ મહિનામાં અજય દેવગન (ધમાલ 4) અને આલિયા ભટ્ટ (આલ્ફા) વચ્ચે અને ત્રીજી પણ જુલાઈમાં જ છે બે એક્શન સ્ટાર સની દેઓલ (બટવારા 1947) અને સલમાન ખાન (માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ) વચ્ચે. આપણે જેનો હમણાં ઉલ્લેખ કર્યો એ 1949ની ટક્કરમાં બંને ફિલ્મ સફળ થઈ હતી. 2026માં શું થશે? પ્રેક્ષકો જાણે.
આવી ટક્કરનો ઈતિહાસ સાફ સાફ કહે છે કે દર્શક માઈબાપને મુકાબલા સાથે કશી લેવાદેવા નથી. એમને જો પસંદ પડી તો બંને ફિલ્મને આવકાર આપે છે, જે 2001માં રિલીઝ થયેલી ‘લગાન’ અને ‘ગદર: એક પ્રેમકથા’માં જોવા મળ્યું. એકને માથે મૂકીને નાચે (શાહરુખની મૈં હૂં ના) અને બીજીને પીઠ દેખાડી દે (સંજય લીલા ભણસાલીની સાંવરિયા) અને ન ગમે તો બંને તરફથી મોઢું ફેરવી લે (23 માર્ચ 1931: શહીદ અને ધ લેજન્ડ ઓફ ભગતસિંહ). દર્શકોની પસંદ-નાપસંદમાં સ્ટારની હાજરી, ક્રાંતિકારી કથા કે બીજા કોઈ પરિબળ ક્યારેક હવાઈ ગયેલા ફટાકડા સાબિત થતા હોય છે.
બોક્સઓફિસ પર થનારી આ ટક્કરનું ટેંશન કોને હોય? દર્શકોને? કહેવું મુશ્કેલ એટલા માટે છે કે એના મનમાં બે ફિલ્મની ટિકિટ માટે કેટલા ગણી આપવા પડશે એનો હિસાબકિતાબ હોય છે કે કયા કલાકારની કે કયા જોનર (એક્શન કે લવ સ્ટોરી કે બીજો કોઈ પ્રકાર)ની કે અન્ય કોઈ મથામણ હોય એ જાણવી-સમજવી બહુ અઘરું છે.
કલાકારોને ટેંશન હોય? હોય પણ ખરું અને ન પણ હોય. જેના પગ જામી ગયા છે એને બહુ ચિંતા નથી હોતી. હા, એક હિટ બીજી ચાર ખેંચી લાવે એવા નવોદિત કે સતત ફલોપનો અનુભવ કરતા કલાકારનો જીવ તાળવે હોય એ સમજી શકાય છે. સૌથી મોટું અને સાચું ટેંશન આ ફિલ્મોમાં જેના પૈસા લાગેલા હોય છે એ નિર્માતા તેમજ ડિસ્ટ્રિબ્યુટર- એક્ઝિબિટર જેવા લોકોને હોય એ સ્વાભાવિક કહેવાય.
જાણીએ આપણે 2026ની ત્રણ મજબૂત ટક્કર વિષે....
વરુણ ધવન-જ્હાન્વી કપૂર
ડેવિડ ધવનની ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’ મસાલા ફિલ્મ હશે એ કહેવાની જરૂર ખરી? રોમેન્ટિક કોમેડીમાં ઝળકી ઊઠવા માટે પિતા-પુત્ર (ડેવિડ ધવન-વરુણ ધવન) જાણીતા છે. કેવળ મનોરંજન માટે ચિત્રપટ જોતા દર્શકવર્ગને છ વર્ષ પછી આવી રહેલી ડેવિડ ધવનની ફિલ્મ માટે ઉત્સુકતા હોઈ શકે છે. વરુણ ધવન પણ એકંદરે હિટ ફિલ્મો આપવા માટે જાણીતો છે.
બીજી તરફ બોની કપૂરની બેટી જ્હાન્વી કપૂરે વિવિધ પ્રકારની ફિલ્મો કરી પોતાનું માપસરનું કૌશલ સિદ્ધ કર્યું છે, પણ જહાન્વીની ફિલ્મ છે એટલે જોવી પડે એવો દબદબો એનો નથી. જહાન્વીની ‘પેડી’ મૂળે તેલુગુ ફિલ્મ છે, પણ હિન્દી અને અન્ય ભાષાઓમાં પણ રિલીઝ થવાની છે. બંનેની ટક્કરમાં શું થશે એ સમય જ કહેશે, પણ પલડું વરુણનું ભારે છે.
સની દેઓલ - સલમાન ખાન
આ મુકાબલો એટલા માટે રસપ્રદ છે અને ઉત્સુકતા જગાડનારો છે કારણ કે બંને કલાકાર એક્શન સ્ટાર તરીકે ખ્યાતિ ધરાવે છે. એ પ્રકારની ફિલ્મોમાં તેમણે અસાધારણ સફળતા મેળવી છે. વર્તમાન સંજોગો અનુસાર સલમાનને એક હિટની તાતી જરૂર છે, કારણ કે 2017ની ‘ટાઈગર જિંદા હૈ’ પછી ભાઈજાન અચ્છેદિન માટે ફાંફાં મારી રહ્યો છે. એક હિટની તલાશમાં ભાઈ દક્ષિણ તરફ વળ્યો છે. બીજી તરફ સની દેઓલ બે સિક્વલ (ગદર 2, બોર્ડર 2)ને મળેલી ફાંકડી સફળતા પછી થનગની રહ્યો છે. વળી રિલીઝ થઇ રહેલી સનીની ફિલ્મ ‘બટવારા 1947’નો દિગ્દર્શક રાજકુમાર સંતોષી છે.
સંતોષી-સનીએ ભૂતકાળમાં ‘ઘાયલ’, ‘દામિની’ અને ‘ઘાતક’ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. એટલે અપેક્ષા હોવાની અને એમાં એ સાવ ઊણી નહીં ઉતરે એવી ધારણા રાખી શકાય. ‘બટવારા 1947’ સનીને ઇમેજ માફક આવે એવી ફિલ્મ કાગળ પર તો લાગે છે. સલમાનની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ:મે વોર રેસ્ટ ઈન પીસ’ નામના બદલાવ સાથે રજૂ થવા તૈયાર છે. આ ટક્કરમાં સનીની ફિલ્મ પોતાના ચિત્રપટને પછાડી ન દે એવી આશા સલમાન રાખતો હોય તો એનું આશ્ર્ચર્ય ન થવું જોઈએ.
અજય દેવગન - આલિયા ભટ્ટ
ચિત્રપટ સૃષ્ટિમાં જેમના પગ ખાસ્સા જામી ગયા છે અને જેમને પ્રત્યેક ફિલ્મના હિટ-ફ્લોપની ચિંતા નથી કરવી પડતી એવા બે કલાકાર અજય દેવગન અને આલિયા ભટ્ટની સાવ જ અલગ અંદાજની ફિલ્મો એક અઠવાડિયાના અંતરે પ્રદર્શિત થઈ રહી છે. કેટલાક સમયથી ‘સિક્વલ સમ્રાટ’ બની ગયેલા અજય દેવગનની ‘ધમાલ 4’ એક નિર્ભેળ કોમેડી ફિલ્મ છે.
ડિરેક્ટર-પ્રોડ્યુસર ઈન્દ્ર કુમાર ઈરાની અને અશોક ઠકેરિયાએ 2007માં ‘ધમાલ’ બનાવી હતી. ત્યારબાદ ‘ડબલ ધમાલ’ (2012) અને ‘ટોટલ ધમાલ’ (2019) બનાવી અને હવે સિરીઝની ચોથી ફિલ્મ આવી રહી છે. થોડી ધમાલ મસ્તી, થોડા ડબલ મીનિંગના ડાયલોગથી ગલીપચી કરાવવી જેવા રસાયણો ધરાવતી ફિલ્મો માટે એક ચોક્કસ પ્રેક્ષકવર્ગમાં કુતૂહલ હોય છે. સાત વર્ષ પછી સિરીઝની આવી રહેલી નવી ફિલ્મ માટે ઉત્સુકતા હોઈ શકે છે.
બીજી તરફ, યશરાજ ફિલ્મ્સની ‘આલ્ફા’માં આલિયા ભટ્ટ પહેલી વાર સંપૂર્ણપણે એક્શન અવતારમાં જોવા મળશે. આલિયાનું શારીરિક કદ કદાચ એ એક્શન રોલને સંપૂર્ણ ન્યાય આપી શકશે કે કેમ એ બાબતે શંકા જન્માવે, પણ અભિનય કૌશલનું કદ એનો છેદ ઉડાડી દે છે એ આલિયાએ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જેવી ફિલ્મોથી સિદ્ધ કર્યું છે.