શિમલાઃ હિમાચલ પ્રદેશમાં વાહનચાલકો અને મોટરચાલકો માટે પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો થયો છે. રાજ્યની સુખવિંદર સિંહ સરકારે 11 ઓગસ્ટ 2026ની મધ્યરાત્રિથી અમલમાં આવે તે રીતે પેટ્રોલ અને હાઇ-સ્પીડ ડીઝલના દરોમાં પ્રતિ લીટર 60 પૈસાનો વધારો ઝીંક્યો છે. આ ભાવવધારો રાજ્યમાં 'અનાથ અને વિધવા સેસ' (Orphan and Widow Cess) લાગુ કરવાને કારણે થયો છે.

શિમલા સહિત સમગ્ર રાજ્યમાં નવા દરો લાગુ
રાજ્ય કર અને આબકારી વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન પ્રમાણે આ વધારા બાદ પાટનગર શિમલામાં પેટ્રોલની કિંમત 102.45 રૂપિયાથી વધીને 103.05 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આ જ રીતે હાઇ-સ્પીડ ડીઝલ પર પણ 60 પૈસાનો વધારાનો ઉપકર (સેસ) વસૂલવામાં આવી રહ્યો છે. આ નવો સેસ હિમાચલ પ્રદેશ વેલ્યુ એડેડ ટેક્સ (VAT) એક્ટ, 2005ની કલમ 6-એ હેઠળ વસૂલવામાં આવશે. આ ઉપકર ઈંધણના પ્રથમ વેચાણ પોઈન્ટ (Point of First Sale) પર જ લાદવામાં આવશે.
એકત્ર થયેલા ભંડોળનો ઉપયોગ ક્યાં થશે?
રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે આ સેસ દ્વારા એકત્રિત કરવામાં આવતી તમામ રકમ હિમાચલ પ્રદેશના અનાથ બાળકો અને વિધવા મહિલાઓના પુનર્વસન, શિક્ષણ અને કલ્યાણકારી યોજનાઓ માટે વાપરવામાં આવશે. સરકારનું માનવું છે કે આ પગલાથી સામાજિક રીતે વંચિત વર્ગોને સીધી આર્થિક મદદ પૂરી પાડી શકાશે.
વિધાનસભામાં પસાર થયું હતું સુધારા વિધેયક
આ સેસ લાદવાનો માર્ગ ચાલુ વર્ષના બજેટ સત્ર દરમિયાન સુગમ બન્યો હતો. પ્રદેશ વિધાનસભામાં હિમાચલ પ્રદેશ વેલ્યુ એડેડ ટેક્સ (સુધારા) બિલ, 2026 પસાર કરવામાં આવ્યું હતું. આ કાયદા હેઠળ રાજ્ય સરકારને પેટ્રોલ અને ડીઝલ પર વધુમાં વધુ 5 રૂપિયા પ્રતિ લીટર સુધીનો અનાથ અને વિધવા સેસ લાદવાની સત્તા મળી હતી. તે સમયે ગૃહમાં ચર્ચા દરમિયાન મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહે સ્પષ્ટ કર્યું હતું કે, ‘વિધેયકમાં 5 રૂપિયાની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે, પરંતુ સરકાર પોતાની વિવેકબુદ્ધિથી 10 પૈસા કે 2 રૂપિયા ગમે તેટલો સેસ નક્કી કરી શકે છે’, હવે સરકારે તેમાંથી માત્ર 60 પૈસાનો પ્રારંભિક ઉમેરો કર્યો છે.
વિપક્ષના પ્રહાર અને સીએમનો વળતો જવાબ
ઈંધણ પર સેસ લાદવાના નિર્ણયની વિપક્ષ દ્વારા તીખી ટીકા કરવામાં આવી હતી. પૂર્વ મુખ્ય પ્રધાન અને વિપક્ષી નેતા જયરામ ઠાકુરે આક્ષેપ કર્યો હતો કે, વિધવાઓ અને અનાથોના નામે સામાન્ય જનતા પર આર્થિક બોજ નાખીને મહેસૂલ એકઠું કરવું અયોગ્ય છે. સામે પક્ષે આ ટીકાઓનો જવાબ આપતા મુખ્ય પ્રધાને સરકારના વલણનો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમની સરકાર આર્થિક રીતે નબળા અને સહારાવિહોણા વર્ગોના ઉત્થાન માટે કટિબદ્ધ છે. જો સરકાર અનાથ બાળકો અને વિધવાઓના ભલા માટે કોઈ કલ્યાણકારી પગલું ભરે, તો વિપક્ષે તેનો વિરોધ કરવાને બદલે સહયોગ આપવો જોઈએ.