Sat Jun 06 2026

Logo

હિઝબુલ્લાહે સીઝફાયર ફગાવ્યું, ઇઝરાયેલની આ શરત પર અટકી લેબનાન ડીલ

2026-06-05 09:26:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં શાંતિ સ્થાપવાના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. ઈરાનનું સમર્થન ધરાવતા હિઝબુલ્લાહે લેબનાનમાં પ્રસ્તાવિત નવા યુદ્ધવિરામ (સીઝફાયર) કરારને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. આ સાથે જ ઈઝરાયેલે પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેની સેના દક્ષિણ લેબનાનમાંથી પાછી નહીં હટે. આ બંને ઘટનાઓએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ પ્રયાસોને મુશ્કેલીમાં મૂકી દીધા છે, જેના દ્વારા તેઓ લેબનાન અને ઈરાન બોર્ડર પર તણાવ ઓછો કરવા માંગતા હતા.

અમેરિકાની મધ્યસ્થતાથી તાજેતરમાં જ ઈઝરાયેલ અને લેબનાન સરકાર વચ્ચે એક કરાર તૈયાર કરવામાં આવ્યો હતો. આ કરાર હેઠળ દક્ષિણ લેબનાનમાં હિઝબુલ્લાહની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવવાની અને આ વિસ્તારનો સંપૂર્ણ અંકુશ લેબનાનની સેનાને સોંપવાની યોજના હતી. પરંતુ હિઝબુલ્લાહના વડા નઈમ કાસિમે આ પ્રસ્તાવને સંપૂર્ણ રીતે ફગાવી દીધો છે.

હિઝબુલ્લાહનું કહેવું છે કે તેઓ આ વાતચીતનો ભાગ જ નહોતા, તેથી તેમના વિશે લેવાયેલો કોઈ પણ નિર્ણય તેમને મંજૂર નથી. બીજી તરફ, ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે પણ કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલી સેના દક્ષિણ લેબનાનમાંથી પાછી નહીં હટે અને ત્યાં ચાલી રહેલા સૈન્ય ઓપરેશનો પણ ચાલુ રહેશે.

સ્થિતિ વધુ મુશ્કેલ એટલા માટે માનવામાં આવી રહી છે કારણ કે ઈરાન પહેલા જ કહી ચૂક્યું છે કે અમેરિકા સાથે કોઈ પણ શાંતિ કરાર કરવા માટે લેબનાનમાં યુદ્ધવિરામ થવો ખૂબ જ જરૂરી છે.

દરમિયાન દક્ષિણ લેબનાનમાં ઈઝરાયેલના હવાઈ હુમલા સતત ચાલુ છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવારે થયેલા ડ્રોન હુમલામાં ઘણા લોકોના મોત થયા છે. આ વિસ્તારનો તણાવ માત્ર લેબનાન પૂરતો સીમિત નથી. આ અઠવાડિયે ગાઝા, ઉત્તરી ઈઝરાયેલ, કુવૈત અને ખાડી (ગલ્ફ) વિસ્તારમાં પણ હુમલા અને વળતા હુમલા જોવા મળ્યા છે.

બીજી તરફ, ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાન સાથે કરાર કરવાના પ્રયાસો કરી રહ્યું છે. અમેરિકા ઈચ્છે છે કે 'હોર્મુઝની સામુદ્રધુની' (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) ફરીથી સંપૂર્ણપણે ખોલવામાં આવે અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર નવી શરતો નક્કી થાય. પરંતુ લેબનાનમાં ચાલી રહેલો આ સંઘર્ષ આ પ્રયાસોમાં સૌથી મોટો અવરોધ બની રહ્યો છે.