Mon Apr 27 2026

Logo

લેબનોન યુદ્ધમાં નવો વળાંક: "ઇઝરાયલ સાથે કોઈ સીધી વાત નહીં", યુદ્ધ રોકવા માટે મૂકી પાંચ શરતો

Beirut   2026-04-27 18:10:29
Author: Devayat Khatana
Article Image

બૈરૂત: લેબનોનના આતંકી સંગઠન હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં એક નવો વળાંક આવ્યો છે. હિઝબુલ્લાહના નવા ચીફ શેખ નઈમ કાસિમે એક જાહેરાત કરી હતી કે તેમનું સંગઠન ઇઝરાયલ સાથે કોઈ પણ પ્રકારની સીધી વાતચીત કરશે નહીં. તેમણે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે લેબનોનની સરકાર પર આંતરરાષ્ટ્રીય સ્તરે ઇઝરાયલ સાથે સમજૂતી કરવા માટે ભારે દબાણ વધ્યું છે. જોકે, હિઝબુલ્લાહના વડાએ સીધી વાતચીતનો ઇનકાર કરવાની સાથે જંગ રોકવા માટે ઇઝરાયેલ સમક્ષ 5 કડક શરતો પણ મૂકી છે.

નઈમ કાસિમે લેબનોનની સત્તામાં બેઠેલા નેતાઓ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે જે લોકો ઇઝરાયેલ અને અમેરિકાના ઈશારે ચાલી રહ્યા છે, તેઓ ન તો લેબનોનનું ભલું કરી રહ્યા છે અને ન તો પોતાનું. તેમણે ચેતવણી આપી છે કે સરકાર અમેરિકાના દબાણમાં આવીને એવો કોઈ પણ કરાર ન કરે જે હિઝબુલ્લાહની શક્તિને નબળી પાડે. તેમના મતે, ઇઝરાયલ અને અમેરિકા લેબનોન સરકાર પાસેથી જે અપેક્ષા રાખી રહ્યા છે તે પૂર્ણ કરવી સરકારના હાથમાં નથી, અને સરકારને ઇઝરાયલ પાસેથી કંઈ મળવાની આશા નથી.

યુદ્ધ વિરામ માટે હિઝબુલ્લાહ દ્વારા મૂકવામાં આવેલી 5 શરતો ખુબ જ કડક છે. પ્રથમ શરત મુજબ ઇઝરાયેલે જમીન, સમુદ્ર અને આકાશમાંથી તમામ હુમલાઓ તાત્કાલિક બંધ કરવા પડશે. બીજી શરતમાં ઇઝરાયેલી સૈન્યને કબજે કરેલા વિસ્તારોમાંથી સંપૂર્ણપણે પાછું ખેંચવાની માંગ કરવામાં આવી છે. 
ત્રીજી શરત મુજબ ઇઝરાયેલની જેલોમાં બંધ કેદીઓને મુક્ત કરવા, ચોથી શરત વિસ્થાપિતોને તેમના ઘરે પાછા ફરવાની મંજૂરી આપવી અને પાંચમી શરત તરીકે યુદ્ધમાં થયેલી તબાહી બાદ પુનઃનિર્માણની જવાબદારી સ્વીકારવાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટનાક્રમ સૂચવે છે કે હિઝબુલ્લાહ હજુ પણ નમતું જોખવા તૈયાર નથી. નિષ્ણાતો માને છે કે હિઝબુલ્લાહની આ શરતો એટલી કડક છે કે ઇઝરાયેલ તેને વર્તમાન સ્થિતિમાં સ્વીકારે તેવી શક્યતા નહિવત છે. આ નિવેદનને કારણે લેબનોનમાં શાંતિ સ્થાપવાની પ્રક્રિયા વધુ જટિલ બની છે. હાલ લેબનોન સરકાર એક તરફ અમેરિકા અને ઇઝરાયલના દબાણ અને બીજી તરફ હિઝબુલ્લાહની સૈન્ય તાકાત વચ્ચે અટવાઈ ગઈ છે, જેના કારણે યુદ્ધનો અંત હજુ ઘણો દૂર દેખાઈ રહ્યો છે.