Mon May 11 2026

Logo

કાકડી છાલ સાથે કે છાલ વિના ખાવી જોઈએ? જાણો એક્સપર્ટ્સ આ વિશે શું કહે છે...

2026-05-11 15:20:00
Author: Darshana Visaria
Article Image

હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીથી બચવા માટે આપણા સૌ જાત જાતના ઉપાયો અજમાવીએ છીએ. ઉનાળામાં શરીરને ઠંડક આપવા અને હાઈડ્રેટ રાખવા માટે કાકડી શ્રેષ્ઠ વિકલ્પ છે, પરંતુ તેના પોષક તત્વોનો પૂરો લાભ લેવા માટે તેને ખાવાની સાચી રીત જાણવી ખૂબ જ જરૂરી છે. હેલ્થ એક્સપર્ટ્સ અને ડાયેટિશિયનના આ વિશે શું કહે છે એ જાણીએ વિસ્તારથી... 

વાત કરીએ કાકડી છાલ સાથે ખાવી કે છોલીને એની તો મોટાભાગના પોષક તત્વો કાકડીની છાલમાં અને તેની તરત નીચેના ભાગમાં હોય છે. તેથી, તેને છાલ સાથે ખાવી વધુ હિતાવહ છે. આ સિવાય કાકડીની છાલમાં 'વિટામિન K' ભરપૂર હોય છે, જે લોહી ગંઠાવાની પ્રક્રિયા (Blood Clotting) અને હાડકાની મજબૂતી માટે અનિવાર્ય છે. 

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર તેમાં 'બીટા-કેરોટિન' અને 'વિટામિન A' હોય છે, જે છાલ સાથે ખાવાથી આંખોની રોશની જાળવી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત કાકડી છાલ સાથે ખાવામાં આવે તો છાલમાં રહેલું 'સિલિકા' ત્વચાને ગ્લોઈંગ બનાવે છે અને નખ તથા વાળના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.

આગળ વધીએ અને વાત કરીએ તો જે લોકો પાચનની સમસ્યા કે કબજિયાતથી પરેશાન હોય, તો કાકડીને ક્યારેય છોલવી જોઈએ નહીં. કાકડીની છાલમાં ઈનસોલ્યુબલ ફાઈબર હોય છે જે આંતરડાની સફાઈ કરે છે અને મળત્યાગની પ્રક્રિયાને સરળ બનાવે છે. આ ઉપરાંત કાકડીમાં 95 ટકા પાણી હોય છે, જે ફાઈબર સાથે મળીને શરીરને ડિટોક્સ (ઝેરી તત્વો બહાર કાઢવા) કરવામાં મદદ કરે છે.

કાકડી ખાતી વખતે આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન
કાકડી ફાયદાકારક તો છે જ, પણ જો આ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો તે નુકસાન કરી શકે છે. આજકાલ કાકડીને તાજી બતાવવા માટે તેના પર મીણનું પડ ચઢાવવામાં આવે છે અથવા જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. તેથી, કાકડીને છાલ સાથે ખાતા પહેલા તેને 10-15 મિનિટ મીઠાવાળા નવશેકા પાણીમાં પલાળી રાખવી અને બરાબર ઘસીને ધોવી. કાકડીના ઉપરના ભાગને કાપીને તેને ઘસવાથી તેની કડવાશ દૂર થાય છે. કડવી કાકડી ખાવાથી પેટમાં દુખાવો કે ઉલટી થઈ શકે છે.

વાત કરીએ કાકડી ખાવાના યોગ્ય ટાઈમની તો કાકડી ખાવાનો શ્રેષ્ઠ સમય બપોરના ભોજન પહેલાં અથવા ભોજનની સાથે છે. તે પાચનમાં મદદ કરે છે. આયુર્વેદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર રાતના સમયે કાકડી ખાવાથી પાચન ધીમું પડી શકે છે અને કફ અથવા સાઇનસની સમસ્યા વધી શકે છે. વળી, તેમાં પાણી વધુ હોવાથી રાત્રે વારંવાર પેશાબ કરવા માટે ઉઠવું પડી શકે છે, જે તમારી ઊંઘ બગાડે છે. 

મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી જો તમારું લક્ષ્ય વજન ઘટાડવાનું છે, તો ભોજનના અડધા કલાક પહેલાં છાલ સાથે એક આખી કાકડી ખાઓ. તેનાથી તમારું પેટ ભરાઈ જશે અને તમે મુખ્ય ભોજનમાં ઓછી કેલરી લેશો.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરો જેથી આ ઉનાળામાં તેઓ પણ કાકડીનું સેવન કરીને વધુને વધુ બેનેફિટ્સ મેળવી શકે. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...