નવી દિલ્હી: દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ગણાતી HDFC બેંકમાં એકાએક મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. બેંકના પાર્ટ-ટાઈમ ચેરમેન અને સ્વતંત્ર ડિરેક્ટર અતનુ ચક્રવર્તીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા બેંકિંગ જગતમાં ચર્ચાઓ તેજ બની છે. આ રાજીનામું માત્ર એક વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ તેની પાછળ તેમણે જે કારણો આપ્યા છે તેનાથી બેંકના આંતરિક વહીવટ પર અનેક સવાલો ઊભા થયા છે. ખાસ કરીને કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે આ રાજીનામું રોકાણકારો માટે ચિંતાનો વિષય બન્યું છે.
અતનુ ચક્રવર્તીએ 15 માર્ચે લખેલા પોતાના રાજીનામાના પત્રમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે બેંકમાં ચાલી રહેલી કેટલીક ઘટનાઓ અને પ્રથાઓ તેમના વ્યક્તિગત મૂલ્યો અને નૈતિકતા (Ethics) સાથે મેળ ખાતી નથી. તેમણે સ્પષ્ટપણે લખ્યું છે કે જે ફેરફારો તેઓ જોઈ રહ્યા છે તે તેમના સિદ્ધાંતોની વિરુદ્ધ છે, તેથી તેઓ તાત્કાલિક પ્રભાવથી પદ છોડી રહ્યા છે. જોકે, તેમણે કોઈ ચોક્કસ ઘટનાનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ 'નૈતિક અસંગતતા' શબ્દનો પ્રયોગ બેંકના કામકાજની પદ્ધતિ તરફ આંગળી ચીંધે છે.
આ આકસ્મિક રાજીનામા બાદ ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તાત્કાલિક પગલાં લીધા છે. બેંકના બોર્ડની કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે કેકી મિસ્ત્રીને 19 માર્ચ 2026 થી આગામી ત્રણ મહિના માટે વચગાળાના પાર્ટ-ટાઈમ ચેરમેન તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. અતનુ ચક્રવર્તી મે 2021 માં બેંકમાં જોડાયા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન જ HDFC લિમિટેડ અને HDFC બેંકનું ઐતિહાસિક વિલીનીકરણ થયું હતું. તેમણે જૂનિયર કર્મચારીઓની ક્ષમતાના વખાણ કર્યા છે પરંતુ મેનેજમેન્ટની કાર્યશૈલી સામે પરોક્ષ રીતે નારાજગી દર્શાવી છે.
HDFC બેંક જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં જ્યારે ટોચના પદ પરથી નૈતિકતાના મુદ્દે કોઈ રાજીનામું આપે છે, ત્યારે તેની અસર શેરબજાર પર પણ જોવા મળે છે. આજે ગુરુવારે એક્સપાયરીના દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં જે મોટો કડાકો જોવા મળ્યો છે, તેમાં આ સમાચાર પણ એક મહત્વનું પાસું માનવામાં આવે છે. બજારના નિષ્ણાતો માને છે કે મોટા નાણાકીય સંસ્થાનોમાં ગવર્નન્સને લઈને વધી રહેલી દેખરેખ વચ્ચે આ ઘટના બેંકની છબી પર પ્રશ્નો ઉભા કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં નવા કાયમી ચેરમેનની નિમણૂક ક્યારે કરવામાં આવે છે.