ક્લેપ એન્ડ કટ..! -સિદ્ધાર્થ છાયા
અનુરાગ કશ્યપ , ફરહાન
રિમેક તો સમજ્યાં પણ રિમેકની રિમેક અને પછી એની સિકવલ? બાત કુછ હજમ નહીં હુઈ. તો ચાલો વાતને પચાવવાનો પ્રયાસ તો કરીએ. ગોવિંદા, સંજય દત્ત, કાદર ખાન અને અનુપમ ખેરની સુપર હિટ ફિલ્મ ‘હસીના માન જાયેગી’ મૂળે ‘પ્યાર કિયે જા’ની રિમેક હતી. ‘પ્યાર કિયે જા’ હિન્દી સિનેમા જગતની ટોચની કોમેડીઝમાં સ્થાન ધરાવે છે, જેમાં શશી કપૂર, કિશોર કુમાર, ઓમ પ્રકાશ અને મહેમૂદે પોતાનાં જીવ રેડી દીધાં હતાં.
હવે ડેવિડ ધવને એમની આદત અનુસાર આ ફિલ્મની રિમેક બનાવી દીધી. ખબર નહીં પણ કેમ, પણ બોલિવૂડ નવું કશું કરવાને બદલે જૂનાને ફરી બનાવવાનાં કે પછી એને આગળ વધારવાના ચાળે ચડી ગયું છે.
‘હસીના માન જાયેગી’નાં પ્રોડ્યુસર સ્મિતા ઠાકરે તેની સિક્વલ બનાવવા માટે ખૂબ રસ લઇ રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. શરૂઆતમાં ડેવિડ ધવનને આ ફિલ્મ ડાયરેક્ટ કરવાની ઓફર આપવામાં આવી હતી, પરંતુ ડેવિડને આમાં ખાસ જ્યુસ દેખાયો નહીં એટલે એમણે ના પાડી દીધી.
હવે ફરહાદ સામજીને આ સિક્વલ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉ ડેવિડ ધવનની ‘કુલી નંબર વન’ અને ‘જુડવા’ની રિમેક બની ચૂકી છે, પરંતુ, એમની ફિલ્મની સિક્વલ બને એ જરા નવું છે અને એ પણ આટલાં બધાં વર્ષો પછી!
કહેવાય છે કે આ સિક્વલની સ્ક્રિપ્ટ પૂરજોશમાં લખાઈ રહી છે. ફિલ્મનાં કલાકારો સંજય દત્ત, ગોવિંદા વગેરે જ હશે કે પછી...
એવી કોઈ ચોખવટ થઇ નથી.
બેવડાં ધોરણની બેવડી ‘બાજી ’
હાલમાં જ ‘ધ કેરેલા સ્ટોરી ટુ’નું (હવે ‘ધ કેરલમ સ્ટોરી ટુ’ એમ સુધારવું પડશે કે નહીં?) ટ્રેલર બધાં એ જોયું. પહેલી ફિલ્મ જે રીતે વિવાદાસ્પદ રહી હતી એટલે એનાં આ બીજા ભાગ વિષે વિવાદ ઊભો ન જ થાય એવું તો વિચારી ન શકાય, પરંતુ આ વિવાદમાં અનુરાગ કશ્યપ જ્યારે કુદ્યા ત્યારે એમનાં બેવડાં ધોરણો બહાર આવી ગયાં છે. આમ પણ આ માટે એ જાણીતાં છે જ.
અનુરાગે આ ટ્રેલરને ‘બુલ **’ કહ્યું છે. તેમનું કહેવું છે કે ટ્રેલરમાં જેવું દેખાડ્યું છે એ રીતની પ્રતાડના કોઈની થતી નથી. જોકે એ પ્રકારની પ્રતાડના થતી હોય છે એ માટે હજારો ન્યૂઝ આર્ટિકલ ગૂગલ ઉપર ઉપલબ્ધ છે. તેમણે વિપુલ અમૃતલાલ શાહ, જે આ ફિલ્મનાં પ્રોડ્યુસર છે તેમને ‘પૈસાનાં લાલચુ’ વ્યક્તિ ગણાવ્યા છે. અનુરાગનું કહેવું છે કે આ એક પ્રોપેગેન્ડા મુવી છે અને સમાજમાં ભાગલા પાડવા માટે બનાવવામાં આવી છે.
ચાલો, અહીં સુધી તો માની લઈએ કે અનુરાગને પોતાનું મંતવ્ય આપવાનો જે અધિકાર છે તેનો ઉપયોગ તેમણે કર્યો છે, પરંતુ હાલમાં જ તે ‘ધુરંધર’નાં એમ કહીને વખાણ કરી ચૂક્યા છે કે પ્રોપેગેન્ડા મુવી હોય તો શું થઇ ગયું? મુવી તો સારી કે ખરાબ એમાંથી એક જ હોવાની! વાહ રે અનુરાગ કશ્યપ વાહ! જ્યાં તમને તમારી ઈમેજ સેટ થતી હોય ત્યાં એક વાત કહેવાની. જ્યાં તમારો એજન્ડા સેટ થતો હોય ત્યાં બીજી! પણ બાય ધ વે, તમે તો બોલિવૂડને બાય બાય કહીને સાઉથમાં સેટલ થવા ગયાં હતાં ને? તો પછી બોલિવૂડી ફિલ્મ પર પ્રતિભાવ આપવાનું રહેવા દીધું હોત તો?
ફિલ્મો વત્તા જાહેરાતોથી રેલવેને બખ્ખાં!
ફિલ્મો અને એડમાં ટ્રેનને જોઈએ તો તેની એક અલગ જ મજા આવતી હોય છે. એવું નથી કે જૂનાં જમાનામાં સાચુકલી ટ્રેનમાં શૂટિંગ નથી થયાં, પરંતુ જ્યારથી ‘વંદે ભારત’ જેવી પ્રીમિયમ ટ્રેન આવી છે ત્યારથી રેલવે ડીપાર્ટમેન્ટનાં ખિસ્સાં ખાસ્સાં એવાં ગરમ થયાં છે. એક રેલવે અધિકારીનાં જણાવ્યાં અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં ફક્ત પશ્ર્ચિમ રેલવેએ પોતાની વિવિધ ટ્રેન અને સ્ટેશનોને શૂટિંગ માટે ઉપયોગમાં લેવા દઈને રૂપિયા સવા કરોડ જેટલી કમાણી કરી છે.
આ અધિકારીનું કહેવું છે કે હવે ફિલ્મ નિર્માતાઓ માટે ‘વંદે ભારત’માં શૂટિંગ કરવું એ પ્રાયોરીટી બની ગયું છે. શુજીત સરકારની એક ફિલ્મનું હાલમાં જ આ પ્રીમિયમ ટ્રેનમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પશ્ર્ચિમ રેલવેની અન્ય પ્રોપર્ટી પર પણ શૂટિંગનું ચલણ વધ્યું છે. ‘રાજશ્રી’ની આગામી ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ જેમાં આયુષ્માન ખુરાના અને શર્વરી મુખ્ય ભૂમિકામાં છે,
તેનું શૂટિંગ ગોરેગાંવ સ્ટેશન પર થયું હતું. તો જ્હોન અબ્રાહમની ‘મારિયા આઈપીએસ’નું શૂટિંગ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને થઇ ગયું છે.
હાલમાં જ રિલીઝ થયેલી ‘ઓ રોમિયો’માં પણ ટ્રેનના દૃશ્યો ફિલ્માવવામાં આવ્યાં છે. આશા કરીએ કે આવનારાં વર્ષોમાં ટ્રેનમાં જ કોઈ થ્રિલર ફિલ્મ જોવા મળે જે બધાં સાથે બેસીને જોવાલાયક હોય.
કટ એન્ડ ઓકે..
ફરહાન અખ્તર અને રણવીર સિંહનાં ચાલીસ કરોડનો મામલો હવે કોર્ટમાં જશે. પ્રોડ્યુસર્સ ગિલ્ડે પોતાનાં હાથ ઊંચા કરી દેતાં ફરહાનને
આવી સલાહ આપી હોવાના તાજા સમાચાર છે.