Sat Sep 12 2026

Logo

જિમ બહાર 20 રાઉન્ડ ગોળીબાર કરી હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા! ગોગી ગેંગે લીધી જવાબદારી, શામલીમાં ચક્કાજામ

2026-08-27 15:20:24
Author: Darshana Visaria
જિમ બહાર 20 રાઉન્ડ ગોળીબાર કરી હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા! ગોગી ગેંગે લીધી જવાબદારી, શામલીમાં ચક્કાજામ

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાંથી એક સનસનાટીભરી અને દર્દનાક ઘટના સામે આવી છે. જાણીતા હરિયાણવી સિંગર, એક્ટર અને ડિજિટલ ક્રિએટર અંકિત બાલિયાનની બુધવારના સાંજે જિમની બહાર અંધાધૂંધ ગોળીબાર કરીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ હત્યાકાંડ બાદ સમગ્ર પ્રાદેશિક મ્યુઝિક ઈન્ડસ્ટ્રી અને તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ હાલ આ મામલે જૂની અદાવત, ગેંગવોર અને આગામી સ્થાનિક પંચાયત ચૂંટણી સાથે જોડાયેલા વિવિધ એંગલ પર ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

35 વર્ષીય અંકિત બાલિયાન શામલી કોતવાલી વિસ્તારમાં આવેલા એક જિમમાં વર્કઆઉટ પૂરું કરીને પોતાની કાર તરફ જઈ રહ્યા હતા એ સમયે ઘાત લગાવીને બેઠેલા 3થી 4 હથિયારધારી હુમલાખોરોએ તેમના પર તૂટી પડીને આશરે 18થી 20 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. અનેક ગોળીઓ વાગતાં અંકિત લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા અને હુમલાખોરો હવામાં ફાયરિંગ કરતા નાસી છૂટ્યા હતા.

એક દર્દનાક સંયોગ એ પણ ચર્ચામાં છે કે અંકિતનું સૌથી હિટ ગીત ‘ભારી કોર્ટ મેં ગોલી મારેંગે મેરી જાન’ને 54 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા હતા, અને રિયલ લાઈફમાં પણ તેની ગોળી મારીને જ હત્યા કરવામાં આવી.

વાત કરીએ કોણ હતા અંકિત બાલિયાન એની તો મૂળ શામલીના બંતીખેડા ગામના વતની અંકિતે હરિયાણાના રોહતક અને સોનીપતમાં રહીને પોતાનું મ્યુઝિક કરિયર બનાવ્યું હતું. યુટ્યુબ પર ત્રણ લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ ધરાવતા અંકિતે ‘112 એનઈ’, ‘ગોલી કે બારૂદ’, ‘જાટ જાટણી’, ‘સંવિધાન’ અને ‘સિસ્ટમ’ જેવા અનેક લોકપ્રિય ગીતો આપ્યા હતા. તેમણે માસૂમ શર્મા અને રાજુ પંજાબી જેવા દિગ્ગજ હરિયાણવી કલાકારો સાથે કામ કર્યું હતું.

મ્યુઝિક ઉપરાંત અંકિત ખેડૂત નેતા રાકેશ ટિકૈત સાથે પોડકાસ્ટ અને શામલીમાં રોડ-શો જેવા સામાજિક-રાજકીય કાર્યક્રમોમાં પણ સક્રિય હતા અને આગામી જિલ્લા પંચાયત ચૂંટણી લડવાની તૈયારીમાં હતા.

ગોગી ગેંગે સોશિયલ મીડિયા પર લીધી જવાબદારી:

હત્યા બાદ સોશિયલ મીડિયા પર કુખ્યાત ગોગી ગેંગ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા એક એકાઉન્ટે પોસ્ટ મૂકીને હત્યાની જવાબદારી સ્વીકારી છે. પોસ્ટમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અંકિતના તેમના વિરોધી ગેંગ સાથે સંબંધો હતા. જોકે, પોલીસ આ સોશિયલ મીડિયા પોસ્ટ અને દાવાની સત્તાવાર સત્યતા ચકાસી રહી છે. ઘટનાના વિરોધમાં રોષે ભરાયેલા સ્થાનિકો અને પરિવારે દિલ્હી-મુઝફ્ફરનગર હાઈવે પર ચક્કાજામ કરી ન્યાયની માંગ કરી હતી. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ માટે ટીમો બનાવીને દરોડા પાડી રહી છે.