Wed Sep 16 2026

Logo

હરિયાણાના જીંદમાં મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા પાંચ મહિલાના મોત

2026-03-07 17:33:14
Author: Chandrakant Kanoja
હરિયાણાના જીંદમાં મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા પાંચ મહિલાના મોત

જીંદ: હરિયાણાના જીંદ જિલ્લામાં શનિવારે એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં સફિદોમાં હોળીના રંગ બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં પાંચ મહિલાઓના મોત થયા હતા. જયારે અન્ય કામદારો ગંભીર રીતે દાઝી ગયા છે. આ દુર્ઘટનાની માહિતી મળતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ અનેક કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. 

ફેક્ટરીમાં 30 કામદારો કામ કરી રહ્યા હતા

આ અંગે મળતી માહિતી મુજબ  આ ફેક્ટરીમાં 30 કામદારો કામ કરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ લોકોને પાણીપત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અંગે  કામદારોએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે ફેક્ટરી બહારથી બંધ હતી. જેના કારણે કોઈ પણ કામદાર બહાર નીકળી શકયા ન હતા. 

સોળ મહિલાઓ અને બે પુરુષોને દાઝી ગયેલી હાલતમાં બચાવી લેવાયા 

સફિદોની ભાટ કોલોનીમાં ફેક્ટરીમાં કામ કરતી સોળ મહિલાઓ અને બે પુરુષોને દાઝી ગયેલી હાલતમાં બચાવી લેવામાં આવ્યા હતા. જેમાંથી પાંચ મહિલાઓના મોત થયા છે. જેમાં એક મહિલાની ઓળખ હજુ સુધી થઈ નથી. મૃતકના પરિવારે સફિદોમાં રસ્તો રોકવા ધમકી આપી હતી, પરંતુ  પોલીસે યોગ્ય કાર્યવાહી અને વળતરની ખાતરી આપીને તેમને શાંત પાડ્યા હતા.