Thu Sep 03 2026

Logo

હરમનપ્રીતને દિલ્હીમાં મળ્યો પદ્મશ્રી પુરસ્કાર, ઇંગ્લૅન્ડમાં ભારતીય મહિલા ટીમે કરી ઉજવણી

2026-05-26 20:02:10
Author: Ajay Motiwala
હરમનપ્રીતને દિલ્હીમાં મળ્યો પદ્મશ્રી પુરસ્કાર, ઇંગ્લૅન્ડમાં ભારતીય મહિલા ટીમે કરી ઉજવણી

કેમ્સફર્ડઃ ભારતીય મહિલા ટીમની કૅપ્ટન અને વન-ડેની વર્લ્ડ ચૅમ્પિયન સુકાની હરમનપ્રીત કૌરને સોમવારે પાટનગર દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના શુભહસ્તે પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો એનું ઇંગ્લૅન્ડના કેમ્સફર્ડમાં ભારતીય મહિલા ટીમે સેલિબ્રેશન કર્યું હતું.

ભારતીય મહિલા ટીમ ઇંગ્લૅન્ડમાં ટી-20 સિરીઝ અને ટી-20 વર્લ્ડ કપ રમવા ગઈ છે. હરમનપ્રીત કૌર (Kaur) હજી ઇંગ્લૅન્ડ ન પહોંચી હોવાથી સોમવારની વૉર્મ-અપ મૅચમાં સ્મૃતિ મંધાનાએ ભારતીય ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું અને બ્રિટિશ ટીમ (ઇસીબી ડેવલપમેન્ટ વિમેન્સ ઇલેવન)ને હરાવી દીધી હતી.

સોમવારે રાષ્ટ્રપતિ ભવનના પુરસ્કાર-વિતરણ સમારોહમાં હરમનપ્રીતનાં નામની જાહેરાત થઈ એ સાથે કેમ્સફર્ડ (Chelmsford)માં હૉટેલના રૂમમાં ટીવી સામે બેઠેલી ભારતીય ખેલાડીઓએ બૂમો-ચીસો સાથે તાળી પાડી હતી.

હરમનપ્રીત સાથે વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાનાની ઑન-ધ-ફીલ્ડ અને ઑફ-ધ-ફીલ્ડ બહુ સારી દોસ્તી છે. હરમનપ્રીતને પુરસ્કાર સ્વીકારતી જોઈને સ્મૃતિ ભાવુક થઈ ગઈ હતી અને હરમનપ્રીતે પુરસ્કાર સ્વીકારી લીધો ત્યાર બાદ તરત જ સ્મૃતિએ તેને કૉલ કરીને અભિનંદન આપ્યા હતા.

બીસીસીઆઇએ આ સુંદર અને યાદગાર પળોનો વીડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. પછીથી હરમનપ્રીત વીડિયો કૉલ દ્વારા ટીમની ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી.