સંજય છેલ
અશ્લીલ પુસ્તકો
શહેરમાં એવી તે બુમરાણ મચી હતી કે આજકાલ બધે ‘અશ્ર્લીલ’ સાહિત્યનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે.
છાપાંઓમાં સમાચાર ને લોકોના ચર્ચાપત્રો છપાવા લાગ્યા કે રસ્તાઓ પર ખુલ્લેઆમ અશ્ર્લીલ પુસ્તકો વેચાઈ રહ્યાં છે. પછી તો 10-12 ઉત્સાહી સમાજસુધારક યુવકોએ એક ગેંગ બનાવી અને નક્કી કર્યું કે જ્યાં પણ આવું ગંદું સાહિત્ય મળતું દેખાશે, એને ત્યાંથી છીનવી લઈશું ને જાહેરમાં એની હોળી સળગાવીશું.
રાતોરાત એ લોકોએ એક દુકાન પર દરોડો પાડીને 20-25 પુસ્તકો કબજે કરી લીધાં. દરેકની પાસે 2 કે 3 પુસ્તકો હતાં. એમના લીડર યુવકે કહ્યું, ‘આજે તો મોડું થઈ ગયું છે. કાલે છાપામાં ખબર આપીને પરમદિવસે કોઈ જાહેર જગ્યાએ આ પુસ્તકોને બાળીશું. પ્રચાર થશે તો બીજા લોકો પર પણ એની અસર પડશે. કાલે સાંજે બધા મારા ઘરે ભેગા થાઓ. આ 20-25 ચોપડી હું અત્યારે ઘરે નહીં લઈ જઈ શકું. મારા પપ્પા ને કાકા જોઈ જશે તો ઉપાધિ થશે! 2-3 ચોપડીઓ તમે લોકો સંતાડીને ઘરે લઈ જાઓ. કાલે સાંજે લેતા આવજો.’
બીજા દિવસે સાંજે બધા ભેગા થયા. પેલા લીડર યુવકે કહ્યું, ‘પુસ્તકો લાવો, હું આ કોથળામાં સંતાડીને મૂકી દઉં. કાલે બાળવાની જગ્યા પર આખો કોથળો જ લઈ જઈશું.’
પણ પુસ્તકો તો કોઈ લાવ્યું જ નહોતું!
એક યુવાને કહ્યું, ‘કાલે નહીં, પરમદિવસે બાળીએ તો?... જરા વાંચી તો લઈએ!’
બીજાએ કહ્યું, ‘અત્યારે અમે વાંચી રહ્યા છીએ. પુસ્તકો 2-3 દિવસ પછી બાળીશું. પુસ્તકો તો જપ્ત કરી જ લીધા છેને? ઉતાવળ શું છે?’
તે દિવસે પુસ્તકો બાળવાનો પ્લાન કેન્સલ થયો. ત્રીજા દિવસે ફરી ચોપડીઓ લઈને મળવાનું નક્કી થયું.
પણ ત્રીજા દિવસે પણ કોઈ ચોપડીઓ ન લાવ્યું!
એકે કહ્યું, ‘અરે યાર, પપ્પાના હાથમાં પુસ્તક આવી ગયું! હવે એ વાંચી રહ્યા છે.’
બીજાએ કહ્યું, ‘મારા કાકા વાંચી લે, પછી લઈ આવીશ.’
ત્રીજાએ કહ્યું, ‘ભાભી લઈ ગયા. કહે છે કે 2-3 દિવસમાં વાંચીને પાછી આપી દઈશ.’
ચોથાએ કહ્યું, ‘અરે, બાજુવાળી કાકી મારી ગેરહાજરીમાં ઉપાડી ગયા! વાંચી લે એટલે 2-3 દિવસમાં બાળીશું.’
પછી એ અશ્ર્લીલ પુસ્તકો ક્યારેય બાળવામાં આવ્યાં જ નહીં. હવે એ વધારે વ્યવસ્થિત રીતે બધે વેંચાઇ ને વંચાઈ રહ્યાં છે!
લડાઈ
ચોપરા સાહેબ અને સાહની સાહેબના બંગલા બાજુબાજુમાં જ હતા. બંને બંગલાની વચ્ચે એક જ દીવાલ હતી. બંનેએ એક-એક કૂતરો પાળેલો હતો. કૂતરા એટલા ભયાનક હતા કે સોસાયટીના લોકો ડરી ડરીને રસ્તાની બીજી બાજુએથી જતાં.
આમ તો ચોપરા સાહેબ અને સાહની સાહેબનો સ્વભાવ એવો હતો કે એમને અલગથી કૂતરો રાખવાની જરૂર નહોતી... તે બન્ને જ પોતે જ પૂરતા હતા!
એક દિવસ ખબર નહીં ચોપરા સાહેબનો કૂતરો સાહની સાહેબના કમ્પાઉન્ડમાં ઘૂસ્યો કે સાહની સાહેબનો કૂતરો ચોપરા સાહેબના કમ્પાઉન્ડમાં, પણ બંને કૂતરા રસ્તા પર ઝગડતા જોવા મળ્યા. ચોપરા સાહેબ અને સાહની સાહેબ તરત જ બહાર દોડી આવ્યા. પહેલાં તો બંનેએ પોતપોતાના કૂતરાને અલગ કરીને શાંત પાડ્યા. બંને કૂતરાં પોતાના માલિકના પગે વીંટળાવા લાગ્યા.
ચોપરાએ કહ્યું, ‘એ સાહની, મેં 10 વાર કહ્યું છે કે તમારા કૂતરાને સરખો રાખો!’
સાહનીએ કહ્યું, ‘અરે, તમે તમારા કૂતરાને સંભાળોને! એ જ અમારા કમ્પાઉન્ડમાં ઘૂસી આવ્યો હતો. કોણ જાણે કઈ ચોર જાતિનો કૂતરો છે!’
‘તમારો કૂતરો ચોર જાતિનો છે!’ ચોપરાએ કહ્યું.
‘તમે પોતે જ ચોર છો ને તમારો કૂતરો પણ એવો જ! જેવા માલિક, એવો કૂતરો!,’ સાહનીએ કહ્યું.
‘ચોર તો તમે છો! પી.ડબલ્યુ.ડી.ના કોન્ટ્રાક્ટરો પાસે લાંચના પૈસા ખાઈને બંગલો બનાવ્યો છે!,’ ચોપરાએ કહ્યું.
‘હું તો લાંચ જ લઉં છું. તમે તો 420 છો! ચોરીઓ ને સ્મગલિંગ કરીને જલસા કરો છો!,’ સાહનીએ જવાબ આપ્યો.
આ દરમિયાન બંને કૂતરા પોતપોતાના માલિકના પગે વીંટળાઈને એમને ઉશ્કેરી રહ્યા હતા.
‘કહી દઉં છું, હવે જો તમારો કૂતરો આ બાજુ આવ્યો તો ગોળી મારી દઈશ!,’ ચોપરાએ કહ્યું.
‘અને તમારો કૂતરો પેલી બાજુ આવ્યો તો હું પણ એને ગોળી મારી દઇશ ને તમને પણ મારી દઈશ!’
ચોપરાએ કહ્યું.
‘તું મને ગોળી મારીશ, કૂતરાની ઓલાદ?,’ સાહનીએ કહ્યું.
‘જા જા તું સુવ્વરની ઓલાદ!,’ ચોપરાએ કહ્યું.
એટલામાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું.
ત્યાં ઊભેલા એક માણસે બીજાને પૂછ્યું, ‘કેમ ભાઈ, શું થયું છે?’
પેલા માણસે જવાબ આપ્યો, ‘કાંઈ નથી ભાઈ, આ તો બે કૂતરાની લડાઈ છે!’
દીકરી
પાંડેજીની એક દીકરી હતી. એનું નામ સુશીલા હતું. ભણેલી-ગણેલી અને સુંદર દેખાવડી હતી. પાંડેજી સરયૂપારી બ્રાહ્મણ હતા. બે પેઢી પહેલાં તેઓ સરયૂ છોડીને મધ્ય પ્રદેશમાં આવીને વસ્યા હતા. અહીંયા જ ખાધું-પીધું, પણ દીકરીના લગ્નની વાત આવે એટલે ઉત્તર પ્રદેશ તરફ જ નજર દોડાવતા. શુદ્ધ સરયૂપારી પરિવાર મળી જાય તો બીજું શું જોઈએ!
પાંડેજી રિટાયર્ડ થઈ ગયા હતા. સુશીલાથી નાનો એક છોકરો હતો. એમને દીકરીના લગ્નની ભારે ચિંતા હતી. એટલે વર શોધવા વારંવાર ઉત્તર પ્રદેશના ચક્કર કાપતા. ત્યાંના શુદ્ધ સરયૂપારી બ્રાહ્મણો સામાન્ય બજારભાવ પ્રમાણે છોકરાની કિંમત તો માગતા અને ઉપરથી પાંડેજી અશુદ્ધ થઈ ગયા છે એનો દંડ ગણીને બીજા 5-6 હજાર વધારે માગતા! પાંડેજી આ બધી ચિંતામાં ઉત્તર પ્રદેશના ધક્કા ખાઈ રહ્યા હતા.
આ બાજુ સુશીલા એક કાયસ્થ એન્જિનિયર સાથે ભાગીને મુંબઈ જતી રહી. મુંબઈમાં પેલા એન્જિનિયરના બહેન-બનેવી રહેતા હતા. બન્ને ત્યાં રોકાયા અને કોર્ટમાં મેરેજ કરી લીધા.
પાંડેજી પાછા આવ્યા ત્યારે ઘરમાં હોબાળો મચી ગયો. પાંડેજી પેલા છોકરાના મા-બાપ સાથે પણ ઝઘડી આવ્યા. પોલીસમાં ફરિયાદ લખાવી. પછી કહેવા લાગ્યા, છોકરીએ મોઢું કાળું કરાવ્યું છે! એ તો અમારા માટે મરી ગઈ છે.
થોડા દિવસ પછી પાંડેજીને સુશીલાનો કાગળ મળ્યો. એમાં લખ્યું હતું:
‘પૂજ્ય પપ્પા,
તમે ખૂબ દુ:ખી અને નારાજ હશો. મેં રમેશ વર્મા સાથે લગ્ન કરી લીધા છે. રમેશને તમે સારી રીતે ઓળખો છો અને એ તમને ખૂબ પસંદ પણ હતો. તમે એના બહુ વખાણ કરતા હતા, પણ હું તમારી તકલીફ જોઈ રહી હતી. તમારી પાસે થોડુંક પેન્શન આવે છે ને થોડું પ્રોવિડન્ટ ફંડ છે. નાના ભાઈને ભણાવી-ગણાવીને હોશિયાર બનાવવાનો છે. જો તમે મારા લગ્ન કરાવતે તો બધું પ્રોવિડન્ટ ફંડ વપરાઈ જાત અને માથે દેવું થઈ જાત. તમારું દુ:ખ હું સમજું છું. લોકો મહેણાં પણ મારતા હશે, પણ તમે કહી શકો છો કે અરે, દીકરી હોય તો સુશીલા જેવી, જે પિતાની ચિંતા સમજે ને પ્રોવિડન્ટ ફંડ બચાવી લે!
પપ્પા, હું તમારે માટે બીજું ભલે કાંઈ ન કરી શકી, પણ તમારું પ્રોવિડન્ટ ફંડ ને બચત તો બચાવી લીધીને? આવી સમજુ દીકરી નસીબવાળાને જ મળે!’