Sat May 02 2026

Logo

બ્રેઈન ડેથ અને કોમા વચ્ચે શું તફાવત હોય છે?

2026-03-11 22:14:38
Author: Vimal Prajapati
Article Image

હરીશ રાણા છેલ્લા 13 વર્ષથી બેડ પર કોમામાં છે. હવે સુપ્રિમ કોર્ટે હરીશ રાણાને ઈચ્છામૃત્યુની મંજૂરી આપી દીધી છે. પહેલા એમએસના ડૉક્ટરો કે મેડિકલ બોર્ડે પણ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે, હવે હરીશ રાણાની હાલતમાં સુધારો આવે તેવી કોઈ આશા નથી. આ જ કેસમાં કોર્ટ ને લાઇફ સપોર્ટ સિસ્ટમ હટાવી દેવાની મંજૂરી, પરંતુ આ કિસ્સામાં કેટલાક સવાલો થઈ રહ્યાં છે. હરીશ રાણા કોમામાં હતો તો પછી તેમની ઈચ્છામૃત્યુ માટે કોર્ટની મંજૂરી શા માટે લેવી પડી છે. 

મૂળ વાત એ છે કે, જો કોઈ બ્રેઇન ડેડ હોય તો તેને અદાલતની મંજૂરી લેવાની જરૂર નથી પડતી. તો પછી હરીશ રાણાને કેમ કોર્ટની મંજૂરી લેવી પડી? આખરે આ કેસમાં એવું તો શું છે કે, કોર્ટને આમાં દખલ કરવાની જરૂર પડી? આ સ્થિતિમાં સામાન્ય રીતે અંગદાનની પરવાનગી પણ મળે છે. આવો પ્રશ્ન ઊભો થાય છે કે આખરે કોમા અને બ્રેઇન ડેથમાં શું અંતર છે? તેમાં બંને પક્ષે કાયદાકીય અને તબીબી નિર્ણય અલગ-અલગ કેમ હોય છે?

બ્રેઈન ડેથ અને કોમા વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જરૂરી છે. ઘણા લોકો આ બંનેને એકસમાન સમજે છે, પરંતુ એવું નથી. બ્રેઈન ડેથમાં અંગદાન કરવાની મંજૂરી મળતી હોય છે. એટલે કોમા અને બ્રેઈન ડેથ વચ્ચે શું તફાવત હોય છે અને બંને તબીબી ક્ષેત્રમાં કેવી રીતે જોવામાં આવે છે તેની સામાન્ય સમજ હોવી અનિવાર્ય છે. 

બ્રેઈન ડેથ એટલે શું?

બ્રેઈન ડેથ એવી અવસ્થા છે જેમાં મગજ સંપૂર્ણપણે કાર્ય કરવાનું બંધ કરી દે છે. આમાં મગજના દરેક પ્રકારના કાર્યો સંપૂર્ણ રીતે બંધ જાય છે. ડૉક્ટરોની એક ટીમ દ્વારા તે વ્યક્તિની તપાસ કરવામાં આવે છે અને તેને બ્રેઈન ડેથ જાહેર કરવામાં આવે છે. મેડિકલ સાયન્સમાં તેને કાનૂની રીતે મૃત્યુ માનવામાં આવે છે. બ્રેઈન ડેથ અને કોમા વચ્ચેનો મુખ્ય તફાવત એટલે કે કોમામાં મગજનો કેટલોક ભાગ કાર્ય કરતો રહે છે, જ્યારે મગજ મૃત્યુમાં મગજ સંપૂર્ણપણે કાર્ય કરવાનું બંધ કરી દે છે.

કોમામાં જવું એટલે શું?

કોમા એવી માનસિક અવસ્થા છે, જેમાં વ્યક્તિ બેભાન અવસ્થામાં હોય છે. તે આંખો ખોલી શકતો નથી, બોલી શકતો નથી અને શરીરની હિલચાલ પણ નથી થતી. જોકે દર્દીનું મગજ કાર્ય કરતું રહે છે અને શ્વાસ ચાલુ રહે છે. તેનું હૃદય પણ ધડકતું રહે છે. કોમામાં ગયેલ વ્યક્તિ કેટલાક દિવસ, અઠવાડિયાથી લઈને કેટલાક મહિનામાં જાગૃત થઈ જાય છે, પણ કેટલાક કિસ્સાઓમાં વર્ષો સુધી પણ તેની સ્થિતિમાં સુધાર આવતો નથી. વ્યક્તિ કોમામાં કેટલો સમય રહેશે અને ક્યારે જાગશે તેમાં સચોટ અનુમાન કરવું મુશ્કેલ બને છે.

મહત્વની વાત એ છે કે બ્રેઈન ડેથથી મૃત્યુ પામેલા વ્યક્તિને કાયદેસર રીતે મૃત ગણવામાં આવે છે. તેના અંગો કાઢીને ટ્રાન્સપ્લાન્ટ કરવાનો પણ કાનૂની નિયમ છે. જો કે, તેના માટે તેના પરિવારની મંજૂરી લેવી જરૂરી હોય છે. જ્યારે કોમામાં રહેલા વ્યક્તિને હોસ્પિટલમાં રાખવાનો નિર્ણય પરિવાર પર નિર્ભર હોય છે. પરિવારની સંમતિ હોય તો ડોકટરો હોસ્પિટલ પરિસરમાં કોમામાં રહેલા દર્દીને વેન્ટિલેટર સપોર્ટ દૂર કરી શકતા નથી. પરંતુ જો પરિવાર દર્દીને ઘરે લઈ જવા માંગે છે, તો તેના માટે પહેલા લેખિત પરવાનગી આપ્યાં બાદ જ ઘરે લઈ જઈ શકાય છે. 

હરીશ રાણાનો કેસ કોર્ટમાં કેમ ગયો?

હરીશ રાણાની વાત કરવામાં આવે તો, હરિશ કોમામાં હતો. છેલ્લા 13 વર્ષથી તે કોમામાં હતો. જે વ્યક્તિની જીવિત રહેવાની શક્યતા હોય તો તેનો ટેકો દૂર કરવો એ એક સંવેદનશીલ બાબત છે. જેથી તેમાં કાયદાકીય રીતે ચુકાદો જરૂરી બની જાય છે. જેથી આવા કિસ્સામાં ડોક્ટર કે પરિવાર જાતે કોઈ નિર્ણય લઈ શકતા નથી. પરંતુ હરિશની હાલતમાં સુધાર આવે તેવી કોઈ સંભાવના પણ નથી તેવું ડોક્ટરોનું કહેવું હતું. એટલા માટે પરિવારે કોર્ટનો રસ્તો અપનાવ્યો હતો. આવા કિસ્સામાં કોર્ટ મેડિકલ સ્થિતિનો રિપોર્ટ, દર્દીની હાલત અને તેની હાલતમાં સુધાર આવવાની સંભાવના કેટલી છે તેના પર ચુકાદો આપવામાં આવતો હોય છે.