Sun Sep 13 2026

Logo

કચ્છમાં લૂ ઓકતા વાયરા: ભુજમાં પારો ૪૦ ડિગ્રીને પાર, ઉનાળો આકરો બન્યો

2026-05-02 12:47:00
Author: Mumbai samachar Team
કચ્છમાં લૂ ઓકતા વાયરા: ભુજમાં પારો ૪૦ ડિગ્રીને પાર, ઉનાળો આકરો બન્યો

ભુજઃ સરહદી જિલ્લા કચ્છમાં ગરમીના પ્રકોપમાં સતત વધારો થઈ રહ્યો છે. લૂ ઓકતા ગરમ પવનોને કારણે જનજીવન આકુળ-વ્યાકુળ બની ગયું છે. એક દિવસના સામાન્ય ઘટાડા બાદ મહત્તમ તાપમાનનો પારો ફરી ૪૦ ડિગ્રીને વટાવી જતાં જિલ્લાવાસીઓએ ધોમધખતા તાપનો અનુભવ કર્યો હતો.

જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાન ૪૦.૪ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે અંજાર અને ગાંધીધામ સંકુલમાં પારો ૪૦ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. માત્ર તાપમાન જ નહીં, પરંતુ પવનની દિશા અને ગતિએ પણ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. જિલ્લામાં સરેરાશ ૧૨ થી ૧૫ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ગરમ પવનોને કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ ભાસતા હતા.

દિવસે આકરી ગરમી બાદ રાત્રિના સમયે પણ લોકોને રાહત મળી રહી નથી. લઘુતમ તાપમાન ૨૬ થી ૨૭ ડિગ્રીની આસપાસ નોંધાતા રાત્રિના ભાગે પણ લોકો અસહ્ય ઉકળાટ અને બફારાનો અનુભવ કરી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ સુધી તાપમાન ઊંચું રહેવાની શક્યતા છે. જોકે, ત્યારબાદ પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) ની અસરને કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે અને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. પરંતુ, એકંદરે મે મહિના દરમિયાન તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેવાની અને ગરમીનું જોર જળવાઈ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આકરા તાપને જોતા આરોગ્ય વિભાગ દ્વારા પણ બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પ્રવાહીનું વધુ સેવન કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)