દુબઈઃ મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવગ્રસ્ત માહોલને લઈને હવે અખાતી દેશોની ઊંઘ પણ હરામ થઈ ચૂકી છે. ઈરાન તરફથી વળતા જવાબમાં કતાર અને ઓમાન સુધી ઈરાને હુમલા કર્યા છે. આ હુમલા અંગે ઈરાને કહ્યું હતું કે, ઈઝરાયલ કે અમેરિકી સૈન્યની છાવણીઓનો ખાતમ બોલાવી દેવામાં આવશે. અખાતી દેશને હેરાન-પરેશાન કરવાનો હેતું નથી. આવી સ્થિતિ વચ્ચે હવે મિડલ ઈસ્ટના દેશના મોટા ભાગના દેશે ઈરાન સામે શિંગળા ભોંક્યા છે.
ઈસ્લામિક દેશ થયા એકજૂથ
સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, સંયુક્ત આરબ અમીરાત, બેહરિન અને જોર્ડન જેવા દેશના રાષ્ટ્ર પ્રમુખોએ સંયુક્ત રીતે એક પત્ર બહાર પાડ્યો છે. જેમાં પ્રોકસી સમૂહ દ્વારા કરવામાં આવી રહેલા હુમલાની નિંદા કરવામાં આવી રહી છે. આ સાથે આ તમામ દેશે એવી ચેતવણી પણ ઉચ્ચારી છે કે, હવેથી આ પ્રકારના કોઈ હુમલાને સહન કરવામાં નહીં આવે. આ તમામ દેશોએ સંયુક્ત રીતે નિવેદન આપતા કહ્યું હતું કે, ઈરાન દ્વારા ડાયરેક્ટ કે અન્ય પ્રોક્સિ ગ્રૂપ દ્વારા કોઈ પ્રકારે હુમલો થયો તો હવે સહન કરવામાં નહીં આવે.

આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ
આવા હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય હ્યુમન લૉ અને પ્રાદેશિક સંપ્રભુતા તથા ક્ષેત્રીય અખંડતાનો ભંગ માનવામાં આવશે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈમાં સમય હવે એ આવ્યો છે કે, ઈરાનની આસપાસના ઈસ્લામિક દેશનું એક સંગઠન બન્યું છે, આ તમામ દેશ એકજૂથ થયા છે જેમને ઈરાન તરફથી હુમલા થાય એ હવે પોસાય એમ નથી.
ખાડીના દેશે પોતાના જાહેર કરેલા આ પત્રમાં પોતાના જૂના અને મજબૂત સંબંધોનો ઉલ્લેખ કરીને મોટી માગ કરી હતી. ઈરાનની જમીન પરથી જે ગ્રૂપ દ્વારા આ પ્રકારના હુમલા કરવામાં આવ્યા છે એમને તાત્કાલિક બંધ કરી દેવામાં આવે. આ વાત પરથી એ વાત સાબિત થઈ કે, આવા ગ્રુપને ઈરાનનો પૂરેપૂરો ટેકો મળ્યો છે.
હુમલા રોકવા માટે પગલાં લો
આ તમામ દેશે એવી પણ વાત કરી હતી કે, આ પ્રકારના હુમલાઓને રોકવા માટે ઈરાને તાત્કાલિક પગલાં લેવાના શરૂ કરી દેવા જોઈએ. ઈરાન સરકારને અપીલ કરી હતી કે, જરૂરી પગલાં લેવામાં આવે. મિડલ ઈસ્ટમાં સંબંધો સારા જાળવી રાખવા માટે હવે હુમલા બંધ થવા અનિવાર્ય છે. આ પત્રમાં રાષ્ટ્રોએ આત્મરક્ષાના અધિકારીની વાત કરી હતી.
આ છ રાષ્ટ્રોએ સ્પષ્ટતા કરી હતી કે, જો હુમલાઓ નહીં રોકાયા તો તેઓ યુએન ચાર્ટર અંતર્ગત પોતાની સુરક્ષા માટે એકલા અથવા તો સામુહિક રીતે જવાબી કાર્યવાહી કરશે. આ દેશે ભાર પૂર્વક વાત કહેતા કહ્યું કે, સંપ્રભુતા, સુરક્ષા અને સ્થિરતાની સુરક્ષા માટે જરૂરી ઉપાય કરવાનો અધિકાર છે. કોઈ જ પ્રકારની અસ્થિરતા અને આતંકી પ્રવૃતિઓને હવે સહન કરવામાં નહીં આવે.