Fri Apr 17 2026

Logo

એકમેવ અરવિંદ જોષી: વાચિક-સાત્ત્વિક અભિનયના બાદશાહ!

2026-02-13 03:47:51
Author: Mumbaisamachar Team
Article Image

સ્ટાર-યાર-કલાકારઃ સંજય છેલ

સ્ટેજ પર એક કલાકાર બીજા અભિનેતા માટે ગરમાગારમ ચાનો કપ લાવે છે. પેલો અભિનેતા મોં પર માંડે છે અને જુએ છે કે કપમાં સિગરેટના ઠૂંઠાનો ધુમાડો હતો! ધુમાડાને લીધે ખાંસી આવે છે અને સામેનો કલાકાર આવી મજાક માટે મૂછમાં હસે છે. એ મૂછમાં હસતો કલાકાર એટલે ગુજરાતી રંગભૂમિનો ક્લાસિક અભિનેતા અરવિંદ જોષી અને સામે હતા અરવિંદ જોષીના સગા મોટા ભાઇ-સુપરસ્ટાર એક્ટર ડિરેક્ટર પ્રવીણ જોષી. નાટકની ગંભીર ક્ષણે પણ સહજતાથી આવી મજાક કરી શકનારા અરવિંદભાઇ ચાના કપમાંના ધુમાડાની જેમ 5 વર્ષ અગાઉ 29 જાન્યુઆરી 2021માં ધુમાડો થઇને જતા રહ્યાં.

1960 બાદ ગુજરાતી નવા નાટકોમાં પ્રવીણ જોષી ને કાંતિ મડિયા જેવા દિગ્ગજ કલાકારોના સુવર્ણકાળ દરમિયાન પણ અરવિંદ જોષીએ પોતાની અલગ જ આભા નિર્માણ કરેલી. એક આગવી અદાથી ડાયલોગ ડિલિવરી કરનારા વાચિક અભિનયના બેતાજ બાદશાહ! પ્રવીણ જોષીના નામે લોકો ટિકિટ લેવા લાઇનો લગાડતાં, પણ અભિનયના જાણકારો અરવિંદ જોશીને પ્રવીણ જેટલા જ કે વધુ ક્લાસિક એક્ટર માનતાં.

પ્રવીણ જોષી સ્ટાર હતા-સ્ટાઇલિશ હતા, એમની એક મોહિની હતી, પણ અરવિંદ જોશી પાસે પોતાનું ઉંડાણ, ઘૂંટેલો સ્વર હતો. બેઉ જોશીબંધુઓએ અને સરિતાબહેન જોષીએ, આઇ.એન.ટી. જેવી સંસ્થામાંથી શરત-સળગ્યા સૂરજમુખી-મીનપિયાસી-કોઇનો લાડકવાયો-ખેલંદો જેવાં અનેક યાદગાર નાટકો આપ્યા ને એક ખૂબ મોટો ચાહક-વર્ગ ઊભો કર્યો. એમાંયે ‘રાહુ-કેતૂ’ અને ‘ખેલંદો’ જેવા થ્રિલરમાં એ અરવિંદ-પ્રવીણ જોષીની જુગલબંધી જોનારા આફ્રિન પોકારી જતા.

અરવિંદભાઈની આગવી ઓળખ તો સંજીવકુમાર સામે દીકરાના રોલમાં ‘કોઇનો લાડકવાયો’ નાટકમાં જ થઇ ગઈ હતી (પછી એ જ સંજીવકુમારના પુત્રનો રોલ ‘શોલે’ જેવી યાદગાર ફિલ્મમાંયે કરેલો) વળી ભરી જુવાનીમાં મનમૌજી વૃદ્ધની ભૂમિકા ‘મીનપિયાસી’ નાટકમાં ભજવીને લોકોને આંજી દીધેલા. પણ બહુ લાંબો સમય સ્ટાર પ્રવીણ જોષીની છાયા-પડછાયામાં એમણે જીવવું પડયું ને પછી પોતાની નાટ્યસંસ્થા ઊભી કરી: ‘પ્રસ્થાન!’ જેમાં અરવિંદજીએ કલાકાર-નિર્માતા-નિર્દેશક તરીકે ‘કાચનો ચંદ્ર’, ‘લેડીલાલ કુંવર’, ‘દૈયા રે દૈયા બિછુઆ’ ‘બરફના ચહેરા’ જેવાં અનેક સુપર-કૂલ નાટકો આપ્યાં.

એમાંયે ‘એની સુગંધનો દરિયો’ નાટકમાં તો લેખક-અભિનેતા-નિર્દેશક તરીકે એમણે સમરકંદ બૂઝારા ઓવારી જવાય એવું સર્જન કરેલું. જરાયે મેલોડ્રામા કે ગલગલિયા કર્યા વિના, હસાવી-રડાવીને, રોમરોમને શુદ્ધ સાત્ત્વિક મનોરંજન આપે એવું એ ક્લાસિક નાટક હતું. એમણે લખેલા એ નાટકના સંવાદો કવિતાની કક્ષાના હતા. મને યાદ છેએમાં અરવિંદભાઇ કવિતા લલકારતા-‘હસતા હસતા રડી પડે ભૈ માણસ છે!’ અને પ્રેક્ષકો ‘ભૈ માણસ છે’ કહીને ઝીલી લેતા. એક ઇમોશનલ પળમાં અરવિંદભાઇ ઘેઘૂર સ્વરથી કહેતા: ‘આજે તો વાચા ખડક થઇ ગઇ છે ને શબ્દો જડ બની ગયા છે!’ આજે અરવિંદ જોષીના ગયા બાદ એમના ચાહકોની વાચા પણ ખરેખર ખડક થઇ ગઈ છે!

ગંભીર નાટકોમાં અરવિંદજી જેટલા ખિલતા એટલા જ કોમેડી નાટકમાં ફટકાબાજી કરતા. ‘રન ફોર યોર વાઇફ’ના ગુજરાતી રૂપાંતરમાં બે પત્ની-બે ઘર વચ્ચે ફસાયેલા હીરોની ભૂમિકામાં સ્ટેજ પર જે ધમાચકડી બોલાવતા તે જોઇને ભલભલા છક્ક્ થઇ જતા. મારા સદનસીબે કોલેજકાળમાં એમના હાથ નીચે ‘ફાગણ ફોર્યો’ નાટકમાં કામ કરવાનો મોકો મળેલો. જરાયે ભાર વિના હસતાં હસતાં હાથમાં સ્ક્રીપ્ટ મૂકેલી અને કહેલું: ‘ડાયલોગ્સ યાદ કરીને શો પર આવજે. રિલેક્સ રહેજે, દોસ્ત!’ આપણે તો નવસવા નર્વસ અને તે સ્ટાર એટલે સ્ટેજ પર લોચો મરાઇ જાય ત્યારે ચાલુ નાટકે ચહેરાની એક બાજુએ પ્રેક્ષકોને ના દેખાય એમ હસી લેતાં. પ્રેક્ષકોને એમના ચહેરાની એક જ બાજુ દેખાતી પણ શરારતી અરવિંદ જોષી ઉર્ફ ‘બાવજી’ની બીજી બાજુ અમને દેખાતી!

એ જ રીતે એમના વ્યક્તિત્વની બીજી એક બાજુની વાત આજે નહીં કરું તો ફરી ક્યારેય નહીં કરી શકું. ત્યારે મારા જેવા નવા કલાકારને 50 રૂ માંડ મળતા. પણ શો બાદ મેં મારું કવર જોયું તો એમાં 150 રૂ. હતા, જે મારી ઔકાત કરતાં ઘણાં વધુ હતા. બીજા શોમાં ડરતા ડરતા મેં એમનું ધ્યાન દોર્યું ત્યારે એમણે કહ્યું ‘તારી અગાઉ જેણે રોલ કરેલો એ સિનિયર કલાકાર હતો એટલે એને આપતા હતા એ જ રકમ ભૂલથી તને પણ અપાઇ ગઇ છે! પણ જા, જલસા કર, તુંયે ઘરનો જ છેને, દોસ્ત!’ (અરવિંદભાઇના અવાજમાં એ ‘દોસ્ત’ શબ્દનો રણકો સાંભળીએ તો બ્રોડ-વે થિએટરના કોઇ બ્રિટિશ અદાકારને મળતા હોઇએ એમ લાગે!)

આમ તો મારા પપ્પા છેલ (કલાનિર્દેશક છેલ-પરેશ)ના એ ખૂબ સારા અને અંગત મિત્ર. છેલ-પરેશે જ એમના બધાં નાટકોના સેટ્સ ડિઝાઇન કરેલા અનેક ગુજરાતી ફિલ્મો સાથે કરેલી એટલે પણ મારા માટે વિશેષ લાગણી હોઇ શકે, પણ રંગભૂમિના લોકો એમની દિલદારી, એમની પાર્ટીઓ અને એવરગ્રીન યંગ મિજાજને આજે યાદ કરે છે. ‘હું ‘ફ્લોપસેસફૂલ’ માણસ છું!’ એ અરવિંદ જોષીના નાટક, ‘એની સુગંધ નો દરિયો’નો એક ડાયલોગ હતો. ના ફ્લોપ, ના સક્સેસફૂલ , એટલે ફ્લોપસેસફૂલ! પણ અરવિંદભાઈ લેખક નિર્દેશક કે અભિનેતા તરીકે ખૂબ સક્સેસફૂલ હતા.

બહુ ઓછા લોકો જાણે છે કે યશ ચોપરાની ફિલ્મ ‘ઇત્તેફાક’માં રાજેશ ખન્નાને અરવિંદભાઈએ ટ્રેન કરેલા, કારણ એ ફિલ્મ ‘ધુમ્મસ’ નામના નાટક પરથી બનેલી અને ખન્નાવાળો રોલ અરવિંદભાઇ એ સ્ટેજ પર ભજવેલો. ‘શોલે’ની ઉપરાંત મહેશ ભટ્ટની ‘નામ’ ફિલ્મમાં પણ એમણે સરસ રોલ કરેલો. લેખક પન્નાલાલ પટેલની અદ્ભુત રચના પરથી બનેલ અનેક આંતરરાષ્ટ્રિય એવોર્ડ્ઝ જીતેલ પ્રથમ ગુજરી ફિલ્મ ‘કંકુ’ (1969)માં અરવિંદભાઇએ સરસ કામ કરેલું, પણ પછી ગુજરાતી કમર્શિયલ ફિલ્મોમાં વિલન તરીકે અરવિંદભાઇની ટેલેંટ લિમિટેડ સ્વરૂપે જ બહાર આવી.

યોગાનુયોગ જુઓ કે અરવિંદભાઇ ગુજરાતી ફિલ્મોમાં વિલન અને એમના અભિનેતા પુત્ર શર્મન જોષીએ લગ્ન પણ હિંદી ફિલ્મોના વિલન પ્રેમ ચોપરાની દીકરી સાથે કર્યાં! પ્રવીણ જોશી- અરવિંદ જોષીના કટ્ટર પ્રતિસ્પસર્ધી કાંતિ મડિયા જ્યારે અરવિંદ જોષીની અભિનય પ્રતિભાની વાત કરતા ત્યારે એમની આંખોમાં અજીબ ચમક આવી જતી અને એટલે જ ‘બાણશૈયા’ નામના નાટકમાં કાંતિ મડિયાએ અરવિંદભાઇને એક એવી ભૂમિકા આપી કે એ માત્ર ને માત્ર ‘ધ અરવિંદ જોષી’ જ કરી શકે.

એ નાટકમાં ગળાથી પગના અંગૂઠા સુધી પેરેલેસિસ પામેલો એક શિલ્પકાર સતત ઈચ્છામૃત્યુ માગે છે. પગથી છાતી સુધી ચાદરમાં ઢંકાઇને માત્ર સંવાદો દ્વારા અરવિંભાઇએ જે વાચિક અભિનય આપેલો એ જોવા રંગભૂમિના કલાકારો પણ ફરીફરીને આવતાં. તે સમયે અરવિંદભાઇ ગુજ્જુ ફિલ્મોમાં બિઝી હતા માટે માત્ર દસ જ દિવસના રિહર્લસમાં તૈયાર થયેલી એ ‘બાણશૈયા’ ની ભૂમિકાએ અરવિંદભાઇને ગુજરાતી રંગમંચ પર અમર કરી દીધા! એ નાટકના અંતમાં મૃત્યુ તરફ જઇ રહેલો લાચાર શિલ્પકાર જે રીતે મા જગદંબાના શિલ્પનું શબ્દોમાં વર્ણન કરે છે ત્યારે એનું શબ્દોમાં અહીં વર્ણન કરવું અસંભવ છે.

અરવિંદભાઇ ઉર્ફ ‘બાવજી’ અસંભવને સંભવ કરનારા અદાકાર હતા. વળી કોઈ અરવિંદભાઈને પૂછે કે - ‘એક કલાકારને અંજલિ કઇ રીતે અપાય?’ તો એ કહેતા:
‘બે નાટક વધારે જોઇને!’