Sat Aug 22 2026

Logo

ઝબાન સંભાલ કે: ડોશીના પેટમાં લાત મારનાર ઊંટવૈદ

2026-08-09 10:18:00
Author: Henry Shastri
Article Image

 

 

 

- હેન્રી શાસ્ત્રી

 

ભાષા પ્રદેશની કહેવત કથાનો વિસ્તાર વિશાળ તો છે જ, સાથે વિસ્મય પમાડનારો સુધ્ધાં છે. એકલદોકલ પ્રસંગ પણ કહેવતને જન્મ આપી દે છે. એક ગામમાં એક વખત દરબારી ખેપિયા રાવળિયાનું ઊંટ અચાનક માંદું પડ્યું. બહુ કોશિશ કરી પણ ઊભું જ થાય નહીં. 

ખેપિયાને ફાળ પડી કે આ શું થઈ ગયું? અધૂરામાં એનું કામ પણ અટકી ગયું. ગામના અનુભવી અને ડાહ્યા ગણાતા ઘરડા લોકો મદદે આવ્યા. તેમણે ભેગા થઈ તપાસ કરી. ઊંટના ગળામાં કશુંક અટકી ગયું હતું, કશાકનો ડૂચો ભરાઈ ગયો હોવાથી એને અસુખ થતું હોવાનો નિષ્કર્ષ બંધાયો. આનો ઉપાય શું કરવો એવું ખેપિયો વિચારી રહ્યો હતો ત્યાં એક શાણા માણસે ઊંટના પેટ પર કચકચાવીને લાત મારી. અચાનક જોરથી લાત વાગી હોવાથી જમીન સરસું આરામ કરી રહેલું ઊંટ ચમકી ગયું. જોકે, એક વાત સારી એ થઈ કે ગળામાં અટકી ગયેલો ડૂચો ફટાક કરતો બહાર નીકળી ગયો. શારીરિક તકલીફ દૂર થઈ જતા ઊંટ સટાક કરતું બેઠું થઈ ગયું. પેલો ખેપિયો રાજી રાજી થઈ ગયો ને ગેલમાં આવી નાચવા લાગ્યો.

 

આ સમગ્ર ખેલ ગામમાં વૈદું કરતા એક ભાઈએ જોયો અને વિચારમાં પડી ગયા. ગૂંગળામણનો આવો સીધોસટ ઈલાજ જોઈ એમને હેરત થઈ. એ વાત એમના મગજમાં બેસી ગઈ. એક દિવસ કોઈ તકલીફથી પીડાતી ડોશી એમને ત્યાં ઈલાજ કરાવવા આવી. ડોશીને ગળામાં કફ ભરાઈ ગયો હોવાથી અસુખ થતું હતું. શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. મૂરખ વૈદને એકદમ ઊંટવાળો પ્રસંગ યાદ આવ્યો. પેટમાં લાત મારવાથી ઊંટ સાજું થઈ ગયું હતું એમ ડોશીને સાજી કરવા કચકચાવીને ડોશીના પેટમાં લાત મારી. આ માર ડોશીનું શરીર સહન ન કરી શક્યું અને એ તો તરત મૃત્યુ પામી. ગામલોકો ભેગા થઈ ગયા અને ડોશીને લાત મારવાનું કારણ પૂછ્યું. વૈદરાજે ઊંટનો દાખલો આપી સવિસ્તર વાત જણાવી. એના પરથી અનાડી વૈદ, ઊંટવૈદું અથવા પોતાને કોઈ ગતાગમ ન પડતી હોવા છતાં કામ કરનારને ઊંટવૈદ કહેવામાં આવે છે.

 

શહેર કથા 

 

ગુજરાતી ભાષાનો વૈભવ વિશાળ છે. ભાષામાં ટેવ - કુટેવ પરથી કહેવત મળી આવે અને ગામ - નગર કે શહેર પરથી પણ કહેવત જાણવા મળે. કાશીનું મરણ ને સુરતનું જમણ કહેવત તો લગભગ બધા જ જાણતા હશે. કયા પ્રદેશમાં કેવા પ્રકારના લોકો વધુ જોવા મળે એ દર્શાવતી એક કહેવત છે કે સુરત શહેરમાં દાવર ઘણા, સાતવલ્લામાં બાવળ ઘણા, નવસારીમાં ભાઈ ઘણા અને વડોદરામાં ભાઈ ઘણા.

મીઠાઈ અને શહેરને સાંકળતી કહેવત છે કે સુરતની બરફી, મથુરાના પેંડા, મુંબઈનો હલવો, ખંભાતની સૂતરફેણી અને ભરૂચનો ગુંદરપાક. દક્ષિણ ગુજરાતના વિસ્તાર સંબંધી કહેવત છે કે પરવારતા પારડી જાય ને નકામા નારગોલ જાય. અલબત્ત આ પ્રકારની કહેવત નગર કે શહેરની ઓળખ નથી હોતી. અન્ય એક ઉદાહરણ દ્વારા પણ આ જ વાત સ્પષ્ટ થાય છે: બળ્યું ગામ બારડોલી ને મૂવું ગામ મહુવા. બારડોલી અને મહુવા જ્વલંત - ઉજળો ઈતિહાસ ધરાવે છે તો આવી નકારાત્મક કહેવત કેમ પડી હશે એવો વિચાર થાય એ સ્વાભાવિક છે. આવી જ અન્ય એક કહેવત પણ અચરજ પમાડે છે કે સાણંદિયા તો સામા મળ્યા, તે જાણે મોટા જમ.

સાણંદ તો વાઘેલા વંશના રાજપૂતોના શાસન માટે પ્રખ્યાત છે તો આવી કહેવત કેમ પડી હશે? સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા નામનું ગામ છે. કચ્છના નાના રણ નજીકનો આ વિસ્તાર રમણીય છે. દસાડા ચાર મોટાં ક્ષેત્રો (સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાત)નું સંગમ કેન્દ્ર ગણાય છે. બ્રિટિશ શાસન દરમિયાન દસાડા ગામ બે - ત્રણ રાજ્યની સરહદે આવ્યું હોવાથી અહીં નક્કર વહીવટી વ્યવસ્થા નહોતી. એના પરથી કહેવત પડી જાણીતી બની ગઈ: દસાડા ગામ દફ્તરમાં નહીં, દસાડે દફ્તર કયું નહીં. અહીં દફતર શબ્દ કચેરી - કાર્યાલયના સંદર્ભમાં છે. ભાષા વૈભવની વાત જ ન્યારી છે.

 

વાળંદના વાંકાં હોય તો કોથળીમાંથીય કરડે

 

લોકવાયકા અસલના વખતની વાતો કરવાની સાથે બોધ - શિખામણ પણ આપી જાય છે. એવી એક લોકવાયકા જાણીએ. ગામના એક વડીલને અફીણનું ભારે બંધાણ હતું. બે કલાક પણ એના વિના કાઢવા આકરા પડે. અચાનક એક વાર થયું એવું કે ત્રણેક દિવસ સુધી અફીણ મળ્યું નહીં. તલબ લાગી અને પઅફીણ અફીણ’નો જાપ જપતા વડીલ અહીંતહીં અને છેવટે વગડામાંય આંટો મારી આવ્યા, પણ અફીણનો બંદોબસ્ત ન થઈ શક્યો. વગડામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં એમની નજરે કાળોતરો (ઝેરી સાપ) ચડ્યો. અફીણ વિના બેચેન થઈ ગયેલા વડીલે નક્કી કર્યું કે પઅફીણ વિના જીવન આકરું છે.

આવું જીવન જીવવા કરતા તો કાળોતરો કરડી ખાય તો પ્રભુને પ્યારા થઈ જવાય.’ વડીલે કાળોતરો પકડ્યો અને સાપ એના સ્વભાવ અનુસાર તેમને કરડ્યો, પણ ગજબ થયો અને વડીલને ઝેરની કોઈ અસર ન થઈ. એવું કહેવાય છે કે અફીણ પીનારને ઝેર ન ચઢે, કારણ કે અફીણ ઝેરને ટપી જાય એવું હોય છે. થયું એવું કે આ તરફ વડીલ તો હેમખેમ રહ્યા, પણ સાપ અફીણના ઝેરથી મરી ગયો. વડીલને તો જાણે ઉકેલ મળી ગયો. અફીણ ન મળે એટલે ઝેરી સાપ પકડી કોથળીમાં પૂરી દે. સાપ દંશ દે એટલે ગેલમાં આવી દુહાની રમઝટ બોલાવે. સાપની આ અનોખી પસેવાથી રાજી થઈ ગયેલા વડીલ એના માટે નિયમિત ભોજનનો પ્રબંધ કરવાનું પણ શરૂ કરી દીધું.

એકવાર કોઈના બેસણામાં ગયા ત્યાં પણ કોથળીમાં હાથ નાખી ગેલમાં આવી ગયા. દૂરથી ખેલ જોઈ રહેલા અન્ય એક વાળંદને થયું કે પઆ કોથળીમાં કોઈ જબરી વસ્તુ લાગે છે. હું પણ એમ કરું તો મારી આળસ દૂર ભાગી જાય.’ આમ વિચારી વાળંદ ચુપચાપ વડીલ પાસે જઈ પહોંચ્યો અને એમનું ધ્યાન નહોતું ત્યારે કોથળીમાં હાથ નાખ્યો. ખિજવાયેલા સાપે તરત દંશ દીધો અને વાળંદ અફીણનો બંધાણી નહોતો. એનું શરીર ઝેર ન જીરવી શક્યું અને એના રામ રમી ગયા. ત્યારથી કહેવત ચાલી આવે છે કે વાળંદના વાંકાં હોય તો કોથળીમાંથીય કરડે. મતલબ કે સમય ખરાબ ચાલતો હોય ત્યારે કોઈ પણ રીતે અનિષ્ટ થાય. દૂર બેઠેલા અન્ય વાળંદે જાણે કે સામેથી મોતને નોતરું દીધા જેવો ઘાટ થયો.