અમદાવાદ/નવી દિલ્હીઃ દેશભરમાં ચોમાસાની તોફાની ગતિ વચ્ચે હવામાનનો પ્રકોપ ફરી એકવાર કહેર વર્તાવવા જઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે એટલે કે 2 સપ્ટેમ્બરે દિલ્હી, યુપી, બિહાર સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદ અને તીવ્ર વાવાઝોડાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાય તેવી શક્યતા છે. બીજી તરફ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર અને પૂર્વ ભારતના ઘણા રાજ્યોમાં નદીઓના જળસ્તરમાં જોખમી વધારો થઈ શકે છે. જ્યારે ભારે તોફાનના કારણે ખેતરોમાં પાકને નુકસાન પહોંચી શકે છે. કેટલાક રાજ્યોમાં કરા પણ પડી શકે છે. આ દરમિયાન ગુજરાતમાં ચોમાસાએ ગરમીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. સપ્ટેમ્બરના પ્રારંભે જ તાપમાન 36 ડિગ્રીને પાર પહોંચ્યું હતું.
ગુજરાતમાં તાપમાનનો પારો 36 ડિગ્રીને પાર
ચોમાસાની વિધિવત સીઝન ચાલુ હોવા છતાં ગુજરાતમાં ગરમીનો આકરો કહેર જોવા મળી રહ્યો છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં તાપમાનનો પારો ઝડપથી ઊંચકાયો છે, જેમાં સપ્ટેમ્બરના પ્રારંભે જ રાજ્યમાં તાપમાન 36 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ભાવનગરમાં મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે અમદાવાદ અને કંડલામાં 35 ડિગ્રી તથા ભુજ, વડોદરા અને રાજકોટમાં 34 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો અસહ્ય શેકાટ અનુભવી રહ્યા છે. હવામાન નિષ્ણાતોના મતે અલ નીનોની ગંભીર અસરને કારણે વરસાદની ઘટ યથાવત રહી છે અને ચોમાસાના મધ્ય તબક્કામાં પણ ગરમીએ નવો રેકોર્ડ બનાવી દીધો છે.
હવામાન ખાતા મુજબ, ગુજરાતમાં માત્ર સપ્ટેમ્બર મહિનામાં હળવાથી સામાન્ય વરસાદની જ શક્યતા છે. સપ્ટેમ્બર મહિનામાં સ્થાનિક સ્તરે અતિ ભારે વરસાદની સંભાવના નહિવત જોવા મળી રહી છે, જેના કારણે રાજ્યમાં સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેતાં લોકોને ભર ચોમાસે પણ ભારે ઉકળાટ અને ગરમીનો અહેસાસ થશે.
24 કલાકમાં 28 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 28 તાલુકામાં વરસાદ પડ્યો હતો. વલસાડના કપરાડામાં સૌથી વધુ 1.06 ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય એકપણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો નહોતો. વાંસદામાં 0.39 ઇંચ, ધરમપુરમાં 0.28 ઇંચ વરરસાદ પડ્યો હતો.
દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ઓડિશા અને ઝારખંડ થઈને પશ્ચિમ બંગાળ સુધી લૉ-પ્રેશર સર્જાવાની સંભાવના છે. આ સિવાય પશ્ચિમ હિમાલયી ક્ષેત્રમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે 2 સપ્ટેમ્બરે દેશના 21 રાજ્યો યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, અસમ, ત્રિપુરા, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ દરમિયાન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાઈ શકે છે. ઉત્તર ભારતના રાજ્યોમાં સૌથી વધુ જોખમ તોળાઈ રહ્યું છે.