Fri Jun 19 2026

Logo

ગુજરાતમાં એકસાથે ત્રણ સાઇક્લોનિક સિસ્ટમ સક્રિયઃ અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ

2026-06-02 15:11:51
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ રાજ્ય પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. જે પૈકી બે સાઇક્લોનિક સર્ક્યુલેશન અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. જેના કારણે રાજ્યમાં 5 જૂન સુધી વરસાદી માહોલ રહેશે. તેમજ 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.  અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરામાં આવ્યું છે.

હવામાન વિભાગે 7 જૂન સુધી જાહેર કરેલા પૂર્વાનુમાન મુજબ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં આજે અને આવતીકાલે છૂટાછવાયા સ્થળોએ તીવ્ર મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની વધારે શક્યતા છે. આ દરમિયાન પવનની ગતિ 50-60 કિમી/કલાક રહેવાની સંભાવના છે. 4 જૂને છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની વધારે શક્યતા છે તેમ જ પવનની ગતિ 40-50 કિમી/કલાક રહી શકે છે. 5 થી 8 જૂન  હવામાન સંપૂર્ણપણે સુકું રહેવાની વધારે શક્યતા છે.

મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અરવલ્લીમાં 2 અને 3 જૂનના રોજ છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની વધારે શક્યતા છે. તેમજ 50-60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 4 જૂને વરસાદની તીવ્રતા ઘટશે અને પવનની ગતિ થોડી ઘટીને 40-50 કિમી/કલાક રહી શકે છે. 5 થી 8 જૂન સુધી હવામાન સુકું રહેશે.

અમદાવાદ, આણંદ, દાહોદમાં 2 જૂને છૂટાછવાયા સ્થળોએ તીવ્ર મેઘગર્જના અને 50-60 કિમી/કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની વધારે શક્યતા છે. 3 અને 4 જૂનના રોજ વરસાદ પડી શકે છે, પરંતુ પવનની ગતિ ઘટીને 40-50 કિમી/કલાક થશે. 5 થી 8 જૂન હવામાન સુકું રહેવાની વધારે શક્યતા છે.

ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરામાં 2થી 4 જૂન આ ત્રણેય દિવસો દરમિયાન છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની વધારે શક્યતા છે. પવનની ગતિ 40-50 કિમી/કલાક રહેશે. 5થી 8 જૂન સુધી હવામાન સુકું રહેશે.

દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજથી 4 જૂન સતત ત્રણ દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના અને 40-50 કિમી/કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની વધારે શક્યતા છે. 5 અને 6 જૂને વરસાદની તીવ્રતા ઘટશે પરંતુ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. 7 અને 8 જૂને હવામાન સુકું રહેવાની વધારે શક્યતા છે.

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી, બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના અને 50-60 કિમી/કલાકના તીવ્ર પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની વધારે શક્યતા છે. 3 અને 4 જૂને પવનની ગતિ ઘટીને 40-50 કિમી/કલાક થશે અને હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. પાંચથી 8 જૂન હવામાન સુકું થઈ જશે.

અમરેલીમાં 2 જૂને  50-60 કિમી/કલાકની ઝડપે પવન અને મેઘગર્જના સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 3 અને 4 જૂનના રોજ  40-50 કિમી/કલાકની ઝડપે પવન સાથે વરસાદની વધારે શક્યતા છે. 5 અને 6 જૂનના રોજ પવન શાંત થશે પરંતુ ગાજવીજ સાથે હળવો વરસાદ ચાલુ રહી શકે છે. 7 અને 8 જૂનના રોજ હવામાન સુકું રહેશે.

જામનગર, કચ્છમાં 2 જૂને છૂટાછવાયા સ્થળોએ 40-50 કિમી/કલાક ની ઝડપે પવન અને મેઘગર્જના સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ૩ જૂને જામનગરમાં વરસાદ ચાલુ રહેશે, જ્યારે કચ્છમાં હવામાન સુકું રહેશે. 4 થી 8 જૂન બંને જિલ્લાઓમાં હવામાન સુકું રહેવાની વધારે શક્યતા છે. 

પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગિર સોમનાથ, દીવમાં 2 અને 3 જૂને દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ 40-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે. 4 જૂને જૂનાગઢ અને ગિર સોમનાથમાં પણ વરસાદી માહોલ રહેશે, જ્યારે પોરબંદર, દ્વારકા અને દીવમાં હવામાન સુકું રહેવાની શક્યતા છે. ૫ થી ૮ જૂન: સમગ્ર વિસ્તારમાં હવામાન સુકું રહેવાની વધારે શક્યતા છે.
 
હવામાન વિભાગે  4 જૂન સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની સાથે 40 થી 60 કિમી/કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવવાની શક્યતા હોવાથી નાગરિકોને સાવચેત રહેવા વિનંતી કરી છે. 5 જૂન પછી દક્ષિણ ગુજરાત સિવાય મોટાભાગના જિલ્લાઓમાં  પ્રી મોન્સૂન એક્ટિવિટી શાંત થતાં હવામાન સુકું રહેશે.