Wed Jul 29 2026

Logo

ગુજરાત-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ

2026-04-01 08:34:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદ/નવી દિલ્હીઃ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ વાતાવરણમાં પલટો આવવાનો છે. કાશ્મીરથી લઈ કેરળ સુધી વરસાદ, હિમવર્ષા, ગાજવીજ અને ભારે પવનનું એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક હિસ્સામાં હળવાથી મધ્યમ વરસાદ અને બરફવર્ષા સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 3 અને 4 એપ્રિલે કરા પડવાનું પણ એલર્ટ છે. ગુજરાત - મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કમોસમી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં 1 થી 4 એપ્રિલ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છ જેવા જિલ્લામાં માવઠાનો માહોલ જોવા મળી શકે છે.  2 એપ્રિલના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, છોટઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સિવાય બાકીના મોટાભાગના જિલ્લાઓમાં વાતાવરણ સૂકું અને ચોખ્ખું રહેશે.

છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં રાજ્યમાં સૌથી વધુ 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે અંશતઃ વાદળછાયું રહેશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે.

મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય રાજ્યોના હવામાન પર નજર

પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે ગાજવીજ અને 30 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે. 

પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આગામી કેટલાક દિવસો હળવાથી મધ્યમ વરસાદ અને ભારે પવન સાથે ગાજવીજની સંભાવના છે. કેટલાક હિસ્સામાં કરા પણ પડી શકે છે. ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોમાં પણ હવામાન પલટાશે. અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની સંભાવના છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 1 એપ્રિલે હળવાથી મધ્યમ વરસાદ અને ભારે પવન ફૂંકવાની શક્યતા છે.

મધ્ય ભારતમાં હવામાન ખેડૂતો અને આમ આદમી માટે ચિંતાનું કારણ બની શકે છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ અને વીજળી સાતે 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કેટલીક જગ્યાએ 50 થી 70 કિમી ઝડપે પવન ફૂંકાવા અને કરાનો પણ ખતરો છે. પશ્ચિમ ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ અને ભારે પવન સાથે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તટીય મહારાષ્ટ્રમાં વીજળી-ગાજવીજની સંભાવના 3 એપ્રિલ સુધી છે. દક્ષિણ ભારતમાં પણ હવામાનમાં પલટો આવશે. તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને રાયલસીમામાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ અને ભારે પવનની શક્યતા છે. તેલંગાણામાં 1 એપ્રિલે કેટલીક જગ્યાએ કરા પડવાની સંભાવના છે. 

દેશભરના મોટાભાગના રાજ્યોમાં તાપમાન અસામાન્ય રહેશે. ઉત્તર-પશ્ચિમ અન મધ્ય ભારતમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. પૂર્વ ભારતમાં તાપમાનમાં 3-5 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સામાન્ય ઘટાડો થશે. દેશના અન્ય હિસ્સામાં તાપમાનમાં કોઈ ખાસ બદલાવ નહીં જોવા મળે.