Sun May 10 2026

Logo

ગિલનું ગુજરાત જીતીને થયું નંબર-ટૂ, રાજસ્થાન પાંચમા નંબરે ધકેલાયું

2026-05-09 23:28:15
Author: Ajay Motiwala
Article Image

GT IPL


જયપુરઃ ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમે શનિવારે રાજસ્થાન રૉયલ્સ (RR)ને 77 રનથી હરાવીને પ્લે-ઑફની આશા પ્રબળ બનાવી હતી. શુભમન ગિલ (84 રન, 44 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર) આ વખતે પહેલી સદી ચૂકી ગયો, પરંતુ તેની આ ઇનિંગ્સે ગુજરાતને દમદાર જીત માટેનો પાયો નાખી આપ્યો હતો. ગુજરાતનો સ્પિનર રાશીદ ખાન (4-0-33-4) તમામ બોલર્સમાં સર્વશ્રેષ્ઠ હતો. ગુજરાતના 4/229ના જવાબમાં રાજસ્થાન 16.3 ઓવરમાં માત્ર 152 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું હતું.

ગુજરાત 11માંથી સાતમી મૅચ જીતીને પૉઇન્ટ-ટેબલમાં નંબર-ટૂ થઈ ગયું છે. હૈદરાબાદ ચડિયાતા નેટ રનરેટ બદલ પ્રથમ સ્થાને છે. ગુજરાત-હૈદરાબાદ બન્નેના 14-14 પૉઇન્ટ છે. બેંગ્લૂરુ ત્રીજા નંબરે છે. રાજસ્થાન પાંચમા સ્થાને ધકેલાતાં સ્ટાર બૅટ્સમેનો ટીમમાં હોવા છતાં પ્લે-ઑફની રેસ એના માટે વધુ કઠિન બની ગઈ છે.

રાજસ્થાને 230 રનનો લક્ષ્યાંક ચેઝ કરવામાં શરૂઆત સારી કરી હતી, પણ ઉપરાઉપરી ત્રણ વિકેટ પડી જતાં રાજસ્થાન માટે જીતવું હવે મુશ્કેલ બન્યું હતું. રિયાન પરાગ પગની ઈજાના કારણસર આ મૅચમાં નહોતો રમ્યો એવું મૅચની શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું. કાર્યવાહક કૅપ્ટન યશસ્વી જયસ્વાલ માત્ર ત્રણ રન બનાવીને વિકેટ ગુમાવી બેઠો હતો, પરંતુ વૈભવ સૂર્યવંશીને ઉતાવળ આ વખતે પણ ભારે પડી. તેણે સિરાજ અને રબાડાની બોલિંગ સામે આક્રમક અભિગમ અપનાવીને રમવામાં વહેલી વિકેટ ગુમાવી હતી. તેણે 16 બૉલમાં ત્રણ છગ્ગા તથા ત્રણ ચોગ્ગાની મદદથી 36 રન કર્યા હતા અને સિરાજની જાળમાં ફસાઈ ગયો હતો. તેના કલાકે 146.6 કિલોમીટરની ઝડપવાળા બૉલમાં શૉર્ટ ફાઇન લેગ પરથી દોડી આવેલા અર્શદ ખાનને કૅચ આપી બેઠો હતો. ત્યાર બાદ હેટમાયરે છ રન, જુરેલે 24 રન અને ફરેરાએ માત્ર ચાર રન બનાવીને વિકેટ ગુમાવી હતી.

GT IPL

રવીન્દ્ર જાડેજા (38 રન, પચીસ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)એ થોડી લડત આપી હતી, પણ ધ્રુવ જુરેલ, ડૉનોવાન ફરેરા અને શુભમ દુબે પછી જાડેજા પણ રાશીદ ખાનનો શિકાર બન્યો હતો. રાશીદ ખાને 33 રનમાં ચાર વિકેટ, જેસન હોલ્ડરે 12 રનમાં ત્રણ વિકેટ, રબાડાએ 33 રનમાં બે અને સિરાજે પંચાવન રનમાં એક વિકેટ લીધી હતી.

એ પહેલાં, ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં ચાર વિકેટે 229 રન બનાવ્યા છે અને રાજસ્થાનને 230 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો છે. કૅપ્ટન ગિલ (84 રન, 44 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર) સેન્ચુરી ચૂકી ગયો હતો. તેણે ખાસ કરીને ઓપનર સુદર્શન (પંચાવન રન) સાથે 118 રનની ભાગીદારી કરી હતી. વૉશિંગ્ટન સુંદર (37 અણનમ, 20 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર)એ 185.00ના સ્ટ્રાઇક-રેટ રન કર્યા હતા. તેવાટિયા બે છગ્ગાની મદદથી બનેલા 14 રને અણનમ રહ્યો હતો. ચારમાંથી બે વિકેટ પેસ બોલર બ્રિજેશ શર્માએ લીધી હતી.

રવિવારે ચેન્નઈ વિરુદ્ધ લખનઊ અને મુંબઈ વિરુદ્ધ બેંગ્લૂરુ

ચેન્નઈ/રાયપુરઃ આજે આઇપીએલમાં બે મૅચ છે. ચેન્નઈમાં લખનઊ અને ચેન્નઈ વચ્ચેનો મુકાબલો (બપોરે 3.30 વાગ્યાથી) પ્લે-ઑફની સંભાવના વિશે ખાસ કરીને ચેન્નઈ માટે વધુ મહત્ત્વનો છે. લખનઊ છેક 10મા નંબરે છે, પણ ચેન્નઈને પ્લે-ઑફનો એના કરતાં સારો મોકો છે. આજની બીજી મૅચ (સાંજે 7.30 વાગ્યાથી) રાયપુરમાં મુંબઈ-બેંગ્લૂરુ વચ્ચે રમાશે. નવમા નંબરના મુંબઈ માટે નૉકઆઉટની નજીવી તક છે.