અમદાવાદઃ રાજ્યમાં ચોમાસું વિદાય લે તે પહેલાં ફરી એક વખત જમાવટ કરી છે. સવારે 8 થી 10ના સમયગાળામાં રાજ્યના 133 તાલુકામાં મેઘમહેર થઈ હતી. આણંદના બોરસદમાં બે કલાકમાં સાડા ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
ક્યાં કેટલો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સવારે 8 થી 10 કલાકના જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 133 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. એક તાલુકામાં 4 ઇંચથી વધારે, ચાર તાલુકામાં 2 ઇંચથી વધારે, 10 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે 118 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.
આણંદના બોરસદમાં 4.33 ઇંચ, અમદાવાદના ધોળકામાં 2.76 ઇંચ, વડોદરાના કરજણમાં 2.40 ઇંચ, અરવલ્લીના મેઘરજામાં 2.24 ઇંચ, જૂનાગઢના માળિયા હાટીનામાં 2.01 ઇંચ, ખેડાના માતરમાં 1.85 ઇંચ, જૂનાગઢના ભેંસાણમાં 1.81 ઇંચ, પંચમહાલના હાલોલમાં 1.65 ઇંચ, નવસારીના ગણદેવીમાં 1.46 ઇંચ, અમદાવાદના ધંધૂકામાં 1.42 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 1.42 ઇંચ, અમદાવાદના દસ્ક્રોઈમાં 1.38 ઇંચ, અરવલ્લીા ધનસુરામાં 1.22 ઇંચ, ભરૂચના વાગ્રામાં 1.06 ઇંચ, ખેડાના વસોમાં 1.02 ઇંચ, આણંદના આંકલાવમાં 0.91 ઇંચ, ખેડામાં 0.91 ઇંચ, વડોદરાના સિનોરમાં 0.87 ઇંચ, આણંદના તારાપુરમાં 0.83 ઇંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં સિઝનનો સરેરાશ 80 ટકાથી વધુ વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ રાજ્યમાં સિઝનનો સરેરાશ 80.23 ટકા વરસાદ વરસી ચુક્યો છે. કચ્છમાં 30.79 ટકા, ઉત્તર ગુજરાતમાં 58.56 ટકા, પૂર્વ મધ્યમાં 80.58 ટકા, સૌરાષ્ટ્રમાં 59.28 ટકા, દક્ષિણ ગુજરાતમાં 110.82 ટકા વરસાદ પડ્યો છે.
નર્મદા ડેમ 94 ટકાથી વધુ ભરાયો
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 94.74 ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 જળાશયો તેની કુલ સંગ્રહ ક્ષમતાના 67 ટકા ભરાયેલા છે. રાજ્યમાં 19 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 40 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 25 ડેમ 50 થી 70 ટકા વચ્ચે, 43 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. 79 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આજે મઘ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં રાજકોટ સુરેન્દ્રનગર હળવદ ધ્રાંગધ્રા મોરબી કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છુટાછાયા વરસાદની શક્યતા છે. અમદાવાદ- ગાંધીનગરના ભાગોમાં પણ આજે ભારે વરસાદની શક્યતા છે. 14 થી 15 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં 12 ઇંચ ઉપર વરસાદ થવાની શક્યતા છે.