Mon Aug 31 2026

Logo

રાજ્યની કુખ્યાત જેલોમાં રક્ષાબંધનની ઉજવણી: ચૈતર વસાવાને રાખડી બાંધી, જેલોમાં ભાઈ-બહેનના અતૂટ સંબંધના દ્રશ્યો જોવા મળ્યા

2026-08-28 19:26:00
Author: Devayat Khatana
રાજ્યની કુખ્યાત જેલોમાં રક્ષાબંધનની ઉજવણી: ચૈતર વસાવાને રાખડી બાંધી, જેલોમાં ભાઈ-બહેનના અતૂટ સંબંધના દ્રશ્યો જોવા મળ્યા

કેદી ભાઈઓએ બહેનોને ભેટમાં આપ્યા તુલસીના રોપા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધનના દિવસે રાજ્યની જુદી જુદી જેલમાં વિવિધ ગુનાઓ હેઠળ જેલની સજા કાપી રહેલા ભાઈઓના કાંડે બહેનોએ રાખડી બાંધીને રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું હતું. 

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બહેનોએ પોતાના ભાઈઓને કાંડે રાખડી બાંધી અને પવિત્ર પર્વની ઉજવણી કરી હતી. જેલ ખાતેની રક્ષાબંધનની ઉજવણીએ જેલ પરિસરમાં ભાવુક દ્રશ્યો સર્જ્યા હતા. આ ઉજવણીએ સાબિત કરી દેખાડ્યું હતું કે જેલની દિવાલો પાછળ પણ ભાઈ અને બહેન વચ્ચેનું બંધન અતૂટ રહે છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંને જેલના મળી કુલ 3 હજારથી વધુ કેદીઓને બહેનોએ રાખડી બાંધી હતી. જેલ પ્રશાસન દ્વારા મુલાકાતી બહેનો અને કેદી ભાઈઓ માટે અલગ અલગ ટેબલ તથા બેઠકની સુવિધા ઊભી કરવામાં આવી હતી. 

વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પણ બહેનોએ જેલમાં બંધ પોતાના ભાઈઓને કાંડે રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. જ્યાં આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને તેમના બહેનોએ રાખડી બાંધી હતી. તેમના બહેને જણાવ્યું હતું કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ જેલમાં અમે પણ આ તહેવાર જેલમાં ઉજવ્યો છે. તેમણે તેમના ભાઈ જલદી છૂટે તેવી પ્રાર્થના હતી. 

સુરતમાં મુસ્લિમ બહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડી

જેલ પ્રશાસન તરફથી કરવામાં આવેલી વ્યવસ્થા અનુસાર તમામ કેદીઓએ તેમની બહેનોને ભેટમાં તુલસીનો રોપ આપ્યો હતો. સુરતની જિલ્લાની જુદી જુદી જેલમાં પણ પણ રક્ષાબંધનની ઉજવણીએ ભાવુક દ્રશ્યો સર્જ્યા હતા, જ્યાં સબજેલ જેલમાં બંધ પોતાના ભાઈને રાખડી બાંધવા માટે આવેલી મુસ્લિમ બહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. જિલ્લાની લાજપોર જેલ ખાતે જેલમાં બંધ કેદી ભાઈઓને બહેનોએ રાખડી બાંધી હતી, બહેનોએ તેમના ભાઈઓને જેલમુક્ત થઈ સારા નાગરિક બનવાની ભાઈઓએ ખાતરી આપી હતી. 

રાજકોટમાં પણ ભાઈ-બહેનના સંબંધની લાગણીસભર ઝલક જોવા મળી

રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધનના પાવન પર્વની ભાવનાત્મક ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધનના પર્વે જેલમાં રહેલા કેદી ભાઈઓ અને તેમની બહેનો વચ્ચે ખાસ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બહેનોએ પોતાના ભાઈઓને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભાઈ-બહેનના પવિત્ર સંબંધની લાગણીસભર ઝલક જોવા મળી હતી.  
બહેનોને કોઈ અગવડ ન પડે તે માટે રાજકોટ મધ્યસ્થ જેલ તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મુલાકાત માટે આવતા બહેનો માટે બેસવાની વ્યવસ્થા, પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 

આ પ્રસંગે રાજકોટ મધ્યસ્થ જેલના પોલીસ વડાએ જેલમાં કેદીઓને ભાવનાત્મક અપીલ કરતાં જણાવ્યું હતું કે, જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં ઉતાવળમાં લેવાયેલું એક પગલું વ્યક્તિના સમગ્ર જીવનને અસર કરી શકે છે. ઉતાવળમાં કરેલું એક પગલું ભાઈઓને હંમેશા નડે છે અને બહેન માટે આખી જિંદગીનો દાગ બની જાય છે, તેમ જણાવ્યું હતું.