(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા તત્કાલ અસરથી 10 આઈપીએસ અને એસપીએસ કેડરના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી તથા નવી નિમણૂકો કરવામાં આવી છે.
ગૃહ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી સંજીવ કુમારની સહીથી જાહેર કરાયેલા આ હુકમમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અને એસઆરપીએફ જૂથના કમાન્ડન્ટ તરીકે અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
નવી નિમણૂક પામેલા આઈપીએસ અધિકારીઓમાં માનસી આર. મીનાને અમદાવાદ જિલ્લાના વિરમગામ ડિવિઝનના એએસપી તરીકે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત મોસમ હર્ષદભાઈ મહેતાને વાવ-થરાદ જિલ્લાના દિયોદર, પ્રખર કુમારને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને કરણકુમાર મનસુખભાઈ પન્નાને દાહોદ જિલ્લાના લીમખેડા ડિવિઝનમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે તૈનાત કરવામાં આવ્યા છે. યુવાન આઈપીએસ અધિકારીઓને વિવિધ જિલ્લાઓમાં ડિવિઝનલ કક્ષાની જવાબદારી સોંપી તંત્રને વધુ સુદ્રઢ બનાવવાનો પ્રયાસ કરાયો છે.
આ સાથે બદલીની વાત કરવામાં આવે તો, એસપીએસ અધિકારીઓમાં જે. આઈ. વસાવાને વડોદરા એસઆરપીએફ ગ્રુપ-9, ડી. એમ. ચૌહાણને બનાસકાંઠાના મડાણા ખાતે એસઆરપીએફ ગ્રુપ-3, પ્રકાશકુમાર વિષ્ણુપ્રસાદ રાવળને દાહોદ પાવડી સ્થિત એસઆરપીએફ ગ્રુપ-4 અને બી. એલ. દેસાઈને ગોધરા ખાતે એસઆરપીએફ ગ્રુપ-5 ના કમાન્ડન્ટ તરીકે નિમણૂક અપાઈ છે. આ ઉપરાંત એચ. પી. દોશીને રાજકોટ ખાતે એસઆરપીએફ ગ્રુપ-13 અને એલ. બી. ઝાલાને સુરત જિલ્લાના વાવ ખાતે એસઆરપીએફ ગ્રુપ-11 ના કમાન્ડન્ટ તરીકે નવી ફાળવણી કરવામાં આવી છે. આ સામૂહિક બદલીઓથી પોલીસ બેડામાં મોટા પાયે ફેરબદલ જોવા મળ્યો છે.