Sun Jul 26 2026

Logo

ગુજરાતમાં 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ: કપરાડામાં સૌથી વધુ 6 ઇંચ, જળાશયોમાં પાણીની આવક

2026-07-26 08:36:00
Author: Vimal Prajapati
Article Image

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. જોકે, તે પછી વરસાદે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. ગઈ કાલે સવારે છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યાં સુધીમાં રાજ્યના 204 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ થયો હતો. આજે ઉત્તર ગુજરાત સાથે દક્ષિણ ગુજરાતમાં ફરી નોંધપાત્ર વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

વલસાડના કપરાડા તાલુકામાં સૌથી વધારે 6 ઇંચ વરસાદ નોંધાયો

વરસાદી આંકડાની વાત કરવામાં આવે તો, છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં વધારે વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને વલસાડના કપરાડા તાલુકામાં સૌથી વધારે 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. બનાસકાંઠાના ઓગડ વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તે પછી નવસારી જિલ્લાના ખેરગામમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ ક્રમશઃ ખેડા જિલ્લાના નડિયાદમાં 2.75 ઇંચ અને વલસાડ જિલ્લાના નાના પોંઢામાં પણ 2.75 ઇંચ વરસાદ ખાબક્યો છે. આજે પણ 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

સર્વત્ર વરસાદના કારણે ખેડૂતોને મોટી રાહત

રાજ્યના 4 તાલુકાઓમાં 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો અને 11 તાલુકાઓમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સાથે સરકારી આંકડા પ્રમાણે 20થી વધુ તાલુકાઓમાં 2 ઇંચથી વધુ અને 30થી વધુ તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાવાની સાથે અન્ય તાલુકાઓમાં સામાન્ય ઝાપટાં વરસ્યા છે. કેટલાક તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. વાવણી લાયક કરતા પણ સારો વરસાદ થયો તેના કાણે ખેડૂતોને મોટી રાહત મળી છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે,  ભારે વરસાદની કારણે રાજ્યના અનેક જળાશયોમાં પાણીની સારી એવી આવક થઈ છે.

સરદાર સરોવર ડેમમાં પણ નવા નીરની આવક

મહેસાણાના ધરોઈ ડેમમાં ઉપરવાસમાંથી 1528 ક્યુસેક પાણીની નવી આવક થઈ છે. ડેમની વર્તમાન જળસપાટી 184.530 મીટર સુધી પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે. વર્તમાનની વાત કરવામાં આવે તો, ધરોઈ ડેમમાં કુલ સંગ્રહક્ષમતાના 46.45 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સરદાર સરોવર ડેમમાં હાલ 25,739 ક્યુસેક જેટલી પાણીની આવક નોંધાઈ છે. જળાશયોની સ્થિતિને ધ્યાનમાં રાખીને કુલ 21 જળાશયોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા હોવાનું આવ્યું છે.