અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં AI નો ઉપયોગ વધી રહ્યો છે. તાજેતરમાં જ દિલ્હીમાં India AI Impact summit 2026 યોજાઈ હતી. આ દરમિયાન ગુજરાત હાઈ કોર્ટે AI થી જનરેટ કરેલા ખોટા ચુકાદાઓ ટાંકવા બદલ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. સેન્ટ્રલ GST અને સેન્ટ્રલ એક્સાઈઝના એડિશનલ કમિશનર દ્વારા પસાર કરવામાં આવેલા એક આદેશની સુનાવણી દરમિયાન હાઈ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. બેન્ચે આ આદેશને ખામીયુક્ત અને ભ્રામક ગણાવ્યો હતો.
શું છે સમગ્ર મામલો
કોર્ટ મેસર્સ મરહબ્બા ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશન પર સુનાવણી કરી હતી. જેમાં કમિશનરના આદેશને પડકારવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન એવું ધ્યાન પર આવ્યું કે કમિશનરે મૂળ ચુકાદાઓ વાંચ્યા વિના જ AI દ્વારા જનરેટ કરવામાં આવેલા કેસ લો અથવા ટાંકણો પર ભરોસો કર્યો હોય તેવું જણાય છે. આ ટાંકણો કાં તો અસ્તિત્વમાં નહોતા અથવા તો કરદાતા દ્વારા રજૂ કરવામાં આવેલા બચાવના નિવેદનો સાથે તેને કોઈ સુસંગતતા નહોતી.
ન્યાયાધીશ એ. એસ. સુપેહિયા અને ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીની બેન્ચે જણાવ્યું હતું કે અર્ધ-ન્યાયિક સત્તાધારીઓ માટે માર્ગદર્શિકા રૂરી છે. કોર્ટે તેના વચગાળાના આદેશમાં નોંધ્યું, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા આંખ મીંચીને જનરેટ કરાયેલા ચુકાદાઓ ટાંકવા બાબતે અર્ધ-ન્યાયિક સત્તાધારીઓ માટે કેટલીક માર્ગદર્શિકા નક્કી કરવાની જરૂર છે. કારણ કે આવા ઘણા ચુકાદાઓ અસ્તિત્વમાં જ હોતા નથી અને જો અસ્તિત્વમાં હોય તો પણ તે કરદાતા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ સાથે દૂર-દૂર સુધી સુસંગત હોતા નથી.
કમિશનરના આદેશ પર ટિપ્પણી કરતા બેન્ચે વધુમાં નોંધ્યું, બચાવ પક્ષની રજૂઆતો સાથે કામ કરતી વખતે કમિશનરે જે કારણો અને તારણો નોંધ્યા છે તે ખામીયુક્ત અને ભ્રામક છે. કમિશનરે વાસ્તવિક ચુકાદાઓ વાંચ્યા વિના જ AI દ્વારા જનરેટ કરાયેલા ટાંકણો અને કેસ લો અનુસર્યા હોવાનું જણાય છે.
આ ઉપરાંત કોર્ટે એવી ગંભીર નોંધ પણ કરી છે કે AI જનરેટેડ ફેક વીડિયો અને ફોટોગ્રાફ્સ ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર અપલોડ કરવાના ખતરનાક અને અલાર્મિંગ ટ્રેન્ડમાં વધારો થઈ રહ્યો છે. વીડિયો શેરિંગ વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્લિકેશન્સ પર આ પ્રકારના વીડિયોને સ્પ્રેડ કરવાની બાબત ચિંતાજનક છે.