સ્કૂલ, કૉલેજોમાં રજા જાહેર, આર્મી, નેવી અને એરફોર્સ સ્ટેન્ડબાય, કામ વિના બહાર ન નીકળવા લોકોને અપીલ
અમદાવાદઃ રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, સુરત, આણંદ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીના પગલે રાજ્ય અને સ્થાનિત સ્તરે તંત્રએ તૈયારીઓ કરી હોવાનું જણાવ્યું હતું. દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરત, ખેડા, આણંદ સહિતના જિલ્લાંમાં સ્કૂલ-કૉલેજોમાં આવતીકાલે રજા જાહેર કરી દેવામાં આવી હતી. અમદાવાદ મનપાએ આંગણવાડીઓ માટે ત્રીજી ઑગસ્ટ સુધી રજા જાહેર કરી હતી. તંત્રએ નાગરિકોને હૈયાધારણ આપી હતી કે તેઓ વરસાદી સ્થિતિનો સામનો કરવા સજ્જ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે અંતર્ગત સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્રને સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક રાખવાના હેતુથી ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ડૉ. જયંતિ રવિની અધ્યક્ષતામાં એક સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી.
ભારે વરસાદની આગાહી વચ્ચે અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ પ્રભાવિત તમામ જિલ્લાના અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરેક જિલ્લામાં ૨૪x૭ કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અને એક વર્ગ-૧ અધિકારીને રાઉન્ડ ધ ક્લોક સુપરવિઝન માટે તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપન માટે જરૂરિયાત મુજબ એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમોને ત્વરિત તૈનાત કરવા જણાવાયું હતું. અધિક મુખ્ય સચિવે વધુમાં ઉમેર્યું હતું કે, અત્યંત કટોકટીની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે ભારતીય સેનાની ત્રણેય પાંખો (આર્મી, નેવી અને એરફોર્સ) ને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
સાથે જ, વરસાદની પરિસ્થિતિ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અંગે નાગરિકો સુધી સાચી માહિતી પહોંચે તે માટે મીડિયા સાથે સતત વિગતો શેર કરવા પણ કલેક્ટરોને સૂચના આપી હતી.
આ ઉપરાંત રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જોખમી હોર્ડિંગ્સ, બેનર્સ અને સાઈનબોર્ડ્સને તાત્કાલિક અસરથી હટાવીને તે વિસ્તારોને સુરક્ષિત કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
તેજ પવન કે વાવાઝોડાને કારણે જર્જરિત મકાનો અથવા જોખમી બાંધકામોથી નાગરિકોને કોઈ હાનિ ન પહોંચે તે માટે જરૂરી તમામ સલામતીના પગલાં લેવા વહીવટી તંત્રને જણાવાયું છે. હાલમાં સમગ્ર સરકારી મશીનરીને 'એલર્ટ મોડ' પર મૂકી દેવામાં આવી છે.
આગામી દિવસોમાં આપત્તિજનક વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ રાજ્યના તમામ નાગરિકોને અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ પણ કરી હતી.
દરમિયાન અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આવતીકાલ તા. ૩૧ જુલાઈ અને ૧ ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની અગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ત્યારે આ પ્રકારની તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે એમ અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું હતું. તેમણે પણ આગામી બે દિવસ દરમિયાન અત્યંત જરૂરી કામ સિવાય નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી.