Fri Sep 04 2026

Logo

ગુજરાત ATS, SOGનું વધુ એક મોટું ઓપરેશન; ડીસામાં ઢાબામાં રહી મજૂરી કરતો અને પાકિસ્તાન ગેંગસ્ટર માટે કામ કરતો વોન્ટેડ ઝડપાયો

2026-04-06 10:34:00
Author: Mayur Patel
ગુજરાત ATS, SOGનું વધુ એક મોટું ઓપરેશન; ડીસામાં ઢાબામાં રહી મજૂરી કરતો અને પાકિસ્તાન ગેંગસ્ટર માટે કામ કરતો વોન્ટેડ ઝડપાયો

 

ડીસાઃ ગુજરાત ATS, SOGએ વધુ એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. બાતમીના આધારે તેને ડીસાના એક ઢાબામાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. મળતી વિગત પ્રમાણે, પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ ભટ્ટીની ગેંગ માટે પંજાબમાં રહીને કામ કરતા અને ગ્રેનેડ સ્મગલિંગ કેસમાં વોન્ટેડ બિક્રમજિતસિંહને ગુજરાત ATS અને બનાસકાંઠા SOGએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઝડપી લીધો હતો. બિક્રમજિતસિંહ પંજાબમાં બનેલા ગ્રેનેડ હુમલાના કેસમાં લાંબા સમયથી વોન્ટેડ હતો અને તેની શોધખોળ ચાલી રહી હતી ત્યારે જ બાતમી મળી હતી કે તે ડીસાના એક ઢાબા પર મજૂરી કામ કરી રહ્યો છે. ATSની ટીમે તેને ઝડપી લઇ પૂછપરછ કરતાં તેણે ભટ્ટી ગેંગ અને તેના સાગરીતો માટે કામ કર્યું હોવાની કબૂલાત પણ કરી હતી.


પંજાબ પોલીસના ઈનપુટના આધારે કાર્યવાહી

પંજાબ પોલીસ દ્વારા ગુજરાત ATSને બિક્રમજિતસિંહ અંગે ચોક્કસ ઇનપુટ આપવામાં આવ્યા હતા. આ આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ગુજરાત ATSને માહિતી મળી હતી કે બિક્રમજિતસિંહ ઉર્ફે વિક્કી કશ્મીરસિંહ  ડીસાના એક ઢાબામાં છૂટક મજૂરી કામ કરી રહ્યો છે. થોડી ખાતરી કરાવ્યા બાદ ATSએ અલગ-અલગ ટીમ બનાવી બનાસકાંઠા SOGની મદદથી ચોક્કસ ઓપરેશન કરીને તેને ઝડપી લીધો હતો. 

પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા

બિક્રમજિતસિંહની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં બિક્રમજિતસિંહ પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ ભટ્ટીની ગેંગ સાથે સંકળાયેલો હતો અને તે ISI માટે કામ પણ કરતો હતો. તેની મુખ્ય ભૂમિકા પંજાબમાં ગ્રેનેડ સપ્લાય કરવી અને પોલીસ સ્ટેશન તેમજ સુરક્ષા એજન્સીઓના એકમો પર હુમલા કરાવવાની હતી. બિક્રમજિતસિંહ સ્થાનિક લોકોને ગેંગમાં જોડતો અને ભટ્ટીની સૂચના મુજબ હુમલાની યોજના અમલમાં મૂક્તો હતો. તે ભટ્ટી ઉપરાંત આબિદ જટ માટે પણ કામ કરતો હતો.

તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ ભારતના પંજાબ રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપતી હતી. ખાસ કરીને પોલીસ સ્ટેશન અને સુરક્ષા એજન્સીઓને નિશાન બનાવી ગ્રેનેડ હુમલાઓ કરાવવામાં આવતા હતા. આરોપી પંજાબથી દૂર રહી શહેઝાદ માટે કામ કરતો હતો.