Sat Sep 12 2026

Logo

ભ્રષ્ટાચારનો ભોરિંગઃ દસાડા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 80 હજારની લાંચ લેતા ઝડપાયો

2026-03-19 14:18:00
Author: Mumbai Samachar Team
ભ્રષ્ટાચારનો ભોરિંગઃ દસાડા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 80 હજારની લાંચ લેતા ઝડપાયો

અમદાવાદઃ લાંચિયા લોકો સામે એસીબી દ્વારા સતત કામગીરી કરવામાં આવતી હોવા છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ગાંધીનગરમાંથી આઈબી ઓફિસર લાંચ લેતા ઝડપાયો હોવાની ઘટના તાજી છે ત્યાં જ સુરેન્દ્રનગરના દસાડા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ રૂપિયા 80 હજારની લાંચ લેતા એસબીની છટકામાં સપડાયો હતો.

મળતી માહિતી મુજબ, એક ફરિયાદી વિરુદ્ધ પ્રોહિબિશન (દારૂબંધી) હેઠળ ગુનો દાખલ થયો હતો. આ કેસમાં ફરિયાદીને પોલીસ રિમાન્ડ દરમિયાન માર નહીં મારવા માટે અને આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓના નામ નહીં ખોલવા માટે હેડ કોન્સ્ટેબલ ભરત મેમકીયાએ ₹80,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે અમદાવાદ એસીબીમાં જાણ કરી હતી.

ફરિયાદના આધારે અમદાવાદ એસીબીની ટીમે દસાડા વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું. હેડ કોન્સ્ટેબલ ભરત મેમકીયા જ્યારે નક્કી થયા મુજબ ₹80,000ની લાંચ સ્વીકારી રહ્યો હતો, ત્યારે જ એસીબીના અધિકારીઓએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. એસીબીની આ સફળ કાર્યવાહીથી ભ્રષ્ટ સરકારી કર્મચારીઓમાં ભારે ફફરાટ ફેલાયો છે.

ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરી છે. એક પછી ભ્રષ્ટ બાબુઓ સામે કાર્યવાહી થઇ રહી છે.  સાણંદના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર કેતન ગીરીશભાઈ દવે 80 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા બાદ હતા, હવે તેમના બેંક લોકરમાંથી લાખો રૂપિયાનીઅપ્રમાણસર મિલકતના પુરાવા મળ્યાં હતા.  17 માર્ચના રોજ મહેસાણા એસીબી દ્વારા ગાંધીનગરની ખાનગી બેંકના લોકરની તપાસ કરવામાં આવી હતી, જેમાં અધિકારીની આવક કરતા વધુ સંપત્તિનો પર્દાફાશ થયો હતો. એસીબીએ આપેલી સત્તાવાર જાણકારી મુજબ અધિકારીના બેન્ક લૉકરમાંથી 346 ગ્રામ સોનું, 2 કિલો 536 ગ્રામ ચાંદીના દાગીના, તેમજ સોનાના સિક્કા, બિસ્કિટ અને રોકડ મળીને રૂ. 51,82,444 ની સંપત્તિ મળી હતી.