નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ માટે 28 વર્ષ પછી ફરી એકવાર એક ઐતિહાસિક ક્ષણ આવી શકે છે. જેમાં 3 ઓક્ટોબર, 2026 ના રોજ ભારતીય ટીમ એક જ દિવસે બે મેચ રમતી જોવા મળી શકે છે.
ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની ODI શ્રેણી રમશે
આ અંગે મળતી વિગતો મુજબ એક ભારતીય ટીમ મુલ્લાનપુરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની ODI શ્રેણી રમી રહી છે. જ્યારે બીજી ટીમ જાપાનમાં એશિયન ગેમ્સમાં મેડલ માટે સ્પર્ધા કરી રહી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી ODI 3 ઓક્ટોબરે યોજાવાની છે. તે જ દિવસે ક્રિકેટ સ્પર્ધા માટે બ્રોન્ઝ અને ગોલ્ડ મેડલ મેચ જાપાનના નિશિન સ્થિત સ્પોર્ટ્સ પાર્ક ખાતે યોજાશે. જો ભારત ફાઇનલ માટે ક્વોલિફાય થાય છે તો તેઓ 3 ઓક્ટોબરે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ માટે રમશે.
એશિયન ગેમ્સમાં 28 સપ્ટેમ્બરે પોતાનો પહેલો મુકાબલો રમશે
ઉલ્લેખનીય છે કે, ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સના ક્વાર્ટર ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો છે. ટીમ 28 સપ્ટેમ્બરે ગ્રુપ Aમાં બીજા સ્થાને રહેલી ટીમ સામે પોતાનો પહેલો મુકાબલો રમશે. આ ગ્રુપમાં અફઘાનિસ્તાન, જાપાન અને નેપાળનો સમાવેશ થાય છે. ક્વાર્ટર ફાઇનલનો વિજેતા 1 ઓક્ટોબરે સેમિફાઇનલ રમશે. ભારતીય ટીમ એશિયન ગેમ્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે. જેણે વર્ષ 2023 હાંગઝોઉ એશિયન ગેમ્સમાં પુરુષોનો ક્રિકેટ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
28 વર્ષ બાદ ગજબ સંયોગ બનવા જઈ રહ્યો છે
ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં 12 સપ્ટેમ્બર 1998 ના રોજ આવી જ પરિસ્થિતિ બની. જ્યારે ટીમ ઈન્ડિયા કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહી હતી. તે જ દિવસે ટીમ ઈન્ડિયાએ સહારા કપમાં પાકિસ્તાન સામે પણ મેચ રમી હતી. ભારતે બંને મેચ જીતી હતી.
વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણી માટે ટીમની જાહેરાત બાકી
આ ઉપરાંત વર્ષ 2026 એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણી માટે ટીમની જાહેરાત બાકી છે. તેમજ એશિયન ગેમ્સમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીમાં રમશે નહીં.
શ્રેયસ ઐયર એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે
જેમાં શ્રેયસ ઐયર એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. ટીમમાં અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને વૈભવ સૂર્યવંશીનો સમાવેશ થાય છે. આમાંથી કોઈ પણ ખેલાડી વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટીમનો ભાગ રહેશે નહીં.