મુંબઈ: બોલીવુડમાં હાલમાં ગણેશોત્સવ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં તાજેતરમાં બોલીવુડના દિગ્ગ્જ અભિનેતા ગોવિંદાએ ગણપતિ બાપ્પાને ભાવુક વિદાઈ આપી હતી. ગણેશ ચતુર્થીના અવસરે ઘરમાં ભગવાન ગણેશનું સ્વાગત કર્યા બાદ હવે અભિનેતા પોતાના દીકરા યશવર્ધન આહુજા સાથે વિસર્જનમાં સામેલ થયા હતા.
ગણેશચતુર્થીના દિવસે પડેલા વરસાદ પછી ગોવિંદા અને યશવર્ધને મળીને ગણપતિ બાપ્પાની પૂજા-અર્ચના કરી અને તેમની પારંપરિક વિદાય કરી હતી. બંનેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જયારે ગણપતિ ઘરે આવ્યા ત્યારે ગોવિંદા અમેરિકામાં હતો અને ત્યાંથી પરત ફરીને તેઓ પૂજામાં સામેલ થયા હતા, પરંતુ તેની પત્ની સુનિતા ગેરહાજર રહી હતી.
લાલ કુર્તામાં દેખાયા પિતા-પુત્ર
ગણપતિ વિસર્જન દરમિયાન ગોવિંદા અને તેમના પુત્ર યશવર્ધન પારંપરિક લાલ કુર્તામાં જોવા મળ્યા હતા. ભારે વરસાદ છતાં ભીડ વચ્ચે ગણપતિ બાપ્પાને વિસર્જન સ્થળ સુધી લઇ જતા જોવા મળ્યા હતા.
આ દરમિયાન ગોવિંદા સંપૂર્ણપણે ધાર્મિક રિવાજોમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. વીડિયોમાં અભિનેતાને પૂજા અને વિસર્જનથી જોડાયેલી પરંપરાઓને અનુસરતા જોઈ શકાય છે. વરસાદ સતત શરૂ હતો, પરંતુ તેની અસર તેના ઉત્સાહ પર જોવા મળી નહોતી. દીકરા સાથે બાપ્પાને વિદાય આપતા ગોવિંદા ભાવુક જોવા મળ્યો હતો.
પુત્ર સાથે ખાસ રહી વિસર્જનની પળો
ગોવિંદા માટે આ વર્ષે ગણપતિ વિસર્જન એટલા માટે પણ ખાસ રહ્યું કારણ કે તેણે પોતાના દીકરા યશવર્ધન સાથે મળીને આ ધાર્મિક આયોજનમાં ભાગ લીધો હતો. બંનેને સાથે જોઈને હાજર લોકો અને ચાહકોનું ધ્યાન તેમની તરફ ગયું હતું. સોશિયલ મીડિયાના વાયરલ વીડિયોમાં બંનેની બોન્ડિંગ પણ જોવા મળી હતી. બંને પિતા-પુત્ર વિસર્જનને વિધિવત્ કરતા જોવા મળ્યા હતા.
સુનિતાની ગેરહાજરીએ ધ્યાન ખેંચ્યું
જોકે, ગણપતિ વિસર્જનમાં ગોવિંદા અને યશવર્ધનની હાજરી રહી હતી છતાં અભિનેતાની પત્ની સુનિતા આહુજા ત્યાં જોવા નહીં મળતા ફરી તેમના સબંધો વિશેની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે આ અવસરે પરિવાર તરફથી સુનિતાની ગેરહાજરીને લઈને કોઈ ખાસ કારણ સામે આવ્યું નહોતું. અગાઉ સુનિતા આહુજાએ પોતાના સંતાનો ટીના અને યશવર્ધન સાથે ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું. તે સમયે ગોવિંદા અમેરિકા હતા. જોકે, લોકોએ સુનિતાની ગેરહાજરીની નોંધ લઈને સોશિયલ મીડિયા પર સવાલો ચલાવ્યા હતા.
ફિલ્મોમાં પરત ફરી રહ્યા છે ગોવિંદા
વર્કફ્રન્ટની વાત કરીએ તો ગોવિંદા હવે જલ્દીથી મોટા પડદે ફરી જોવા મળશે. તેઓ આવનારી ફિલ્મ 'દુનિયાદારી'માં જોવા મળશે. લાંબા સમય બાદ અભિનેતાને સિલ્વર સ્ક્રીન પર જોવા માટે તેમના ચાહકો ઉત્સાહી છે. ગોવિંદાના પુત્ર યશવર્ધન પણ એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છે. તે આગામી હોરર કોમેડી ફિલ્મ 'હીરો કી હિરોઈન'થી પોતાની ફિલ્મી ડેબ્યુ કરશે.
ફિલ્મનું નિર્દેશન સાજીદ ખાન કરી રહ્યા છે અને એકતા આર કપૂર, શોભા કપૂર અને અમર બુટાલા આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મની ખાસ વાત એ છે કે યશવર્ધનની માતા સુનિતા આહુજા પણ આ ફિલ્મમાં જોવા મળશે. તે આ ફિલ્મમાં યશવર્ધનની ઓન સ્ક્રીન માતાનું પાત્ર ભજવતા જોવા મળશે.