Mon Jul 27 2026

Logo

મરાઠા યુવાનો માટે સરકારની મોટી જાહેરાત: અણ્ણાસાહેબ પાટીલ મહામંડળ માટે ૧૫૦ કરોડનું ભંડોળ જાહેર

2026-05-22 15:10:30
Author: Mumbai Samachar Team
Article Image

બેરોજગાર અને સ્વરોજગાર ઈચ્છતા યુવાનોને મળશે આર્થિક ટેકો

મુંબઈ: મરાઠા સમાજના યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મોટો રાહત આપનારો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ અણ્ણાાસાહેબ પાટીલ આર્થિક પછાત વિકાસ મહામંડળ માટે ૧૫૦ કરોડ રૂપિયાનું ભંડોળ વિતરિત કરવામાં આવ્યું છે. આ અગાઉ ૨૦૨૫-૨૬ના બજેટમાં આ મહામંડળ માટે ૭૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. હવે તેમાંથી પ્રથમ તબક્કાના ભંડોળની વહેંચણી શરૂ થઈ હોવાથી મરાઠા સમાજના બેરોજગાર અને સ્વરોજગાર કરવા ઈચ્છતા યુવાનોને મોટો આધાર મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.

મનોજ જરાંગે પાટીલના આંદોલનની પૃષ્ઠભૂમિમાં આ નિર્ણય સામે આવ્યો હોવાથી તેને રાજકીય દ્રષ્ટિએ પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. અંતરવલ્લી સરાટી ખાતે આમરણ ઉપવાસની ચીમકી આપવામાં આવી હોવાથી સરકાર દ્વારા ભંડોળ વિતરણનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આથી, મરાઠા સમાજ સાથે જોડાયેલા પ્રશ્નો પર સરકાર દ્વારા હલચલ શરૂ થઈ હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં શરૂ થઈ છે.

આયોજન વિભાગ દ્વારા આ સંદર્ભે સરકારી પ્રસ્તાવ જાહેર કરવામાં આવ્યો છે અને પ્રથમ તબક્કામાં ૧૫૦ કરોડ રૂપિયાનું ભંડોળ મહામંડળને આપવામાં આવ્યું છે. આ ભંડોળમાંથી વિવિધ રોજગાર, સ્વરોજગાર અને ઉદ્યોગ યોજનાઓને વેગ આપવામાં આવશે. 

મહામંડળ માટે મંજૂર કરાયેલું ભંડોળ તબક્કાવાર વિતરણ કરવામાં આવે છે. ૨૦ ટકા, ૩૦ ટકા, ૪૦ ટકા અને ૫૦ ટકાના સ્વરૂપમાં આ ભંડોળ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. સંબંધિત ભંડોળના વપરાશ અને ખર્ચનો અહેવાલ સરકારને સબમિટ કર્યા પછી જ આગામી તબક્કાનું ભંડોળ મંજૂર કરવામાં આવે છે. આ અગાઉ પણ ૩૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ વિતરણ કરવામાં આવ્યું હતું, હવે તેમાં નવેસરથી ૧૫૦ કરોડ રૂપિયાનો ઉમેરો થયો છે.

ભંડોળનો ખર્ચ કરતી વખતે સરકારના નાણાકીય નિયમો અને શરતોનું ચુસ્તપણે પાલન કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. ભંડોળના વપરાશમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા સરકાર દ્વારા સંબંધિત વિભાગોને આદેશ આપવામાં આવ્યા છે. 

દરમિયાન, મહામંડળની યોજનાઓનો લાભ વધુ યુવાનો મેળવી શકે તે માટે આવક મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. શરૂઆતમાં વાર્ષિક ૬ લાખ રૂપિયા સુધીની મર્યાદા વધારીને ૮ લાખ રૂપિયા કરવામાં આવી છે.