- પ્રફુલ શાહ
માંડ એકથી બે ઇંચ જ લાંબા છતાં અનેક મનુષ્યોને મારી નાખવાની તાકાત ધરાવતા જીવને હલ્લો કહીએ. આજે ગોલ્ડન પોઈઝન ફ્રોગ (Golden Poison Frog)ની વાત કરીએ. આ ગોલ્ડન પોઈઝન ફ્રોગ (જેનું વૈજ્ઞાનિક નામ છે Phyllobates terribilis) વિશ્વના સૌથી ઝેરી પ્રાણીઓમાંનું એક છે. તેનો ચમકદાર પીળો રંગ જાણે શિકારીઓ માટે ચેતવણીરૂપ હોય છે કે મને અડવા કે ખાવામાં તમારો જીવ જશે હોં.
ગોલ્ડન પોઈઝન ફ્રોગની પ્રોફાઇલ જુઓ. આશરે 2થી 3 સેન્ટીમીટર (લગભગ 1 ઇંચ) લંબાઇ. વજન માંડ 25-30 ગ્રામ. જંગલમાં સરેરાશ આયુષ્ય 10 વર્ષ જેટલું. દુનિયાનો સૌથી જીવલેણ નાનકડો દેડકો દક્ષિણ અમેરિકાના કોલંબિયાના વરસાદી જંગલોમાં રહે છે.
એક જ ગોલ્ડન પોઈઝન ફ્રોગની ચામડીની ગ્રંથિઓમાં એટલું ઝેર હોઈ શકે છે કે તે અનેક (મિનિમમ 10થી 20) માણસોના મૃત્યુ માટે પૂરતું બને. તેની ચામડીમાંથી બેટ્રાકોટોક્સિન નામનું અત્યંત શક્તિશાળી ઝેર નીકળે છે. આ ઝેર માનવીની નર્વસ સિસ્ટમને અસર કરે છે અને હૃદય તથા સ્નાયુઓની કામગીરી બંધ કરી શકે છે. આ કારણસર જ નાનકડા કદ છતાં આ જીવને પૃથ્વીના સૌથી ઝેરી દેડકા તરીકે ઓળખવામાં આવે છે.
ચોક્કસ કુતૂહલ થાય કે આ ઝેર બનતું કેવી રીતે હશે. જંગલમાં તેનું ઝેર તેના આહારમાં રહેલા ચોક્કસ પ્રકારના કીડાઓમાંથી મળે છે. તે નાની કીડીઓ, ભમરા અને માઇટ્સ જેવા સૂક્ષ્મ જીવજંતુઓ ખાય છે, જે તેના શરીરમાં ઝેર બનાવે છે.
કોલંબિયાની એમ્બેરા જનજાતિ પરંપરાગત રીતે તેના ઝેરનો ઉપયોગ શિકાર માટે ફૂંકણીના તીરની અણી પર કરતી હતી. આથી તે પોઈઝન ડાર્ટ ફ્રોગ પણ કહેવાય છે.
આ આદિવાસી સદીઓથી ગોલ્ડન પોઈઝન ફ્રોગના ઝેરનો શિકાર માટે ઉપયોગ કરતી આવી છે. તેઓ દેડકાને મારતા નથી. તેના શરીરમાંથી નરમાઈથી ઝેર એકત્ર કરે છે.
ત્યારબાદ ફૂંકણી (Blowgun) વડે છોડવામાં આવતા નાના તીરની અણી પર આ ઝેર લગાવવામાં આવે છે. ઝેર લાગેલું તીર કોઈ પક્ષી કે નાના પ્રાણીને વાગે તો તે થોડા જ સમયમાં નિષ્ક્રિય થઈ જાય છે અથવા મૃત્યુ પામે છે. શિકાર પૂર્ણ થયા પછી દેડકાને સામાન્ય રીતે ફરી જંગલમાં છોડી દેવામાં આવે છે.
જોકે કેદમાં ઉછેરવામાં આવેલા ગોલ્ડન પોઈઝન ફ્રોગ સામાન્ય રીતે ઝેરી હોતા નથી, કારણ કે તેમને એવો કુદરતી આહાર મળતો નથી. પ્રાણી સંગ્રહાલય અથવા કેદમાં સામાન્ય ફ્રૂટ ફ્લાય અને ક્રિકેટ (ઝીંગુર) જેવા ખોરાક પર ઉછેરવામાં આવતા ગોલ્ડન પોઈઝન ફ્રોગ ધીમે ધીમે પોતાની ઝેરી શક્તિ ગુમાવી દે છે.
પોઈઝન ડાર્ટ ફ્રોગની અન્ય રંગબેરંગી પ્રજાતિઓ પણ છે. બ્લૂ પોઈઝન ડાર્ટ ફ્રોગ ઘેરા વાદળી રંગના હોય છે અને કાળા ટપકાં ધરાવે છે. તે મુખ્યત્વે દક્ષિણ અમેરિકાના સુરીનામમાં જોવા મળે છે. સ્ટ્રોબેરી પોઈઝન ડાર્ટ ફ્રોગનું શરીર લાલ, જ્યારે પગ વાદળી, કાળા અથવા લીલા હોઈ શકે છે. તે પણ મધ્ય અમેરિકાના વરસાદી જંગલોમાં વસે છે.
બ્લેક એન્ડ ગ્રીન પોઈઝન ડાર્ટ ફ્રોગ કાળા શરીર પર લીલા અથવા ફિરોઝી રંગની આકર્ષક ડિઝાઇન ધરાવે છે. તેનું ઝેર ગોલ્ડન પોઈઝન ફ્રોગ કરતાં ઓછું મારક હોય છે.
જોકે હાલ આ પ્રજાતિ પર લુપ્તપ્રાય થવાનું જોખમ છે. તેના અસ્તિત્વ માટે જંગલોનો નાશ અને નિવાસસ્થાનમાં ઘટાડો મોટો ખતરો છે.
કુદરતની કમાલ જુઓ કે આ નાનકડા દેડકાને ચમકદાર રંગો અને ઘાતક ઝેરનું એવું ગજબનાક સંયોજન આપ્યું છે કે તે કદમાં નાનો હોવા છતાં દુનિયાના સૌથી ભયાનક ઉભયજીવ પ્રાણીઓમાં ગણાય છે. સાથોસાથ અન્ય જીવો માટે ચેતવણી સૂચક રંગ અને ચમક પણ આ ટચૂકડા યમદૂતને આપ્યા છે.