Sun Oct 04 2026

Logo

ચાંદીમાં રૂ. 1607નો ઘટાડો, સોનામાં રૂ. 199નો ઘસરકો

2026-09-10 19:25:05
Author: Ramesh Gohil
ચાંદીમાં રૂ. 1607નો ઘટાડો, સોનામાં રૂ. 199નો ઘસરકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) 

મુંબઈઃ
વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં સાધારણ સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં નરમાઈનું વલણ રહ્યું હતું. જોકે, આજે બજાર વર્તુળોની નજર અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી 15-16 સપ્ટેમ્બરની બેઠક પર નિર્ણાયક અસર પાડે તેવાં અમેરિકાના ઑગસ્ટ મહિનાના ફુગાવાના ડેટા પર સ્થિર થઈ હોવાને કારણે સાવચેતીનો અભિગમ હોવાથી કામકાજો પણ પાંખાં રહ્યા હતા. આમ વૈશ્વિક મિશ્ર અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ વેપાર નિરસ રહેતાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 198થી 199નો ઘસરકો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 1607 ઘટી આવ્યા હતા. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1607ના ઘટાડા સાથે રૂ. 2,33,642ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 198 ઘટીને રૂ. 1,52,673 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 199 ઘટીને રૂ. 1,53,287ના મથાળે રહ્યા હતા. 

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા ઘટીને આૈંસદીઠ 4405.09 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.3 ટકા ઘટીને 4448.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 67.11 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

એકંદરે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ અને વૈશ્વિક સ્તરે દેવાની ચિંતા સપાટી પર આવતા સોનાના સુધારાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું યુબીએસના વિશ્લેષક જિઓવન્ની સ્ટૂનોવોએ જણાવ્યું હતું. વધુમાં રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ઑગસ્ટ મહિનાના ફુગાવાના ડેટા પર સ્થિર થઈ છે અને જો ફુગાવામાં વૃદ્ધિ થશે તો ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ થશે અને સોનાના ભાવ વધુ દબાણ હેઠળ આવશે, એમ સ્ટોન એક્સનાં વિશ્લેષક રૉના ઑનેલે જણાવ્યું હતું.
 
આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 15-16 સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી 60 ટકા શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, રૉઈટર્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં બહુધા અર્થશાસ્ત્રીઓએ ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્‌‍ રાખે તેવો પ્રતિસાદ મળ્યો હતો. 

વધુમાં અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધનો અંત અમેરિકાની મધ્યવર્તી ચૂંટણી પશ્ચાત આગામી નવેમ્બર પછી આવે તેવી શક્યતા વ્યક્ત કરી હતી અને ઈરાનના અણુકાર્યક્રમોને લગતા સ્થાનકો પર હુમલા કરવાની પણ ચેતવણી આપતા આજે ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હતું. તેમ જ અમેરિકાનું દેવું 40 ટ્રિલ્યન ડૉલર સુધી પહોંચતા રાજકોષીય ચિંતા સપાટી પર આવી હતી.