Sun Mar 15 2026

Logo

સોનાચાંદીમાં વધુ ઉછાળા, ક્રિપ્ટોમાં કડાકાની સંભાવના

1 week ago
Author: Nilesh Waghela
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ:
અમેરિકા તથા ઈઝરાયલ દ્વારા ઈરાન પર, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તથા રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધનો માહોલ વિસ્ફોટક બનવાથી વિવિધ આર્થિક બજારો પર તેના તાત્કાલિક પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. સોનાચાંદી તથા ક્રૂડતેલના ભાવમાં તેજીના ઉછાળા હતા, જ્યારે બીજી તરફ  ફોરેક્સ માર્કેટમાં રૂપિયો નબળો પડતાં ડોલરના ભાવ વધી રૂ.૯૧ની સપાટી પાર કરી ગયો હતો.

અમેરિકા અને ઇઝરાયલે ઇરાન કપર કરેલા હુમલા અને ઇરાને વળતા પ્રહારમાં અખાતી દેશો પર કરેલા હુમલાને કારણે સોનું અને ચાંદીના ભાવમાં વધુ ઉછાળા જ્યારે શેરબજાર અને ક્રિપ્ટો કરન્સીના સટ્ટામાં જોરદાર કડાકાની શક્યતા જણાઇ રહી છે.

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત સૈન્ય ઓપરેશન બાદ વિશ્ર્વભરના આર્થિક બજારોમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ માત્ર બે દેશો વચ્ચેનું યુદ્ધ વાસ્તવમાં ગ્લોબલ સપ્લાય ચેઈન અને એનર્જી સેક્ટર માટે મોટું સંકટ સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે સોમવારેબીજી માર્ચે જ્યારે બજાર ખુલશે ત્યારે ભારતીય શેરબજાર સહિત ગ્લોબલ માર્કેટમાં મોટો કડાકો જોવા મળી શકે છે.

સૌથી મોટો ભય અને શક્યતા ક્રૂડ ઓઈલના ભાવનો ઉછાળો છે. ઈરાન પ્રતિબંધો છતાં દૈનિક ૩.૩ મિલિયન બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે, જેનો ૮૦ ટકા હિસ્સો ચીન જાય છે. સૌથી ચિંતાજનક બાબત હોર્મુઝ સ્ટ્રેટ છે. આખી દુનિયાનું ૨૦ ટકા ક્રૂડ ઓઇલ આ સાંકડી સમુદ્રધુનીમાંથી પસાર થાય છે.
ઇરાને આ માર્ગ હાલ બંધ કરી દીધો હોવાથી નિષ્ણાતોના અંદાજ અનુસાર ક્રૂડ ઓઈલના ભાવમાં તાત્કાલકિ પાંચથી ૧૦ ટકાનો ઉછાળો આવી શકે છે. હાલના ૭૨ ડોલર પ્રતિ બેરલના ભાવ વધીને ૮૦ ડોલરથી વધુ થઈ શકે છે. એ પણ નોંધવું રહ્યું કે ભારતનો ક્રૂડ ઓઇલનો પચાસ ટકા જેટલો પુરવઠો આ માર્ગથી આવે છે.

જ્યારે પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે રોકાણકારો શેરબજારમાંથી પૈસા કાઢીને સેફ હેવન એસેટ એટેલે કે સોનામાં રોકે છે. ભારતમાં સોનાના ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧.૮૫ લાખ રૂપિયા સુધી પહોંચવાની આશંકા છે. જ્યારે ચાંદીના ભાવ પ્રતિ કિલો ૩.૨૦ લાખ રૂપિયાના સ્તરને સ્પર્શી શકે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તે ૧૦૦ ડોલરને પાર કરી શકે છે.

યુદ્ધના સમાચાર આવતા જ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. શનિવારથી જ ક્રિપ્ટો માર્કેટમાં વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કરંસીમાં વધુ કડાકા જોવા મળશે એવું નિષ્ણાતો માને છે. ભારતીય બજારમાં સોમવારે (બીજી માર્ચ)  સેન્સેક્સમાં એકથી બે ટકાનો ઘટાડો થઈ શકે છે અને સેન્સેક્સ ૮૦,૦૦૦ પોઈન્ટની નીચે જવાની શક્યતા છે. અમેરિકન બજારમાં પહેલાથી જ ઘટાડો શરૂ થઈ ગયો છે.