Fri May 22 2026

Logo

ગોવામાં મહિલાની આંખો ફોડી કરપીણ હત્યા કરનારો ઘોડબંદર રોડ પર પકડાયો

2026-05-21 17:03:45
Author: Yogesh C Patel
Article Image

લગ્ન આડે આવતી યુવતીની માતા પર આરોપીને ખુન્નસ હતું: હત્યા પછી લૂંટ ચલાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ગોવામાં લગ્ન આડે આવતી યુવતીની માતાની નિર્દયતાથી હત્યા કરી ફરાર થયેલા આરોપીને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ઘોડબંદર રોડ પરથી પકડી પાડ્યો હતો. આરોપીએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને મહિલાની બન્ને આંખો ફોડી નાખી હતી અને પછી લૂંટ ચલાવી હતી. ગોવાના મુખ્ય પ્રધાનના મતદાર ક્ષેત્રમાં બનેલી આ ઘટનાએ ભારે ચકચાર ફેલાવી હતી.

ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-4ના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર પ્રમોદ બડાખની ટીમે પકડી પાડેલા આરોપીની ઓળખ સાગર રમેશ રાઉળ (34) તરીકે થઈ હતી. ઓલ્ડ ગોવાના તિસવાડી ખાતે રહેતા સાગરને ઘોડબંદર રોડ પરના ચેના બ્રિજ નજીકની દ્વારકા હોટેલ પાસેથી તાબામાં લેવાયો હતો.પોલીસના જણાવ્યા મુજબ ઉત્તર ગોવાના બિચોલિમમાં ચિકને કુડણે ખાતે રહેતી શૈલા ઘાડી (58)ની મંગળવારે કરપીણ હત્યા કરવામાં આવી હતી. તપાસમાં જણાયું હતું કે શૈલાની નાની દીકરી સાથે સાગર લગ્ન કરવા માગતો હતો. આ માટે તેણે માગું પણ નાખ્યું હતું, પરંતુ શૈલાએ ઇનકાર કરી દેતાં સાગર રોષે ભરાયો હતો.

કહેવાય છે કે લગ્નમાં અવરોધ ઊભો કરનારી શૈલા પર ગિન્નાયેલા આરોપીએ તેનો કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું. બપોરના સમયે શૈલા ઘરમાં એકલી હતી ત્યારે આરોપી તીક્ષ્ણ હથિયાર સાથે ઘરમાં ઘૂસ્યો હતો. આરોપીએ શસ્ત્રથી હુમલો કરી શૈલાની હત્યા કરી હતી. કહેવાય છે કે આરોપીને એટલું ખુન્નસ હતું કે તેણે શૈલાની બન્ને આંખો ફોડી નાખી હતી.હત્યા બાદ આરોપી સોનાની ચેન અને મોબાઈલ લૂંટી રફુચક્કર થઈ ગયો હતો. આ પ્રકરણે બિચોલિમ પોલીસે ગુનો નોંધી આરોપીની તપાસ હાથ ધરી હતી. આરોપીના સગા મહારાષ્ટ્રના વિરાર પરિસરમાં રહેતા હોવાથી તે ત્યાં આવવાની શક્યતાને ધ્યાનમાં રાખી ગોવા પોલીસે મીરા-ભાયંદર પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-4ના અધિકારીઓએ આરોપીના વિરારમાં રહેતાં સગાંને ઘેર નજર રાખી હતી. દરમિયાન ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી આરોપીને મીરા રોડ નજીક ઘોડબંદર રોડ પરથી તાબામાં લેવાયો હતો. બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર આરોપીને ગોવા લઈ જવામાં આવ્યો હતો. વધુ કાર્યવાહી બિચોલિમ પોલીસ કરી રહી છે.