(અમારા પ્રતિનિધિ તરફથી)
જૂનાગઢ: ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને માંસાહારી ભોજનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો હતો, જેના કારણે ભક્તોમાં રોષ ફેલાયો હતો. આ મામલે વહીવટીતંત્રને જાણ થતાં પૂજારીઓ સહિત 11 મંદિર કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ સાથે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ ઘટનાની વિગતવાર તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યાં છે.
પૂજારીઓ સહિત 11 મંદિર કર્મચારીઓને સસ્પેન્ડ
અંબાજી મંદિરના ભંડારાના રસોડામાં બનેલી આ ઘટનાને ધાર્મિક સ્થળની પવિત્રતાનું ગંભીર ઉલ્લંઘન માનવામાં આવી રહ્યું છે. વાયરલ વીડિયોની નોંધ લેતા, જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો હતો. પ્રાથમિક તપાસના આધારે અધિકારીઓએ 10 પૂજારીઓ અને એક રસોઈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા અને મંદિર પરિસરમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તપાસના આધારે કિશોરસિંહ ચૌહાણ, તુષારગીરી ગૌસ્વામી, પ્રિન્સ ઠાકર, ગૌસ્વામી ભરતગીરી ધનગીરી,ભાર્ગવ ચૌહાણ, શૈલેશગીરી ગૌસ્વામી, ધવલગીરી ગૌસ્વામી, કાંતિગીરી અપારનાથી, દેવગીરી ગૌસ્વામી, વિજયભાઈ ત્રિવેદી અને સમીયા રામ રસોઈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
ગિરનાર અંબાજી મંદિર ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટી? વીડિયો વાયરલ થતા પુજારી સહિત 11 કર્મીઓ સસ્પેન્ડ #Junagadh #Girnar #GirnarAmbajiTemple pic.twitter.com/hQDSjV8v1m
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) March 12, 2026
વાયરલ વીડિયોના આધારે કાર્યવાહી કરવામાં આવી
જૂનાગઢ શહેરના મામલતદાર એકે બારૈયા જેઓ હાલમાં મંદિર વહીવટનું સંચાલન કરે છે, તેમણે જણાવ્યું હતું કે વાયરલ વીડિયો અને પ્રાથમિક તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે મંદિર વહીવટીતંત્ર દ્વારા મંદિરનો કાર્યભાર સંભાળવામાં આવશે. વધુમાં એકે બારૈયાએ જણાવ્યું હતું કે, આ કર્મચારીઓને કામચલાઉ ધોરણે નિયુક્ત કરવામાં આવ્યા હતા, અને તેમની કથિત સંડોવણી પ્રકાશમાં આવ્યા બાદ તેમની સેવામાંથી મુક્ત કરી દેવામાં આવ્યાં છે. ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે પણ તપાસ કરવામાં આવશે.