અમદાવાદઃ ગુજરાતના ગાંધીનગરમાં ધમધમી રહેલા ગિફ્ટ સિટીનું વિસ્તરણ કરવાની તૈયારીઓ થઈ રહી છે. ગિફ્ટ સિટીનું 15 ટકા વિસ્તરણ થવાનું છે. જેમાં તેના હાલના ૧,૦૬૫ એકર વિસ્તારમાં ૧૬૧ એકરનો ઉમેરો કરવાની યોજના છે, જેનાથી કુલ વિસ્તાર ૧,૨૨૦ એકરથી વધુ થશે.
સાબરમતી રિવરફ્રન્ટ વિકાસના ભાગ રૂપે લગભગ ૩૧ હેક્ટર જમીન ફરીથી મેળવવામાં આવશે, જેના માટે અલગ માસ્ટર પ્લાનની જરૂર પડશે. આ ઉપરાંત, શાહપુર ગામ નજીક લગભગ ૮૫ એકર સરકારી જમીન, ગિફ્ટ સિટી નજીક છે. તેને ગિફ્ટ સિટીમાં એકીકૃત કરવામાં આવશે, તેવી માહિતી ગિફ્ટ સિટીના સૂત્રોએ આપી હતી.
અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર લગભગ ચાર મહિનામાં આ પ્લાન ગુજરાત સરકારને સોંપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં ગિફ્ટ સિટીને 2,300 એકરથી વધુ વિસ્તારવાનો પ્લાન હતો, પરંતુ તે પરત ખેંચી લેવામાં આવ્યો હતો.
દરમિયાન, ગિફ્ટ સિટીમાં આ વર્ષે લગભગ 1.24 મિલિયન ચોરસ મીટર કર્મશિયલ સ્પેસ અને 2.36 મિલિયન ચોરસ મીટર રેસિડેન્સિયલ સ્પેસનું કામ પૂરું થશે, તેવી માહિતી પણ સૂત્રોએ આપી હતી.