Fri Oct 02 2026

Logo

મેટ્રોની કન્સ્ટ્રકશન સાઈટ પરનું પતરું પડતાં બાઈકસવારનું મોત

2026-09-20 20:02:13
Author: Yogesh C. Patel
મેટ્રોની કન્સ્ટ્રકશન સાઈટ પરનું પતરું પડતાં બાઈકસવારનું મોત

મુંબઈ: ઘાટકોપર નજીક ચાલતા મેટ્રોના કન્સ્ટ્રકશન વર્ક ખાતે વજનદાર પતરું પડવાને કારણે બાઈક પર જઈ રહેલા પ્લમ્બરે જીવ ગુમાવ્યો હતો.પાર્કસાઈટ પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારે ઘાટકોપર નજીક એલબીએસ રોડ પર બની હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા શખસની ઓળખ વાસિમ હૈદર રિઝવી (54) તરીકે થઈ હતી.

ઘાટકોપરના અશોક નગરમાં રહેતો રિઝવી બાઈક પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે લગભગ 6 બાય 8 ફૂટનું બેરિકેડ તરીકે ગોઠવેલું લોખંડનું પતરું અચાનક તેના પર પડ્યું હતું. બાયોટૅક કંપની બિલ્ડિંગ નજીક બનેલી ઘટનામાં રિઝવી ગંભીર રીતે ઘવાયો હતો. રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવાયેલા રિઝવીને તબીબે મૃત જાહેર કર્યો હતો.

ઘટનાને પગલે પાર્કસાઈટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ઘટના બાદ ફરી મેટ્રો સાઈટ ફરતે રાહદારીઓની સુરક્ષાનો મુદ્દો ઊભો થયો હતો.અગાઉ 14 ફેબ્રુઆરીએ મુલુંડમાં મેટ્રો ક્ધસ્ટ્રક્શન સાઈટ ખાતે કૉન્ક્રીટનો પેરાપેટ વાહનો પર તૂટી પડ્યો હતો. એ ઘટનામાં એક જણે જીવ ગુમાવ્યો હતો, જ્યારે ત્રણ ગંભીર રીતે ઘવાયા હતા. (પીટીઆઈ)