Tue Jul 28 2026

Logo

ઘાટકોપરના બિલ્ડરને પચીસ લાખની ખંડણી માટે ધમકી: ગૅન્ગસ્ટર ઝુલ્ફીકાર સહિત 12 પકડાયા

2026-07-28 20:15:19
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિલેપાર્લેમાં ગટર અને ફૂટપાથના બાંધકામનો કોન્ટ્રાક્ટ મેળવનારા ઘાટકોપરના બિલ્ડરને પચીસ લાખ રૂપિયાની ખંડણી માટે ધમકી આપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે બાન્દ્રાની ફાઈવ સ્ટાર હોટેલમાં છટકું ગોઠવી ખંડણીની રકમ લેવા આવેલા ગૅન્ગસ્ટર ઝુલ્ફીકાર બેહલીમ અને તેના ભાઈ સહિત 12 જણને રંગેહાથ પકડી પાડ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-9ના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર સચિન પુરાણિકની ટીમે સોમવારની રાતે બાન્દ્રામાં હોટેલની લૉબીમાં આવેલી કૅફેટેરિયામાં છટકું ગોઠવ્યું હતું. કૅફેટેરિયામાં ઝુલ્ફીકાર બેહલીમ અને ગુનેગારીમાં સંડોવાયેલો તેનો ભાઈ મોહસીન બેહલીમ ટોળકી સાથે આવ્યા હતા. બિલ્ડર પાસેથી ખંડણીની રકમ સ્વીકારનારા ગૅન્ગસ્ટર અને તેની ટોળકીને પોલીસે ઘેરી લીધી હતી.
પકડાયેલા આરોપીમાં બેહલીમ ભાઈઓ અને અજય યાદવ, અનવર ફારુકી, રિયાઝ શેખ, મોહમ્મદ આસીફ ખાન, મોહમ્મદ કલીમ સૈયદ સહિત 12 આરોપીનો સમાવેશ થાય છે. કોર્ટે આરોપીઓને 31 જુલાઈ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. આરોપીઓની વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે આરોપીઓ પકડાયા બાદ બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં સોમવારની મધરાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. ગૅન્ગસ્ટર ઝુલ્ફીકારની અગાઉ મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. એ કેસમાં તે જામીન પર છૂટ્યો હતો.ફરિયાદીને વિલેપાર્લેમાં બાંધકામનો મ્હાડાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. એ કામ માટે પોતે પણ ટેન્ડર ભર્યા હોવાનો દાવો એક આરોપીએ કર્યો હતો. કોન્ટ્રાક્ટ ન મળતાં આરોપીએ ગૅન્ગસ્ટર ઝુલ્ફીકારના નામની ધમકી આપી પચીસ લાખ રૂપિયાની માગણી કરી હતી. રૂપિયા ન મળે તો ‘ગૅમ કરી નાખવાની’ ચીમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

ડરી ગયેલા ફરિયાદીએ બુધવારે ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક સાધ્યો હતો. પોલીસની સૂચના અનુસાર ફરિયાદી ડુપ્લિકેટ નોટો સાથે બાન્દ્રાની હોટેલમાં ગયો હતો. કહેવાય છે કે પોલીસે તાબામાં લેતાં ઝુલ્ફીકાર ધૂંધવાઈ ગયો હતો. તેણે પોલીસની હાજરીમાં ફરિયાદીને ‘કામ તમામ’ કરવાની ધમકી ઉચ્ચારી હતી.