Tue Sep 22 2026

Logo

આઈઆઈટી બોમ્બે વિદ્યાર્થી આપઘાત કેસઃ ‘સાહિલે એસસી/એસટી સેલમાં કોઈ ફરિયાદ કરી નહોતી’, ફેકલ્ટી ફોરમના પ્રમુખનો દાવો

2026-09-22 17:48:57
Author: Mumbai Samachar Team
આઈઆઈટી બોમ્બે વિદ્યાર્થી આપઘાત કેસઃ ‘સાહિલે એસસી/એસટી સેલમાં કોઈ ફરિયાદ કરી નહોતી’, ફેકલ્ટી ફોરમના પ્રમુખનો દાવો

મુંબઈઃ આઈઆઈટી બોમ્બેના 22 વર્ષીય વિદ્યાર્થી સાહિલ વાકોડેના આપઘાત બાદ તેના પરિવાર દ્વારા સંસ્થામાં કથિત જાતિ આધારિત ભેદભાવ અને હેરાનગતિના આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે આઈઆઈટી બોમ્બે ફેકલ્ટી ફોરમના પ્રમુખ ડૉ. રાજકુમાર પંતે દાવો કર્યો છે કે સાહિલે તાજેતરના મહિનાઓમાં સંસ્થાના અનુસૂચિત જાતિ સેલનો સંપર્ક કરીને કોઈ ફરિયાદ કરી નહોતી.

ડૉ. પંતે જણાવ્યું કે તેમણે સંસ્થાના ડેપ્યુટી ડિરેક્ટર પ્રોફેસર રવિન્દ્ર ગુડી સાથે આ અંગે વાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, SC/ST સેલે એક નોટિસ જારી કરીને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ-ચાર મહિનામાં સાહિલે સેલનો સંપર્ક કર્યો હોવાનો કોઈ રેકોર્ડ નથી. ડૉ. પંતે કહ્યું કે સાહિલે કોઈ ઔપચારિક ફરિયાદ તો દૂર, એસસી/એસટી સેલનો સંપર્ક પણ કર્યો નહોતો.

ડૉ. પંતે પ્રોફેસર સૂર્યનારાયણ ડુલ્લાનો પણ બચાવ કર્યો છે. ડુલ્લાને વિદ્યાર્થીઓ અને રાજકીય કાર્યકરોના વિરોધ બાદ સોમવારે ડીન (એડમિનિસ્ટ્રેટિવ અફેર્સ)ના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. ડૉ. પંતના જણાવ્યા મુજબ, ડુલ્લા અગાઉ ડીન ઓફ સ્ટુડન્ટ અફેર્સ રહી ચૂક્યા છે અને વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે જાણીતા છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે કેટલાક પ્રસંગોમાં નિયમોનું પાલન કરાવવા માટે કડક કાર્યવાહી કરવી જરૂરી હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સાહિલ વાકોડે એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગમાં બી ટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. 18 સપ્ટેમ્બરની સાંજે પવઈ કેમ્પસની હોસ્ટેલમાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, મિડ-સેમેસ્ટર પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોન દ્વારા ચેટ જીપીટીનો ઉપયોગ કરતો હોવાનું પકડાયા બાદ આ ઘટના બની હતી.

ડૉ. પંતે કહ્યું કે સંસ્થાના નિયમો મુજબ પરીક્ષામાં ચીટિંગ અથવા અન્યાયી સાધનોનો ઉપયોગ સ્વીકાર્ય નથી. તેમના જણાવ્યા મુજબ, જો કોઈ ફેકલ્ટી સભ્ય સંસ્થાની સુવિધાઓનો દુરુપયોગ અથવા અનિયમિતતા જોતાં કાર્યવાહી ન કરે, તો નિયમોનું પાલન કરતા અન્ય વિદ્યાર્થીઓ સાથે તે અન્યાય ગણાશે.

દરમિયાન, સાહિલના પરિવારની ફરિયાદના આધારે મુંબઈ પોલીસે પ્રોફેસર ડુલ્લા સામે એસસી/એસટી  (પ્રિવેન્શન ઑફ એટ્રોસિટીઝ) એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 હેઠળ કેસ નોંધ્યો છે. ડૉ. પંતે કહ્યું કે મામલાની તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને હવે કાયદો પોતાનું કામ કરશે. તેમણે તપાસ હેઠળના મુદ્દે વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

વધુ જુઓ...