Sun Sep 13 2026

Logo

મિજાજ મસ્તી: ‘જેન-ઝી’ કી સવારી આ રહી હૈ... ઇતિહાસ બદલતો વર્તમાન

2026-08-09 09:12:00
Author: Sanjay Chhel
મિજાજ મસ્તી: ‘જેન-ઝી’ કી સવારી આ રહી હૈ... ઇતિહાસ બદલતો વર્તમાન

 

 

 

- સંજય છેલ

 

ટાઇટલ્સ: 

ક્રાંતિ અને ભ્રાંતિને કોઈ ના રોકી શકે. (છેલવાણી)

 

‘લંડનમાં છે છેલ્લી બેંચનો ડરપોક પરિમલ

રથીન હવે સાહિત્યક્ષેત્રે એક પરમહંસ...

સાંભળ્યું છે, દીપુએ તો કાગળનું મોટું કારખાનું ખોલ્યું છે

ને પાંચ ચાના બગીચામાં દસ આની ભાગ છે.

એ ઉપરાંત સમય મળે ત્યારે થાય છે દેશસેવક

અઢી ડઝન વાંદા છુટ્ટા મૂકી ક્લાસને વેરવિખેર કરી નાખ્યો હતો... ગાંડિયા અમલે

તે આજે થયો છે મજાનો અધ્યાપક કેવો ગોરો હતો સત્યશરણ!

એણે શું કામ પોતાનું ગળું કાપ્યું ચકચકિત છરાથી

હજીયે એ દૃશ્ય યાદ આવતાં જ કમકમાં આવે છે.

ગલીની ચાની દુકાનમાં હવે બીજું કોઈ નથી.

એક વખત અહીંયાં અમે બધાં સ્વપ્નોમાં જાગ્યા હતા.

એક છોકરીના પ્રેમમાં ડૂબ્યા હતા એકસાથે મળી પાંચેય જણા,

આજે તો એ છોકરીનું નામ સુધ્ધાં યાદ નથી.’

 

...એ જમાનાના ક્રાંતિકારી વિદ્યાર્થીઓ માટે બંગાળી કવિ સુનિલ ગંગોપાધ્યાયની આ થાકેલ-હારેલની કવિતા છે. જ્યારે સમાજમાં વિદ્યાર્થીઓ સિસ્ટમ કે સરકારની સામે બગાવત કરે છે ત્યારે સત્તા પલટો થાય છે. જેમ કે 2024માં બાંગ્લાદેશમાં, 2025માં નેપાળમાં, ઇન્ડોનેશિયામાં, ઇટલીમાં કે સાઉથ અમેરિકામાં આજની ‘જેન- ઝી‘ જનરેશન એટલે 1995થી 2010માં જન્મેલ  પેઢી હવે બેકારી, અસમાનતા, બોલવા-લખવાની આઝાદી કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સરકારને હલાવી નાખે છે. આ પેઢી પાસે સમસ્યાઓનો ઉકેલ નથી, પણ આંદોલન છે. ધીરજ નથી ધગધગતો ગુસ્સો છે. આપણે ત્યાં પણ હમણાં ‘જંતરમંતર’ વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાથી અને હવે રાંચીમાં ‘જેન- ઝી’એ ‘નીટ’ પેપર માટે આંદોલનો ઉપાડ્યાં છે અને એ વિશે ખૂબ લખાઈ ચૂક્યું છે પણ એની અસર તો છે જ અને રહેશે જ.

 

આજની ‘જેન-ઝી’ને છોડો, આપણે ત્યાં 1985માં આસામમાં વિદ્યાર્થીનેતા પ્રફલ્લ મહંતોએ તે સમયે સરકારો ઊથલાવેલી! 1975માં ગુજરાતમાં નવનિર્માણ આંદોલનથી ઇંદિરાના શાસનને હચમચાવી નખાયેલું! અરે,  શહીદ ભગતસિંહ પણ સ્ટુડન્ટ પૉલિટિક્સની દેન છે. વિયેટનામ પણ યુદ્ધ રોકવા અમેરિકા જેવી મહાસત્તાને પણ અમેરિકાના જ વિદ્યાર્થીઓએ ઝુકાવેલી.

હિંદીલેખક કમલેશ્વર કહેતા: ‘હર પીઢી કે એસ્ટાબ્લિશ્ડ લેખક યા વિચારક કે પીછવાડે પર ઉન કી એક્સપાયરી ડેટ લીખી હોતી હૈ!’ બિકાઉ સમાચાર ચૅનલો, સરકારી ખોટા પ્રચારોની સામે ક્યારે યંગ જનરેશનનું દિમાગ  ફરશે ત્યારે કોઈને સમજાશે પણ નહીં. અરે મડાગાસ્કાર આફ્રિકામાં હમણાં પાણીની સામાન્ય સમસ્યા પર જેન-ઝીએ સરકાર ઊથલાવેલી. પણ આજે જુવાનો કશું બોલે તો અર્બન નક્સલ કે દેશદ્રોહી જેવાં લેબલ લગાડાય છે.

સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ કે સેંસરશિપની બધે વાતો થાય છે, કૉલેજમાં ચર્ચા પર રોક લગાડાય તો પછી કૉલેજ કૅમ્પસ અને ટ્યુશન ક્લાસમાં ફરક શું રહેશે? કૉલેજમાં ચર્ચાવિચારણા આંદોલનો પણ અદૃશ્ય અભ્યાસક્રમ જ છે. એક જમાનામાં મુંબઈમાં યુવા વિદ્યાર્થીઓ ‘ઇપ્ટા’ સંસ્થાની નાટ્ય-હરીફાઇમાં નાટકો કરતાં જેની ભજવણીમાં પોલીસ બોલાવવી પડતી એવા વૈચારિક ઝઘડા થતા!

 

1977માં ઇમર્જન્સી દરમિયાન ‘સ્ટ્રીટ-પ્લે’ કરતાં ને પોલીસની લાઠી પણ ખાતાં-એ બધાં ડાહ્યા-ડમરા થઈને લાઇબ્રેરીમાં બેઠા રહ્યા હોત તો ઇમર્જન્સી સામે વિરોધ શરૂ થાત?

 

ઇન્ટરવલ:

 

કારવાં ગુઝર ગયા ગુબાર દેખતે રહે

ઉમ્ર કે ચઢાવ કા ઉતાર દેખતે રહે (નીરજ)

 

આંદોલન કરતા સૌ વિદ્યાર્થીઓ મહાન ક્રાંતિકારીઓ છે એવું નથી ને એમની તોડફોડનું સમર્થન પણ નથી. તેમ છતાં એ બધાં પૉલિટિકલ ગુંડા પણ નથી. વળી મુંબઈ જેવાં શહેરોમાં તો હવે વિદ્યાર્થી યુનિયન પણ નથી. સદાબહાર અભિનેતા-નિર્દેશક સ્વ. દેવઆનંદ, 1975માં ઇંદિરાની ઇમર્જન્સી સામે ખૂલીને અવાજ ઉઠાવનાર એકમાત્ર ફિલ્મસ્ટાર હતા, કારણ કે એમની ‘સોચ’ ‘યંગ’ હતી! જે સવાલ પૂછે એ, જુવાન. જેની પાસે રેડીમેડ જવાબ હોય એ વૃદ્ધ...

 

એક પ્રૌઢ પ્રોફેસર લેખક બપોરે સૂતો છે. બહાર ક્રિકેટ રમી રહેલા છોકરાઓનો બૉલ બારી તોડીને અંદર આવે છે. લેખક ગુસ્સે થઈને છોકરાઓને વઢવા જાય છે, પણ અચાનક એને યાદ આવે છે કે બરોબર આ જ રીતે કોઈ એક બપોરે વરસો અગાઉ જુવાનીમાં પોતાના ગામમાં ઝાડ પરથી કેરી તોડવા એણે પથ્થર ફેંંકેલો, પથ્થર ઝાડ પાસેના બંગલાની બારીનો કાચ તોડીને અંદર ગયેલો અને બૂઢો માલિક બહાર આવીને એને વઢેલો. ત્યારે પ્રૌઢ લેખકને અહેસાસ થાય છે કે શું પોતે પણ આજે પેલા ખડ્ડુસ બૂઢા બંગલાવાળા જેવો વૃદ્ધ થઈ ગયો છે? પછી એક ક્ષણ રોકાઈને ક્રિકેટ રમતાં બાળકોને બૉલ પાછો આપે છે, એમની સામે આંખ મારીને સ્મિત આપે છે! અહીં  પ્રૌઢ લેખક    થાકી ને થંભી ગયેલ સમાજનું પ્રતીક છે. અત્યારની કે કોઈ પણ સરકારને જુવાનોની ચળવળો ગમતી નથી,  કારણ કે સરકારમાં મોટેભાગે ખુરસીવાંછુ પ્રૌઢ નેતાઓ હોય છે.

 

વળી પૉલિટિકલ ઍક્ટિવીઝમ અગાઉ પણ હતું જ. સત્તામાં છે કે હતા કે નથી એવા જેટલીજીથી માંડીને સ્વ. ચંદ્રશેખર, સ્વ. જયપ્રકાશ નારાયણ, સ્વ. સુષમા સ્વરાજ, લાલુજી, નીતીશજી કે દેવેન્દ્ર ફડણવીસ જેવા નેતાઓ વિદ્યાર્થી પૉલિટિક્સની જ દેન છે, પણ ત્યારે વિદ્રોહી વિદ્યાર્થીઓને સમજ્યા વિના ‘લેફ્ટ લિબ્રાંડો’ કહીને ટ્રોલ કરીને કોઈ ઉતારી નહોતા પાડતા. આજના પ્રૌઢ લેખકો હજીય ભારત-પાક ભાગલા કે ધર્મ-વિધર્મની એની એ ચર્ચામાં અટવાયેલા છે, જ્યારે આજની જનરેશન, માણસ તો ઠીક. રસ્તા પરના ઘાયલ કૂતરાઓ માટેય ચળવળ ચલાવે છે. જનરેશન-ઝી, હોઠ પર કેમિકલ ચોંટાડી સેક્સી બનીને હરખાય છે કે વાળ મુંડાવી એમાં ‘ચે ગુવેરા’ની રંગોળી કરે છે.

 

આજના સેટેલાઇટ યુગમાં જુવાનિયા દિનરાત પેમલા-પેમલી કે સિનેમાની વાતું કે ફૅશનનાં ફટાણાં નહીં ગાય. ટ્વીટ પણ કરશે - મજાક કરતી રીલ પણ બનાવશે પણ એ બધા જુવાનિયાઓને ‘મિસગાઇડેડ યુથ’ કે ‘ભટકેલ જુવાનિયા’ કહેવું દેશની યુવાનીના આઇ.ક્યુ.નું અપમાન છે. ઓશો, રૂઢિવાદીઓને કહેતા, ‘ઝરા ખિડકી તો ખોલ કે દેખો!’ ‘જેન-ઝી’ને સમજવા દિમાગની ખિડકીખોલવી પડશે.

 

એંડટાઇટલ્સ:

 

આદમ: દેશમાં બધું ક્યાં જઈને અટકશે?

 

ઇવ: તારી જીભ અટકે તોયે ઘણું!