અત્યાર સુધીમાં આપણે ત્યાં 450થી વધુ મોબાઇલ ઍપ્સ પર પ્રતિબંધ મુકાઈ ગયો હોવા છતાં ડિજિટલ યુગની યુવાપેઢી અજાણી ઍપ્સ કે પ્લૅટફૉર્મ્સ પર અજાણતાં જ ઑનલાઇન કેવા કેવા ખતરનાક ખેલ કરી રહ્યા છે એની સ્ફોટક ઝલક...
- ભરત ઘેલાણી
જેના પ્રેસિડેન્ટ એવા સર્વોચ્ચ નેતા શી જિનપિંગ આજે ભારતમાં છે અને જેની આંખમાં સતત સાપ રમે છે એવું આપણું પાડોશી લાલ ચીન અનેક વિરોધાભાસ ધરાવતો દેશ છે.
કોરોના પ્રકોપને લીધે સતત લૉકડાઉનમાં રહેલી ચીનની યુવા પેઢી એકદમ એકાકી થઈ ગઈ પછી
સોશ્યલ મીડિયા પર ફેસબુક-X-કે વૉટ્સએપ જેવી સુવિધા ચીનમાં ન હોવાથી ત્યાંના યુવાનો મિત્રો બનાવવા માટે ડેટિગ ઍપનો સૌથી વધારે ઉપયોગ કરે છે. એક સમયે અહીં માંડ 75-80 આવી ડેટિગ ઍપ હતી. આજે એમાં 340 ટકાનો ઉછાળો આવ્યો છે...! આવી ઍપ ઉપરાંત ઑનલાઇન ચૅટિગ દ્વારા ચીની તરુણ-તરુણીઓ વર્ચ્યુઅલ પાર્ટી યોજીને ટાઇમ પાસ કરે છે તો એમાંથી અનેક સાઇબર ક્રાઇમ તરફ ફંટાઈ પણ ગયા છે
એક જમાનો હતો, જ્યારે માણસની આયુ માત્ર બે શબ્દથી ગણાતી. એક : જુવાન-નવી પેઢી અને બીજી : વૃદ્ધ જૂની પેઢી!
આજે સિનારિયો સાવ પલટાઈ ગયો છે. તમે કયા વર્ષમાં જન્મ્યા એના પરથી તમારી આયુનું વર્ગીકરણ થાય. ઉદાહરણ તરીકે, 1965ની પહેલાં જન્મેલા (1946 1964 ) `બુમર્સ' તરીકે ઓળખાય છે. 1965-1980 દરમિયાન જન્મેલા વ્યક્તિ એની યુવાવસ્થામાં પહોંચે તો એ `જનરેશન X' તરીકે ઓળખાય છે. એ જ રીતે, 1981-1996ની પેઢી `મિલેનિયલ્સ' ગણાય જેને ઘણા `જનરેશન Y' પણ કહે છે. જ્યારે 1997થી 2012 વચ્ચે જન્મેલી યુવા પેઢી `જનરેશન Z' તરીકે ઓળખાય છે.
`નીટ' જેવી પરીક્ષાના પેપર લીક થયા પછી આપણી સરકરની સામે થઈ એને હંફવી નાખનાર આ `જનરેશન -જી (Z)' આજકાલ સમાચારોમાં બહુ ગાજી રહી છે.
આ તો થયું વયનું વર્ગીકરણ. હવે મૂળ વાત પર પરત ફરીએ તો આ ડિજિટલ જમાનામાં આજની જનરેશન હવે વધુ ને વધુ ગુપ્તતા જાળવતી થઈ ગઈ છે એવું આજના સમાજશસ્ત્રીઓ કહી રહ્યા છે. દસેક વર્ષ પહેલાં `ફેસબુક' કે `ટિવટર' (હવે X) જેવાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મનો જે દબદબો હતો એ હવે ઝડપથી ધટી રહ્યો છે. હવે એ પહેલાં જેવાં સુરક્ષિત પણ રહ્યાં નથી. આજની ટેક્નૉલૉજી જાણતો કોઈ નવોદિત હેકર પણ એમના સુરક્ષાચક્રમાં સહેલાઈથી છીંડું પાડી શકે છે. પરિણામે આજના જુવાનિયા એમની ગુપ્તતા જાળવવા નવી એટલે ઓછી જાણીતી નેટવર્કિંગ સાઇટ્સ પસંદ કરી રહ્યા છે. જોકે આવી કેટલીક અજાણી ઍપ્સ પણ આજની પેઢી માટે ફસામણીનો ફંદો પણ બની રહ્યો છે.
સાઇબર ફ્રૉડ- ક્રાઇમ જે ઝડપે વધી રહ્યાં છે એ જોતાં આપણી સરકારે ઢગલાબંધ ઍપ્સ પર પ્રતિબંધ મૂકીને એને ફરજિયાત બંધ કરાવી દીધી છે. આવી ઍપ્સની ફસામણી કેવી ખતરનાક અને જોખમી છે એનો અંદાજ સરકારે બંધ કરાવેલી 450થે વધુ ઍપ્સના આંકડા પરથી આવશે.
આ બધા વચ્ચે પણ આજે અનેક એવી ઍપ્સ પણ છે કે જેણે આપણાં અનેક રોજિંદાં કામ ઘણાં ઝડપી અને સરળ બનાવી દીધાં છે... એમાંય `વૉટ્સઍપ'ની મેસેજિંગ-ચૅટ-વીડિયો કૉલની સુવિધા વધી છે. વાપરનારાની અમુક માહિતી લીક ના થઈ જાય-બહાર ન પડી જાય એ માટે `વૉટ્સઍપ' જેવાં પ્લૅટફૉર્મ્સ અવારનવાર એની ફરતે વધારાના બે-ત્રણ સુરક્ષા ચક્ર રચી દેતાં હોય છે.
`વૉટ્સઍપ' જેવી જ સુરક્ષા અને સુવિધા ધરાવતી બીજી કેટલીક ઍપ્સ કે પ્લૅટફૉર્મ્સ છે. આમ છતાં આજનાં તરુણ-તરુણીઓ જાહેરમાં ઓછી જાણીતી એવી `ડિસ્કૉર્ડ' અને `વિકર' કે પછી `હાઇસાઇડ' ઍપ વાપરી રહ્યા છે. નિષ્ણાતો અનુસાર આ ત્રણેય ઍપ્સ `હેંગઆઉટસ' અને `વૉટ્સઍપ' કરતાં વધુ સુરક્ષિત છે. કેટલાક દેશની જાસૂસી એજન્સીઓ તો `વિકર' તથા `હાઇસાઇડ' પર જ પહેલી પસંદગી ઉતારે છે...!
આમ છતાં `ટિન્ડ્રર' `બુમ્બલ' જેવી લોકપ્રિય અને નિર્શોષ એવી ડેટિગ ઍપ પર પણ સાઇબર ગઠિયાઓ વિજાતીય વ્યક્તિના સેક્સી ફોટા સાથે નકલા પ્રોફાઇલ પોસ્ટ કરીને આકર્ષે પછી દોસ્તી કરી એના અકાઉન્ટમાં છીડું પાડીને બૅન્ક બૅલૅન્સ સફાચટ કરી નાખે... આવી જ કમાલ `નાઇટ પ્લે' `રિ-લૂપ' અને `નેક્ક્ષો' જેવી ઓછી જાણીતી ડેટિગ ઍપ્સ પણ દેખાડે છે.
પોતાની અમુક વાત પોતાના પૂરતી જ સીમિત રહે- ગામ આખાને ખબર પડે એ તો કોઈ પણ ન ઇચ્છે એ ખરું, પણ યુવા પેઢીમાં વ્યાપક થઈ રહેલી વધુપડતી ગોપનીયતા માત્ર વડીલો માટે જ નહીં, સમાજશાસ્ત્રીઓ ઉપરાંત કાયદાના રક્ષકો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે
જોકે અહીં આપણી ચર્ચા કે વાતનો મુખ્ય મુદ્દો છે : શા માટે આજની પેઢી વધુ ને વધુ ગુપ્તતા જાળવે છે કે જાળવવા ઇચ્છે છે અને આવી એમની વૃત્તિ-રીતિ કેવી જોખમી પણ પુરવાર થઈ શકે એની કદાચ આ પેઢીને જાણ નથી.
જોકે આ દિશામાં પોતાની રીતે તપાસ કરનારી સરકારી તેમ જ ખાનગી જાસૂસી એજન્સીઓની નજર સામે જે રહસ્ય બહાર આવી રહ્યું છે એ બહુ વિસ્ફોટક છે.
ઉદાહરણ તરીકે પ્રતિષ્ઠિત ઑનલાઇન એન્ટ્રન્સ ટેસ્ટનાં પેપર્સ કેમ ડી-કોડ કરવાં (એટલે કે ફોડવા)થી માંડીને ઈ-ડેટિગ-સેક્સ ટેક્સિંગ પૉર્નોગ્રાફીથી લઈને રેવ (ડ્રગ્સ) પાર્ટી ક્યાં-ક્યારે યોજાવાની છે ઉપરાંત ક્રિપ્ટો કરન્સીની બે નંબરી લેતી-દેતી ઇત્યાદિ ખાનગી પ્રવૃતિમાંય મોટા ઘરના કહેવાય એવા અને મનોરંજનની દુનિયામાં તાજેતાજી પ્રસિદ્ધિ મેળવી હોય એવા જુવાનિયા પણ સંડોવાયા છે.
આવી યુવા પેઢી ખુદ લેટેસ્ટ ડિજિટ ટેક્નૉલૉજીથી પરિચિત છે એટલે પોતાના ભેદ અકબંધ રાખવા ઑનલાઇનનાં નવાં અને અજાણ્યાં સાધનો વધુ વાપરે છે.
`જેન-ઝેડર્સ' જેવાં ટૂંકાક્ષરે ઓળખાતા `જનરેશન ઝેડ'ના યુવાનોમાં `ડિસ્કોર્ડ' અને `વિકર'ની જેમ `રેડડિટ' ઍપ પણ ખાસ્સી લોકપ્રિય છે. 40 લાખથી વધુ યુવાનો આવી ઍપ સાથે સક્રિય સંકળાયેલા છે. અહીં મોટાભાગના યુવાનો પોતાની ઓળખ સંતાડવા વિચિત્ર લાગે એવાં ભળતાં જ નામ-વાક્ય મૂકે છે, જેમ કે: `ફેટ ઘોસ્ટ' `સ્લિમ બ્યૂટી', `હોર્ની' વગેરે. `વૉટ્સઍપ'ની જેમ અહીં કોઈ પોતાના `ડીપી' (ડિસ્પ્લે પિક્ચર)માં સેલ્ફી મૂકવાને બદલે પ્રાણી-પક્ષીની આકૃતિ કે રેખાંકન મૂકે છે.
એ જ રીતે અત્યંત ખાનગી વાત માહિતી-સેક્સ કે હાર્ડ પૉર્નો ક્લિપ્સ માટે કે પછી ડ્રગ્સ પાર્ટીના આયોજન માટે થોડી વાર પછી આપમેળે `ભૂંસાઈ' જતી ચેટ-ફોટા કે વીડિયો ક્લિપની સુવિધા ધરાવતી `વિકર' સરકારના ગુપ્તચરોની જેમ યુવાનોમાં પણ પ્રિય છે.
આ બધા વચ્ચે, દોઢ કરોડથી વધુ સક્રિય મેમ્બર્સ ધરાવતી `ડિસ્કોર્ડ' ઍપ અવનવી ગેમિંગ માટે કિશોરો-તરુણોમાં જાણીતી છે. જોકે ઑનલાઇન ગેમિંગ-રમતનું આ પ્લૅટફૉર્મ ઘણી વાર નાદાન કિશોર-તરુણોને અજાણતાં જ ગૅમ્બલિંગ (જુગાર)ની લત તરફ પણ ધકેલી દીધાં હોવાના દાખલા બન્યા છે અને એક વાર લાગેલી જુગારની લત કાચી વયના કિશોરોને ડ્રગ્સ-પૉર્નોગ્રાફી જેવાં કેવાં કેવાં દૂષણોમાં ડુબાડી દે છે એનાથી એનાં મા-બાપ ખુદ અજાણ હોય છે.
તાજેતરમાં પ્રાઇવેટ સર્વરની મદદથી ચાલતી એક પિક્ચર અને લખાણવાળી ચૅનલ (ઍપ)માં દિલ્હી-મુંબઈ-બેંગ્લોર-હૈદરાબાદ-કોલકાતા તથા ગૌહાટીની સ્કૂલ-કૉલેજનાં તરુણ-તરુણીઓ સંકળાયેલા હોવાની વાત બહાર આવી છે. આવા દોઢેક હજારથી વધુ મેમ્બર્સ ધરાવતી આ ચૅનલ પર અશ્લીલ ફોટા અને ઇંગ્લિશ-હિંદીમાં ગંદી-ગલીચ ભાષાનો છૂટથી ઉપયોગ થાય છે. સાઇબર ક્રાઇમ સેલ પાસે આની બાતમી પહોંચી જતાં હમણાં આ સાઇટ બંધ છે.
બીજી તરફ, રાતોરાત શ્રીમંત બની જવાનાં સપનાં દેખાડતી ક્રિપ્ટો કરન્સી કમાવાની લત પણ બીજાં દૂષણોમાં પેટ્રોલ હોમવાનું કામ કરે છે. આજ રીતે, `ડાર્કનેટ' તરીકે ઓળખાતી ગુપ્ત નેટવર્કની એક સિન્ડિકેટ ભારતમાં કામ કરી રહી છે. 250 જેટલી વ્યક્તિની આ સિન્ડિકેટ ડ્રગ્સની હેરાફેરીનું કામ કરી રહી છે.
આ ટોળકીમાં સૉફ્ટવેર ઇજનેર-ડૉક્ટર અને આર્થિક નિષ્ણાત જેવા 20 યુવાનને આપણા નાર્કોટિક બ્યૂરોએ ઝડપી લીધા પછી ઘણી ચોંકાવનારી માહિતી આપણી સાઇબર ક્રાઇમ એજન્સીને મળી છે. ડ્રગ્સની લેતી-દેતીમાં રૂપિયા બે કરોડનો ક્રિપ્ટોકરન્સીમાં ધંધો કરનારી આ ટોળકીનો બૉસ રઘુનાથ કુમાર છે, જેણે `ડાર્ક્નેટ ગીતા' નામનું પુસ્તક પણ લખ્યું છે અને આશ્ચર્યની વાત એ છે કે મિસ્ટર રઘુનાથ અત્યાર સુધી કર્ણાટકની બેલારી જેલમાંથી એનો આ બે નંબરી ધંધો પણ ચલાવતો હતો!