મુંબઈ: ડૉકયાર્ડ રોડ વિસ્તારમાં ગેન્ગસ્ટર આસિફ દાઢીના પુત્ર પર બાઇકસવારોએ ગોળીબાર કર્યો હોવાની ઘટના મંગળવારે સાંજે બની હતી. પગમાં ગોળી વાગતાં આસિફ દાઢીના પુત્રને સારવારાર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ભાયખલા પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ડૉકર્યાડ રોડ ખાતે આજે સાંજે 6.15 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ગેન્ગસ્ટર આસિફ મોહંમદ ઇકબાલ શેખ ઉર્ફે આસિફ દાઢીનો દીકરો ઇસ્માઇલ આસિફ શેખ (38) સાંજે ત્યાંની એક હોટેલ તરફ જઇ રહ્યો હતો ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખસમાંથી એકે ઇસ્માઇલ પર ગોળીબાર કર્યો હતો. ગોળીબાર બાદ બંને શખસ બાઇક પર ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
પગમાં ગોળી વાગવાથી ઇસ્માઇલ શેખ ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ઇસ્માઇલની સારવાર ચાલી રહી હોઇ તે જોખમથી બહાર છે.
દરમિયાન બનાવની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાયખલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસ ટીમ હુમલાખોરોને ઓળખી કાઢવા ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી રહી છે. ઉપરાંત ગોળીબાર કરવા પાછળના હેતુની પણ તપાસ કરવામાં આી રહી છે.
ઉલ્લેખનીય છે કે 2010માં ભિંડી બજાર ખાતે થયેલા ગોળીબારમાં આસિફ દાઢી ઘાયલ થયો હતો, જ્યારે બે જણનાં મોત થયાં હતાં. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં બે શૂટરની ધરપકડ કરી હતી અને તેમણે પૂછપરછમાં ગુનાની કબૂલાત કરી હતી.