છોકરી સાથેના કુકર્મનો વીડિયો બનાવ્યો: વીડિયો વાયરલ થતાં ઘટના સામે આવી
મુંબઈ: નાલાસોપારામાં બનેલી આંચકાજનક ઘટનામાં ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કર્યા પછી બે સગીરે 14 વર્ષની છોકરી સાથે કથિત ગૅન્ગ રૅપ કર્યો હતો. આરોપીઓએ છોકરી સાથેના કુકર્મનો વીડિયો બનાવ્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે બન્ને સગીરને પકડી પાડ્યા હતા.મળતી માહિતી અનુસાર નાલાસોપારા પૂર્વમાં રહેતી છોકરી ઈન્સ્ટાગ્રામના માધ્યમથી 17 વર્ષના એક આરોપીના સંપર્કમાં આવી હતી. પછી સમયાંતરે બન્ને વચ્ચે સોશિયલ મીડિયા પર ચૅટિંગ થતું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર 11 જુલાઈની બપોરે આરોપીએ સગીરાને મેસેજ કર્યો હતો અને મહત્ત્વનું કામ હોવાથી મળવા માગતો હોવાનું કહ્યું હતું. નક્કી કરેલા સ્થળે છોકરી સગીરને મળવા પહોંચી ત્યારે તેને નજીકની ચાલમાં આવેલી એક રૂમમાં લઈ જવાઈ હતી, જ્યાં પહેલેથી 17 વર્ષનો બીજો આરોપી હાજર હતો.ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે બન્ને સગીરે છોકરી સાથે દુષ્કર્મ કર્યું હતું અને તેનું પોતાના મોબાઈલથી રેકોર્ડિંગ કરી લીધું હતું. બાદમાં બનેલી ઘટનાની કોઈને જાણ કરી તો અશ્ર્લીલ વીડિયો વાયરલ કરવાની સાથે છોકરીના ભાઈને મારી નાખવાની ધમકી બન્ને આરોપીએ આપી હતી. ડરના માર્યા છોકરીએ મહિના સુધી આ અંગે કોઈને જાણ કરી નહોતી.
જોકે આરોપીઓએ એ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.15 ઑગસ્ટે છોકરીના મામાના મોબાઈલ ફોન પર એ વીડિયો આવ્યો હતો. વીડિયો જોઈને આઘાત લાગતાં તેણે ભાણેજની પૂછપરછ કરી હતી, જેને પગલે છોકરીએ આપવીતી જણાવી હતી.આ પ્રકરણે છોકરીની ફરિયાદને આધારે તુલિંજ પોલીસે બન્ને સગીર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો, ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ અને પોક્સો ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ બન્ને સગીરને તાબામાં લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.