Fri Sep 04 2026

Logo

ગણેશોત્સવના મહાપ્રસાદ આડે એફડીએનું વિઘ્ન: ભક્તો મૂંઝવણમાં

2026-08-26 09:56:00
Author: Mumbai Samachar Team
ગણેશોત્સવના મહાપ્રસાદ આડે એફડીએનું વિઘ્ન: ભક્તો મૂંઝવણમાં

ભંડારો કરવા માટે કે સોસાયટીમાં જમણવાર રાખવા માટે પણ લાઈસન્સ લેવું પડશેઃ સામાજિક સંસ્થાઓ, સોસાયટીઓમાં ચિંતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગણેશોત્સવ જેમજેમ નજીક આવતો જાય છે તેમ શહેર અને રાજ્યની અનેક હાઉસિંગ સોસાયટીઓમાં આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જોકે, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના નવા નિયમોને પગલે હવે સામાજિક સંસ્થાઓ, મંડળો અને હાઉસિંગ સોસાયટીના પદાધિકારીઓમાં મૂંઝવણ ઊભી થઈ છે. આ વર્ષે વિધ્નહર્તાના ઉત્સવના મહાપ્રસાદમાં એફડીએનો અવરોધ ઊભો થાય તેવો ભય ગણેશ મંડળોમાં જોવા મળી રહ્યો છે. સવાલ એ છે કે સોસાયટી કે મંડળોમાં એક દિવસ માટે મફતમાં મહાપ્રસાદનું વિતરણ કરવા માટે આવે તો પણ એફડીએની નોંધણી અથવા લાઈસન્સ લેવું જરૂરી છે કે નહીં.

ગણેશોત્સવ દરમિયાન અનેક મંડળો- સોસાયટીઓમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ સોસાયટીની મહિલાઓ અને રહેવાસીઓ પોતે જ રસોઈ કરે છે, જ્યારે કેટલીક સોસાયટીઓ બહારના કેટરરને મહાપ્રસાદ બનાવવાની જવાબદારી સોંપે છે. આથી વ્યાવસાયિક ખાદ્ય વ્યવસાય અને એક દિવસ માટે મફતમાં કરવામાં આવતા મહાપ્રસાદના આયોજન માટેના નિયમોમાં સ્પષ્ટતા કરવાની માગણી થઈ રહી છે.

એફડીએના નિયમો મુજબ ખાદ્ય વ્યવસાય માટે નોંધણી અથવા લાઈસન્સ જરૂરી હોય છે. ધાર્મિક સ્થળોએ આપવામાં આવતા પ્રસાદ, લંગર અને ભંડારા જેવા અન્ન વિતરણના કાર્યક્રમો પણ ફૂડ સેફ્ટીના નિયમોના અંતર્ગત આવી શકે છે. નાના ખાઘ વ્યવસાયો માટે માત્ર ૧૦૦ રૂપિયામાં નોંધણીની સુવિધા ઉપલબ્ધ છે. જોકે, સોસાયટીના રહેવાસીઓ પોતાના ખર્ચે માત્ર એક દિવસ માટે મફતમાં મહાપ્રસાદનું આયોજન કરે તો તેમણે કઈ પ્રક્રિયા કરવી, તે અંગે સ્પષ્ટતા જરૂરી છે.

મહાપ્રસાદ બહારના કેટરર પાસેથી તૈયાર કરાવવામાં આવે તો કેટરર પાસે માન્ય એફએસએસએઆઈ નોંધણી અથવા લાઈસન્સ છે કે નહીં તે તપાસવું મહત્વપૂર્ણ છે. સાથે જ રસોઈ માટેની જગ્યા, સાધનસામગ્રી, સુરક્ષિત પાણી, અન્નનો સંગ્રહ અને તૈયાર ભોજનના વિતરણની જવાબદારી કોની રહેશે, તે અંગેની પણ સ્પષ્ટતા આપવી પણ જરૂરી છે. મહાપ્રસાદ મફત હોય તો પણ ખાદ્ય સુરક્ષાના નિયમો સાથે બાંધછોડ કરી શકાય નહીં, એવી તાકીદ એફડીએ દ્વારા કરવામાં આવી છે.

દરમિયાન, મહાપ્રસાદના નિયમોને લઈને એફડીએના અધિકારીઓ પાસેથી સ્પષ્ટતા મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ અધિકારીઓ તરફથી પ્રતિસાદ મળ્યો ન હતો. સોસાયટીઓની માંગ છે કે એક દિવસ માટે યોજાતા મફત મહાપ્રસાદ, રહેવાસીઓ દ્વારા કરવામાં આવતી રસોઈ અને વ્યવસાયિક કેટરિંગ માટે સ્પષ્ટ માપદંડ જાહેર કરવામાં આવે, જેથી ગણેશોત્સવ દરમિયાન ધાર્મિક આયોજન કરતા સોસાયટીના રહેવાસીઓને નિયમો અંગે કોઈ મૂંઝવણ ન રહે.